કચ્છી માડુનું બુલેટ પર ભારતભ્રમણ

મૂળ કચ્છના માંડવી તાલુકાના પણ જન્મ્યા ત્યારથી મુંબઇમાં રહેતા યુવાન ધ્રુવ ધોળકિયાએ દેશની સંસ્કૃતિ જાણવા બાઇક પર ભારતભ્રમણ કર્યું છે. ૩૫ વર્ષીય આ યુવાને દેશનાં ૨૯ રાજ્યોનો ૨૭ હજાર કિમી.થી વધુનો પ્રવાસ કર્યો છે.

એેમ.બી.એ. ભણેલો અને દેશવિદેશની બેંકોમાં સારા હોદ્દા પર નોકરી કરી ચૂકેલો આ યુવાન કહે છે, “મને પહેલેથી જ પ્રવાસનો શોખ. હું વિદેશોમાં ખૂબ ફર્યો છું પરંતુ મારા પોતાના દેશથી હું પૂરતો વાકેફ ન હતો. મને જાણે હું મારાં પોતાનાં મૂળિયાંથી જ તદ્દન અજાણ હોઉં તેવું લાગતું હતું. આથી જ દેશની સંસ્કૃતિને સારી રીતે સમજવા બુલેટ પર ભારત ભ્રમણનો નિશ્ચય કર્યો. શરૂઆતમાં માતાપિતાએ વિરોધ કર્યો પરંતુ મેં મનાવી લીધાં પછી તેમણે મને પ્રોત્સાહિત કર્યો. ૧૫ માસ પહેલાં મુંબઇથી શરૂ કરેલો પ્રવાસ મારા વડવાઓના વતન કચ્છના કોટેશ્વરમાં પૂર્ણ કર્યો છે.”

ભ્રમણ દરમિયાન તેણે છત્તીસગઢના નક્સલીઓ, મણીપુરના ટેરરિસ્ટો, કાશ્મીરના પથ્થરબાજો તો આઝમગઢના દાઉદના સગાંઓ, દેશના નેતાઓ, મહાનુભાવોથી માંડીને સામાન્ય માણસોને નજીકથી જોયા. બનારસમાં તેણે છ અઠવાડિયાં ગાળ્યાં તો હિમાલયના સાંનિધ્યમાં છ મહિના પસાર કર્યા. યોગને મહત્ત્વ આપતાં તે જણાવે છે કે ભારતભ્રમણ વખતે યોગ ઉપયોગી સાબિત થયા ને તેની મદદથી જ તે આટલું મોટરસાયકલિંગ કરી શક્યો હોવાનું કહે છે. દેશની સંસ્કૃતિ અને યોગનું જ્ઞાન વિશ્વને આપીને ભારતને ફરી વિશ્વફલક પર લાવવાની તેની ઇચ્છા છે. તે માટે તે અમેરિકાનો પ્રવાસ કરવા પણ ઇચ્છે છે.
http://sambhaavnews.com/

You might also like