ગરીબીમાં પણ જીવનની અમીરી

એ તો શ્રીમંતોના ચાળા,..

  • ભૂપત વડોદરિયા

સામાન્ય માનવીની પત્ની નિસાસો નાખીને કહે છેઃ ‘પેલા લોકો રજા ગાળવા માથેરાન ગયા! આપણે તો ત્રણસો પાંસઠ દિવસનો એકધારો ઢસરડો! ક્યાંય રજાનું નામ જ નહીં!’ સામાન્ય માનવીનો પુત્ર નિરાશાથી કહે છેઃ ‘મારા કેટલાક મિત્રો તેમના કુટુંબ સાથે મહાબળેશ્વર ગયા! આપણે ક્યાંય જવાનું નહીં?’ સામાન્ય માનવી ફિક્કું હસે છે અને વાતને ટાળે છે. એનેય એકાદ અઠવાડિયાની છુટ્ટીની, આરામની, હવાફેરની ઇચ્છા થાય છે, પણ એ શું કરે? તેના ખિસ્સાને આ મોજશોખ પરવડવો જોઈએ ને?

કેટલાક ટીકાના સૂર કહે છેઃ ‘એ તો શ્રીમંતોના ચાળા, એમની પાસે ફાજલ નાણાં હોય એટલે એને એ પોસાય! આપણે તો અહીં જ સારું! એ વાત સાચી છે કે માથેરાન, મહાબળેશ્વર, કાશ્મીર કે સાપુતારાની સહેલગાહ બધાને પરવડે નહીં, આખા કુટુંબના આવા પ્રવાસ અને નિવાસ માટેની આર્થિક સગવડ તેમની પાસે હોય નહીં, માણસ શાંતિથી વિચારે તો તેને લાગે કે આવી રજા અને આવા હવાફેર છેક અનિવાર્ય નથી. તનમનને તાજા કરવાની જરૂર તો હોય જ છે, પણ દરેક માનવી પોતાની રીતે કરી શકે છે, જેમને પરવડે તેમ હોય. ખુશીથી દૂર હવા ખાવાના સ્થળે જઈ શકે છે. જેમને પરવડે તેમ ના હોય તેઓ પણ ધારે તો ત્રણચાર દિવસની સહેલગાહ કરી શકે છે.

પણ સૌથી પાયાનો સવાલ એ છે કે, આવી રજા ના ભોગવીએ તો શું? આપણી જીવનપદ્ધતિમાં પણ કેટલાક એવા ફેરફારો થઈ ના શકે કે હવાફેરના આવાં સ્થળોની આપણી ઝંખના ઓછી થઈ જાય? જીવ્યા કરતાંય જોયું ભલું તે સાચું જ છે. માણસને જ્યારે જ્યારે તક મળે ત્યારે તેણે પોતાના પ્રદેશની અને દેશની થોડી ભૂગોળ અનુભવવી જોઈએ. પણ એવી તક ના હોય, સંજોગો ના હોય, આર્થિક ત્રેવડ ના હોય ત્યારે માણસે હતાશ થવાની જરૂર નથી. તે પોતાના જીવનમાં કાંઈક ફેરફાર કરીને રજાનો લહાવો લઈ શકે છે.’

આખા કુટુંબ માટેનો આ કાર્યક્રમ હોવો જોઈએ. સૌથી પહેલું તો એ કે રોજ રસોઈ કરી આપનારી પત્ની, બહેન કે માતાને રસોઈમાંથી છુટ્ટી આપો! રોજ નાનામોટા ધક્કા ખાતાં બાળકોને કંઈ જ કામ નહીં કરાવવાનું! આ શી રીતે બને? બની શકે એક વાર પુરુષ બધું જ જાતે કરે અને આખા કુટુંબને આપે. વારાફરતી બધા પુખ્ત સભ્યો આ જવાબદારી લઈ શકે. ખાનપાનની સામગ્રીઓ આજના જમાનામાં બધી કંઈ ઘેર જ બનાવવી પડતી નથી. થોડી વાનગીઓ ઘેર પણ બની શકે, પણ તેનો આધાર ઉત્સાહ ઉપર છે. તમે કોઈ ચાંદની રાતે સૂરત નજીક ડુમ્મસના રેતીપટમાં સામાન્ય માનવીઓને મોજ કરતાં જોયા હશે તો તમને થશે કે આનંદપ્રમોદનાં સાધનો કરતાંય તેમની ખરી મજા તેમના મિજાજમાં છે, જીવનમાંથી રસ ખેંચવાની તેમની શક્તિમાં છે. અંતે તો સાચો આનંદ બાહ્ય સાધનોમાં નથી, આનંદ ગ્રહણ કરવાની માણસની દૃષ્ટિમાં છે. કેટલાક લોકો કાશ્મીરમાં બેઠાં બેઠાં પણ લોહી ઉકાળો કરી શકે છે. કેટલાક અમદાવાદની ગરમીમાં પણ ઠંડા દિમાગથી હસી શકે છે.

આપણને રજાની ભૂખ જાગે છે, કેમકે આપણે જીવનને એક શિલામાં ગોઠવી દીધું હોય છે. તેમાં કોઈ ફેરફાર કરવાનું આપણને ગમતું નથી. માણસ ધારે તો કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ કુટુંબજીવનને શુષ્કતા અને યાંત્રિકતાથી બચાવી શકે છે. રૂપિયા ઘણું બધું કરી શકે છે, પણ થોડા રૃપિયામાં માણસ ઘણું કરી શકે છે, જીવનને માણી શકે છે. તેની શરત એક જ છે કે તે ચીલાચાલુ પદ્ધતિને છોડવા તૈયાર હોય. જીવન પ્રત્યેનો ઉમંગ ગુમાવી બેઠો ના હોય, તેના અફસોસમાં જીવતો ના હોય અને જે છે તેમાંથી વધુમાં વધુ આનંદ મેળવી શકે છે.

સામ્યવાદનો પિતા કાર્લ માર્ક્સ ગરીબ માણસ હતો, દેવાદાર માણસ હતો, પણ એનું કુટુંબજીવન ઉત્તમ હતું. મકાનધણીને મોં બતાવી નહીં શકતો માર્ક્સ બાળકોને કહેતો કે, એ ભાડું લેવા આવે તો કહેજો કે હું ઘરમાં નથી! એક બાળકે સવાલ કર્યો કે, એવું જૂઠું બોલવાનું? પપ્પા, એવું બોલતાં અમને શરમ થાય. કાર્લ માર્ક્સે પોતાના બાળકની શિખામણ સ્વીકારી લીધી. કાર્લ માર્ક્સે પત્ની જેયિની આનંદની ધારા જેવી હતી. તેના અતિથિ બનેલા એક માનવીએ નોંધ્યું છે કે, ત્યાં મેં ચોપાસ ગરીબી જોઈ પણ તેના કુટુંબ જીવનની અમીરી મારી છાતીમાં મીઠું દર્દ જગાડી ગઈ જે પ્રેમથી તેમણે ચા-નાસ્તો આપ્યાં એ હું કદી ભૂલી શક્યો નથી. કપ-રકાબી તૂટેલાં હતાં. રકાબીમાં તિરાડ હતી અને કપનો કાન નીકળી ગયેલો હતો. ખુરશી પણ તૂટેલી હતી. પણ એમનો ઉમંગ અને પ્રેમ જોઈને મને લાગ્યું કે હું તૂટેલી ખુરશીમાં નહીં, રાજાસિંહાસન પર બેઠો છું. ખરેખર વાત આ જ છે. આપણે ત્યાં મહેમાન તો શું ખુદ ઘરધણી પણ આવી લાગણી અનુભવી શકતો નથી, કેમકે આપણી સાચી ખુમારી ચાલી ગઈ છે. આપણી આવક ગમે તે હોય, તેને આમાં નિસ્બત નથી. આપણે ઓશિયાળા બની ગયા છીએ, આપણે અતિથિને પ્રેમ આપી શકતા નથી. આપણી ગરીબી કે સામાન્ય સ્થિતિ તેની આંખથી ઓજ રાખવા મથીએ છીએ અને ખોટી મોટાઈનું પ્રદર્શન કરીએ છીએ.

આપણી મૂળ વાત હતી છુટ્ટીની! છુટ્ટીની મોજ કોઈ પર્વતની તળેટી કે શિખર પર નથી. કોઈ દરિયાકિનારે નથી, કોઈ સુંદર વનની ઝાડીઓમાં નથી કે કોઈ હવા ખાવાના સ્થળે નથી, અશોક હોટલમાં પણ નથી. તે આપણાં પોતાના મનમાં પડી છે. તેનો આધાર આપણી મનોસ્થિતિ અને જીવનદૃષ્ટિ ઉપર છે. માણસ ધારે તો પોતાના ઘરના આંગણામાં કે અગાસીમાં કે એમ ના હોય તો ગામની બહાર જઈને ખુલ્લી ધરતી અને ખુલ્લા આકાશની શોભા લૂંટી શકે છે. રજા માટે, મોજ માટે માણસે બહુ દૂર દૂર નાસી છૂટવાની કશી જરૃર નથી. દુનિયા જોવા જેવી છે. આપણા નગરની બહાર પણ ઘણું જોવા જેવું છે. જોવા જઈ શકાય તેવું હોય તો જરૃર જઈએ, પણ માણસ દુનિયા જોઈ શકતો નથી. મુંબઈ કે કોલકાતાના નિવાસીઓએ આ મહાનગરો પણ પૂરાં જોયાં નહીં હોય. ગામડાંઓ અને શહેરો ઘણાંય જોવાં જેવાં હોય છે. માણસ બધે સ્થળે પહોંચી શકતો નથી, એટલે ધનિક માનવીએ કે નિર્ધન માનવીએ ક્યાંક તો મન વાળવું જ પડે છે. છેવટે રજા, છુટ્ટી કે મોજ માણવાની વાતમાં તો મન આવે જ છે. તેને માત્ર ભૂગોળ સાથે સંબંધ નથી. તમે અમીરજાદાની શાનથી ડાલ સરોવરને કાંઠે રૂઆબભેર ફરશો તો ત્યાંય કોઈ ભિક્ષુક, પ્રકૃતિની સૌંદર્ય શોભા સામે આંખ મીંચીને, પોતાનું ભિક્ષાપાત્ર લઈને બેઠો જ હશે. તમે બન્ને એક જ સ્થળે છો. એકને માટે તે જીવનની મોજશોખનો અમૂલ્ય અવસર છે, જ્યારે બીજાને માટે તે રોજિંદી પેટ ભરવાની પ્રવૃત્તિ સિવાય બીજું કશું નથી, જીવનની અને મનની સ્થિતિનો ફેર છે. જીવનની અને મનની ગતિ બદલો, પછી ખુદ રજા જ તમારી પાસે આવશે. તમારે તેને શોધવા ક્યાંય જવું નહિં પડે.

—————————.

You might also like