ચોમાસું વીત્યા બાદ ભરશિયાળે તળાવને ‘મચ્છરમુક્ત’ કરાવવાનો તખ્તો ગોઠવાયો!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ભ્રષ્ટ વિભાગ પૈકીના એક હેલ્થ વિભાગની કામગીરી એક અથવા બીજા પ્રકારે હંમેશાં વિવાદાસ્પદ રહી છે. હેલ્થ વિભાગ પાછળ મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાય છે તેમ છતાં છેલ્લાં સવા બે વર્ષથી સમગ્ર વિભાગ ‘ઇન્ચાર્જ’ના હવાલે ચાલી રહ્યો છે, પરિણામે હેલ્થ વિભાગના અધિકારીઓ પર કોઇનો કોઇ અંકુશ રહ્યો નથી. મચ્છરથી ભરપૂર સિઝન ગણાતી ચોમાસાની ઋતુ વીતી ચૂકી અને અત્યારે ભરશિયાળો ચાલે છે. આવી મોસમમાં હેલ્થ વિભાગમાં તળાવને મચ્છરમુક્ત કરવાનો તખ્તો ગોઠવાયો છે.

આજે સાંજે મળનારી હેલ્થ કમિટીની બેઠકમાં શહેરના વેજલપુર‌ વિસ્તારના મલાવ તળાવ, વટવા તળાવ, વિંઝોલ તળાવ સહિતનાં વિભિન્ન ર૪ તળાવમાં થતાં મચ્છરને અટકાવવાને લગતી તંત્ર દ્વારા મુકાયેલી એક દરખાસ્તે વિવાદના વંટોળ સર્જ્યા છે. આ તળાવનું વાર્ષિક ધોરણે જાળવણી માટે મ્યુનિ. મેલેરિયા વિભાગનો સ્ટાફ હોવા છતાં ફરીથી ખાનગીકરણ થવાનું છે.

ત્રણેક વર્ષ પહેલાં શહેરનાં બાર તળાવની જાળવણીનું કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. તે વખતે બે વર્ષનું ટેન્ડર મંજૂર કરાયું હતું, પરંતુ હાલનું નવું ટેન્ડર છ-સાત મહિનાના વિલંબ અને ભારે વાદ-વિવાદ વચ્ચે બહાર પડ્યું છે. આમાં એક તો તળાવની સંખ્યા બમણી થઇ હોઇ સ્વાભાવિકપણે મ્યુનિ. તિજોરીમાંથી બમણો ખર્ચ ચૂકવાશે, બીજામાં તળાવને ‘ મચ્છરમુક્ત’ ચોમાસામાં કરવાની જરૂર હતી, જ્યારે બે મહિના બાદ ઉનાળામાં જે તે તળાવનું રહ્યુંસહ્યું પાણી પણ સુકાઇ જવાનું તો સમયગાળાની પસંદગી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે, ત્રીજા વિવાદમાં લાંભા ગામના તળાવ સહિતનાં તળાવમાં ખુલ્લેઆમ ઠલવાતી ગટરનાં પાણીને રોકવામાં મ્યુનિ. સત્તાવાળાઓ સરિયામ નિષ્ફળ નીવડ્યા છે. તેમ છતાં તળાવના વિકાસના નામે લાખો રૂપિયા ખર્ચનાર તંત્ર તળાવની જાળવણીનાં નાટક ભજવીને પ્રજાના પૈસાનો બેફામ ધુમાડો જ કરવાનું છે.

મ્યુનિ. હેલ્થ વિભાગના રૂ.૮૮ લાખના તળાવની જાળવણીના ટેન્ડરે અનેક વિવાદ સર્જ્યા છે. બે વર્ષના આ ટેન્ડરની મંજૂરીમાં હેલ્થ કમિટીના ચેરમેન સહિતના સભ્ય આજે કેવો પ્રતિસાદ આપે છે તેની મ્યુનિ. વર્તુળોમાં ચર્ચા ઊઠી છે.
http://sambhaavnews.com/

You might also like