એલ.જી. હોસ્પિટલના અોર્થોપેડિક સર્જનનો ઇન્જેક્શન લઈ અાપઘાત

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન ડૉ. મેહુલ વારડેએ ગઇ કાલે સાંજે પોતાના ઘરે ઇન્જેકશન મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે તેમનાં માતા પિતાને જાણ થતાં તેઓ અમદાવાદ દોડી અાવ્યાં હતાં. ડોકટરે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આનંદનગર પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ ડીસાના અને હાલ સેટેલાઇટ વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલ પાછળ આવેલા ઇશાન-ર ફલેટમાં મેહુલ રમેશભાઇ વારડે (ઉ.વ.૩૧) રહેતા હતા. મેહુલએ મણિનગરની એલ.જી. હોસ્પિટલથી ઓર્થોપેડિક (એમ.એસ.)નો અભ્યાસ કર્યો હતો અને હાલમાં એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મેહુલના પિતા રમેશભાઇ અને માતા ડીસા રહે છે અને બંને ગાયનેક સર્જન છે.

ડોકટર મેહુલના થોડા સમય પહેલાં જ છૂટાછેડા થયા હતા અને હાલમાં તેેઓ અમદાવાદ એકલા રહેતા હતા. ગઇ કાલે બપોરના સમયે રમેશભાઇએ મેહુલને ફોન કર્યો હતો. પરંતુ મેહુલએ ફોન ઉપાડ્યો ન હતો. બે-ત્રણ વાર ફોન કરવા છતાં ફોન રિસિવ ન કરતાં મેહુલના મિત્ર નેહા જોષીને ફોન કરી તેઓએ તપાસ કરવા કહ્યું હતું. નેહાએ મેહુલના ઘરે તપાસ કરતાં બેડરૂમમાં મેહુલ મૃત હાલતમાં જણાઇ આવ્યા હતા. તેમના મોઢામાંથી ફીણ નીકળતું હતું અને બાજુમાં છ જેટલા ઇન્જેકશન પડ્યાં હતાં.

ડોકટરને તાત્કાલીક શેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. ઘટના અંગે તેમનાં માતા પિતાને જાણ કરાતાં તેઓ તાત્કાલીક અમદાવાદ દોડી આવ્યા હતા. આનંદનગર પોલીસને જાણ કરાતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર ડોકટરે અગમ્ય કારણસર બપોરના સમયે પોતાના ઘરે ઇન્જેકશન મારી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનાં કારણ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માતે મોત નોંધી તેમનાં માતા-પિતાના અને મિત્રનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સૂત્રોનાં જણાવ્યાનુસાર ડો.મેહુલ છૂટાછેડા બાદ તેઓ અન્ય યુવતી સાથે ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી પણ જોડાવાના હતા. જોકે હાલમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ડોકટર મેહુલના આત્મહત્યાનાં કારણ અંગે અનેક રહસ્યો ઘૂંટાઇ રહ્યાં છે.

આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.ડી. ડાંગરવાલા સાથે સમભાવ મેટ્રોના પ્રતિનિધિ‌ દ્વારા વાતચીત કરતા તેઓ આ બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. તેમજ કઇ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા કે કેમ તે અંગે પૂછતાં તેઓએ ફોન કાપી નાખ્યો હતો.

દરમ્યાન ડૉકટર મેહુલ વારડેની આત્મહત્યાથી એલ.જી. હોસ્પિટલના તબીબી વર્તુળોમાં પણ આઘાત સાથે આશ્ચર્યની લાગણી પ્રસરી ગઇ છે. એલ.જી. હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ તાવિયાડ કહે છે કે, “ડૉ. મેહુલ અમારી હોસ્પિટલના ઓર્થોપેડિક રેસિડન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા હતા, તેઓ સારી ચાલચલગતના હતા.”
http://sambhaavnews.com/

You might also like