લક્ષ્મીજીનું એક નામ પીપલાશ માતા, આ નામ પડવા પાછળનું આ છે કારણ….

જગતની એવી કઇ વ્યક્તિ હશે, જે પીપળા નામના વૃક્ષથી અજાણ હોય? આવી વ્યક્તિ આપણને ભારતના નાનામાં નાના દૂરના છેવાડાનાં ગામમાં પણ નહીં જોવા મળે.જેમાં જગતના પાલનહાર એવા ભગવાન વિષ્ણુનો સદૈવ વાસ હોય છે. આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુના અર્ધાંગિની મા લક્ષ્મી વસે છે. લક્ષ્મીજીનું એક નામ પીપલાશ માતા છે. પીપલાશ માતા નામ પડવા પાછળનું કારણ એ છે કે તેઓનો વાસ પીપળામાં છે. તેથી મા પીપલાશ કહેવાયાં.

રાજસ્થાનની પવિત્ર ભૂમિ મેવાડમાં મેવાડીઓની એક પવિત્ર ચોવીસા બ્રાહ્મણની જાત છે. તેમનાં કુળદેવી મા પીપલાશ માતા છે. મા પીપલાશને પૂજનારા કદી આર્થિક તાણ અનુભવતા નથી. અા વાતની સાબિતી ચોવીસા બ્રાહ્મણોને જોવાથી મળે છે.

જો કોઇ વ્યક્તિ સવારે સ્નાન પૂજા કર્યા બાદ પીપળાના થડ પાસે બેસીને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરે, ત્રણ, પાંચ કે સાત જળ સહિત પ્રદક્ષિણા કરતાં કરતાં ૐ નમોઃ ભગવતે વાસુદેવાયના જાપ જપે તો તેનાં ભાગ્ય ઊજળાં થાય છે. તેને નોકરી ન હોય તો બહુ ઉત્તમ પ્રકારની નોકરી મળે. અવિવાહિત હોય તો તેને સારા કુળની પત્ની અથવા સારા કુળનો પતિ મળે. તેથી કહી શકાય કે જેનાં લગ્ન વિલંબમાં પડ્યાં હોય તેનાં લગ્ન ઉત્તમ કુળના છોકરા કે છોકરી સાથે થાય. તેનો ઝડપથી ભાગ્યોદય થાય.

જે કોઇ વ્યક્તિ ભગવાન વિષ્ણુની ભક્ત હોય અને તેને દૈવયોગે રાત્રિની નોકરી મળે તો તે સવારે પીપળો કદાચ પૂજી ન પણ શકે. આવી કોઇ વ્યક્તિ જો સાયંકાળે ભગવાન વિષ્ણુસ્વરૂપી પીપળા પાસે ધૂપ દીપ કરી વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પાઠ કરે તો તેનો બહુ ઝડપથી ભાગ્યોદય થાય. ઉપર કહ્યા મુજબ તેને ઉત્તમ ફળ મળે છે.આ લેખના લેખકને આ બધી બાબતના ઉત્તમ અનુભવ છે.

સવારે ભાવથી જળપ્રદક્ષિણા કરવી. તેમાં પુરુષે પીળું પીતામ્બર તથા સ્ત્રીએ પીળી રેશમી સાડી પહેરવી. જો આ શક્ય ન હોય તો ધોયેલાં વસ્ત્ર પહેરી પૂજા કરવી. સવારે સ્નાનાદિકથી પરવારી ધોયેલાં વસ્ત્ર પહેરવાં, ભગવાન શ્રીહરિનું પૂજન કરવું. તાંબાના લોટામાં ચોખ્ખું જળ ભરી તેમાં અક્ષત પધરાવી, ચંદન અથવા ચંદન પાઉડર સહિત એક પીત પુષ્પ પધરાવવું. સાથે ધૂપ દીપ લેવાં.

નજીક આવેલા પીપળે જઇ ધૂપ દીપ પ્રગટાવી ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા ૐ નમોઃ ભગવતે વાસુદેવાયના જાપ સહિત ફરવી. શક્ય હોય તો ત્યાં વિષ્ણુસહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો.

આ પ્રકારે છ માસ કરવાથી તેના અનેક ફાયદા તેને જોવા મળે છે. જો કોઇ વ્યક્તિ પીપળાની સ્વયં પડેલી છાલ લઇ તેમાં ૩૬ આહુતિ બગલામુખી મંત્રની આપે તો તેને અનેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેના ઉપર મા પીપલાશ પ્રસન્ન થાય છે. તે બહુ ટૂંક સમયમાં ધનવાન બને છે. પીપળાનાં પાન પગમાં લેવાં નહીં.

પીપળાનાં પાનમાં પણ સ્વયં ભગવાન વિષ્ણુ વસે છે. પીપળા પાસે સાંજે ચોખ્ખા ઘીનો દીપક પ્રગટાવવાથી તથા તેની પાસે સુગંધીદાર અગરબત્તી પ્રગટાવવાથી તેનું અજવાળું દીપક પ્રગટાવનાર તથા અગરબત્તી પ્રગટાવનારનાં અનેક જન્મો સુધી મળે છે તથા તેટલાં જ જન્મો સુધી તેનાં જીવનમાં સુગંધીરૂપી ખુશીઓ તેને મળ્યાં કરે છે.

આ બધી વાત કોઇ ટાઢાં પહોરનાં ગપ્પાં નથી, પરંતુ શાસ્ત્રો આધારિત છે. જ્યાં પણ શાસ્ત્રમાં શંકાનાં વાદળ છવાય છે ત્યાં વિજ્ઞાન આવતાં લોકોને ગપ્પાં લાગે છે, પરંતુ ઉપર જણાવેલ તે તમામ બાબત સત્ય છે. •

You might also like