દાલમિયા ગ્રૂપે લાલ કિલ્લાને પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર દત્તક લીધો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ લાલ કિલ્લો દેશની એવી પ્રથમ ઐતિહાસિક ઈમારત બની ગયો છે કે જેને દાલમિયા જૂથે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો છે. આ સાથે દાલમિયા ગ્રૂપ પણ એવું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે કે જેણે દેશના કોઈ ઔતિહાસિક સ્થળને આ રીતે દત્તક લીધું હોય. આ માટે દાલમિયા જૂથે સરકારને ૨૫ કરોડ ચૂકવી દીધા છે.

એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ લાલ કિલ્લાને દાલમિયા જૂથે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો છે. તેથી હવે પાંચ વર્ષ સુધી તેની જાળવણી કરવાની જવાબદારી પણ આ જૂથની જ રહેશે. દાલમિયા જૂથે આ કોન્ટ્રાકટ ઈન્ડિગો એરલાઈન્સ અને જીએમઆરને હરાવીને મેળવ્યો છે.

કેન્દ્ર સરકારે આ સ્કીમ ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી, જેમાં સમગ્ર દેશમાં રહેલી ૧૦૦ ઈમારતોને આ માટે પસંદ કરવામા આ‍વી હતી. આ ઈમારતોમાં તાજમહાલ, કાંગડા ફોર્ટ, કોણાર્કનુ સૂર્યમંદિર અને સતીઘાટ સહિત અનેક સ્થળનો સમાવેશ થાય છે ત્યારે હવે દાલમિયા જૂથે લાલ કિલ્લાને આ રીતે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લીધો છે અને આ રીતે દેશમાં પ્રથમ વાર જ કોઈ ઐતિહાસિક સ્થળને દત્તક લેવાની ઘટના બની છે.

૯ એપ્રિલે કોન્ટ્રાક્ટના કરાર થયા
દાલમિયા જૂથ, પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વ વિભાગ વચ્ચે આ અંગેના કોન્ટ્રાક્ટ માટે ગત નવમી એપ્રિલના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટ મુજબ દાલમિયા જૂથે આગામી છ માસમાં જ લાલ કિલ્લામાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવી પડશે, જેમાં પાણી, ફર્નિચર સહિતની અન્ય સુવિધાનો સમાવેશ થાય છે.

બીજી તરફ આગામી ૨૩ મેથી દાલમિયા ભારત જૂથના સીઈઓ મહેન્દ્ર સિંધીએ જણાવ્યું હતું કે લાલ કિલ્લામાં આગામી ૩૦ દિવસમાં સુધારવાનું કામ શરૂ કરી દેવામાં આ‍વશે, જોકે ૧૫ ઓગસ્ટે વડા પ્રધાનના ભાષણ માટે આ જૂથે લાલ કિલ્લાને સુરક્ષા એજન્સીઓને સોંંપવો પડશે. ત્યારબાદ ફરી લાલ કિલ્લો દાલમિયા જૂથને સોંપી દેવામાં આવશે.

લાલ કિલ્લા બાદ તાજમહાલને પણ દત્તક અપાશે
એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ આગામી દિવસોમાં લાલ કિલ્લા બાદ તાજમહાલને પણ દત્તક લેવામાં આવશે. આ માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઈટીસી તેને દત્તક લેવાના અંતિમ દોરમાં છે. તેથી હવે થોડા સમય બાદ તાજમહાલને પણ કોઈ જૂથ દત્તક લઈ લેશે.

You might also like