સુરતઃ મહિલા મંડળ દ્વારા શ્રાવણિયા સોમવારની સ્મશાનમાં અનોખી ઉજવણી

સુરતઃ શહેરમાં શ્રાવણનાં પહેલાં સોમવારની આજે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા અશ્વનીકુમાર સ્મશાનમાં શ્રાવણનાં પ્રથમ સોમવારને લઇ ભજન કિર્તન કરવામાં આવ્યાં હતાં. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ભજન કિર્તનમાં જોડાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે શ્રાવણનો સોમવાર એટલે શિવત્વની પ્રાપ્તિ માટેનો વિશેષ અવસર. સોમ એટલે કે મનનાં દેવતા ચંદ્રદેવે મહાદેવની ભક્તિ થકી ક્ષીણત્વથી મુક્તિ મેળવી હતી. તે જ રીતે આજનાં દિવસે ભક્તોની સોમનાથ મંદિરે ભારે ભીડ જોવાં મળી હતી. જેમાં સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ભક્તોને જાણે કે પોતાનાં દુઃખથી છુટકારો મળ્યો હોય તેવો અહેસાસ થયો હતો.

દરેક શિવ મંદિરોમાં જય ભોલે, હર હર મહાદેવનાં નાદથી શિવાલયો ગુંજી રહ્યાં છે. ભક્તો શિવલીંગ પર દૂધ, બિલિપત્રો, ફૂલ ઈત્યાદી ચઢાવીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે. ભગવાન ભોળેનાથનાં નાના મંદિરોથી લઈને મોટા મોટા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

મહત્વનું છે કે પવિત્ર શ્રાવણ માસનો આજનાં દિવસે પ્રથમ સોમવાર છે. વર્ષનાં બારે મહિનામાં પવિત્ર શ્રાવણ માસનું અનેરૂ મહત્વ હોય છે. તેમાંય સોમવારને તો મહાદેવજી માટે અતિ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે સોમવાર એ શિવજીનો અતિ પ્રિય વાર છે. અનેક શ્રદ્ધાળુઓ આખો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે તેમજ કેટલાંક ભક્તો શ્રાવણનાં દર સોમવારે ઉપવાસ કરતા હોય છે.

આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં અનેક શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવાં મળી હતી. ત્યારે સુરતમાં શ્રાવણ માસનાં પ્રથમ સોમવારને લઇને એક મહિલા મંડળે શહેરમાં આવેલ અશ્વનીકુમાર સ્મશાનમાં ભજન કિર્તન કરીને ભગવાનની ભક્તિ કરી હતી. જેથી સ્મશાનમાં પણ ભક્તિમય માહોલ સર્જાયો હતો.

You might also like