ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકરનું નિધન

અમદાવાદ: પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ૮૦ વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ ગઇકાલે નિધન થયું છે. આજે સવારે સાડા દસ વાગ્યે વી. એસ. સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. લાભશંકર ઠાકર કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વતની હતા, તેમનો જન્મ ૧૪મી જાન્યુઆરી, ૧૯૩૫ના રોજ રોડલા ગામે થયો હતો. લાભશંકર જાદવજી ઠાકર ઉપનામ પુનર્વસુ ગુજરાત રાજ્યના જાણીતા સાહિત્યકાર હતા.

લાભશંકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા. લાભશંકરે ૧૯૬૨ કુમારચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૮૧ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કવિ, નાટ્યકાર અને સાહિત્ય સર્જન ક્ષેત્રની આગવી પ્રતિભા લાભશંકર ઠાકરના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આનંદીબહેને સ્વ. ઠાકરના અવસાનથી ગુજરાતી સાહિત્ય કાવ્ય- નાટ્ય જગતને મોટી ખોટ પડી છે, તેમ શોકસંદેશમાં જણાવતાં તેમના આત્માની પરમશાંતિ માટે પ્રભુ પ્રાર્થના પણ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ લાભશંકર ઠાકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

You might also like