નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે શેરબજારમાં ઘટાડાની શક્યતા ઓછી

શેરબજારમાં ગઇ કાલે શરૂઆતે સુધારો નોંધાયા બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા છેલ્લે ‘ફ્લેટ’ બંધ જોવાયો હતો. બીએસઇ સેન્સેક્સ ૧૦ પોઇન્ટના સુધારે ૩૩,૧૫૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦ પોઇન્ટના ઘટાડે ૧૦,૩૨૩ પોઇન્ટના મથાળે બંધ જોવાયો હતો. સેન્સેક્સ નવી ઊંચાઇએ બંધ થયો હતો. જ્યારે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૨.૪ ટકા અને નિફ્ટીમાં ૧.૭ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

કેટલીક અગ્રણી કંપનીઓના અપેક્ષા કરતાં સારાં પરિણામને પગલે તથા નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. શેરબજાર આગામી સપ્તાહે નવેમ્બર મહિનામાં પ્રવેશી રહ્યું છે. સરકાર અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા વધુ આર્થિક સુધારા તરફી પગલાં ભરી શકે છે તેવાં સેન્ટિમેન્ટ પાછળ વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક ફંડની પણ ખરીદી નોંધાતી જોવા મળી હતી.

દરમિયાન અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પાછલા કેટલાક સમયથી ઊભી થયેલી તંગદિલી હળવી થતાં વૈશ્વિક શેરબજારોમાં પણ તેની સકારાત્મક અસર નોંધાઇ હતી. તેની અસર સ્થાનિક શેરબજારમાં પણ જોવા મળી હતી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહે શેરબજારમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે. નિફ્ટી ૧૦૦થી ૧૨૫ પોઇન્ટની રેન્જમાં મૂવમેન્ટમાં જોવા મળે. દરમિયાન શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ ઓછી છે. એટલું જ નહીં ઓક્ટોબર મહિનાના ઓટો સેલ્સ ડેટા આગામી સપ્તાહે આવશે. ઓટો શેરમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા
વ્યક્ત કરાયો છે.

આગામી સપ્તાહે આ અગ્રણી કંપનીનાં પરિણામ આવશે
સોમવારઃ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ચૂરી પ્લાય, એચડીએફસી, આઇડીએફસી, લ્યુપિન, મેરિકો, સિન્ટેક્સ, ટાટા સ્ટીલ
મંગળવારઃ અજન્તા ફાર્મા, કોરોમંડલ ઈન્વેસ્ટમેન્ટ, ડાબર, ડો.રેડ્ડીઝ લેબ્સ, આઇડીબીઆઇ, ઇન્ડિગો, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિન્ડિકેટ બેન્ક
બુધવારઃ ડ્યુટ્રોન, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, હીરો મોટો કોર્પ, હેક્સાવેર, ટીવીએસ મોટર
ગુરુવારઃ આંધ્ર બેન્ક, બોરોસિલ, સેરા, દીપક ફર્ટિ, એચસીસી, ઉજ્જ્વન ફાઇનાન્સિયલ સર્વિસ
શુક્રવારઃ ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીસ, હિન્દાલ્કો, પંજાબ નેશનલ બેન્ક, ટાટા પાવર, ટાઈટન, ટોરન્ટ ફાર્મા, યુકો બેન્ક, યુનિયન બેન્ક

You might also like