લખુડી તળાવથી નવરંગપુરા ચાર રસ્તા, મીઠાખળી છ રસ્તાથી અાશ્રમ રોડનો રસ્તો ખોદી નખાશે

અમદાવાદ: કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પશ્ચિમ ઝોનમાં લખુડી તળાવથી સ્ટેડિયમ જંકશનથી નવરંગપુરા ચાર રસ્તા થઇ મીઠાખળી છ રસ્તા થઇ મીઠાખળી ગરનાળા થઇ આશ્રમરોડ સુધીના રોડને ખોદી કાઢવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

આજે સાંજે મળનારી વોટર એન્ડ સુઅરેજ કમિટીની બેઠકના એજન્ડામાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં લખુડી તળાવથી સ્ટેડિયમ જંકશનથી નવરંગપુરા ચાર રસ્તા થઇ મીઠાખળી છ રસ્તા થઇ, મીઠાખળી ગરનાળા થઇ આશ્રમરોડ સુધીની હયાત ચણતરની આર્ચ ટાઇપની સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇનને મજબૂત કરવા અંગેની દરખાસ્ત મુકાઇ છે. આ દરખાસ્તમાં પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચરના અંદાજી ભાવથી ર૮.૮૧ ટકા ઓછા ભાવના રૂ.૧૧.૦ર કરોડના ટેન્ડર અને ટેન્ડર આધારિત રૂ.૧પ.૧પ કરોડના અંદાજને મંજૂરી આપવાની બાબત દર્શાવાઇ છે. જેના કારણે આગામી એકાદ મહિનામાં આ સમગ્ર રસ્તાને ખોદી કઢાશે.

વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઇને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે હયાત સ્ટ્રોમ વોટર ડ્રેઇન લાઇન જૂના પ્રકારની ઇંટોની બનેલી છે. જેના કારણે આ લાઇન ખવાઇ ગઇ છે તેમજ તેમાં વારંવાર બ્રેકડાઉન થાય છે એટલે આખી લાઇન નવી નંખાશે.

You might also like