કચ્છના વિદ્યાર્થીઓ શીખે છે ‘નિશ્ચિત વિજય’ના પાઠ

જીવનમાં યશસ્વી થવાના પાઠ વિદ્યાર્થીઓને શાળામાંથી શીખવા મળે છે. કચ્છની સરકારી શાળાના વિદ્યાર્થીઓને તો જીવનમાં વિજય મેળવવાની સાથે સ્વરક્ષણના પાઠ અને આરોગ્યની ચાવીઓ પણ શીખવા મળી રહી છે, ચોય ક્વાંગ દો માર્શલ આર્ટના માધ્યમથી. સરકારે ધો. ૯ની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણના પાઠ શીખવવા ગ્રાંટ ફાળવી હતી. તે મુજબ વર્ષના અમુક દિવસ આ વિદ્યાર્થિનીઓ માર્શલ આર્ટ શીખી શકતી હતી, પરંતુ કચ્છના જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્યએ આવા પાઠ માત્ર ધો. ૯ની વિદ્યાર્થિનીઓના બદલે માધ્યમિક શાળાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ આખું વર્ષ શીખી શકે તે માટે યોજના વિચારી અને તે મુજબ આજે કચ્છના લખપતથી રાપર સુધીની અંદાજે ૮૧ સરકારી શાળાના ૨૧ હજાર વિદ્યાર્થીઓ માર્શલ આર્ટ શીખી રહ્યા છે.

શાળાઓમાં આ આર્ટ શિખવતા ૫ ડિગ્રી બ્લેક બેલ્ટ ધરાવતા ધનેશ છેડાના જણાવ્યા મુજબ, “આજે દરેકને સ્વરક્ષણ કરતાં આવડે તે જરૂરી છે. ચોય ક્વાંગ દો માર્શલ આર્ટ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકસાવેલી કોરિયન કલા છે. જે શિખવાથી વિદ્યાર્થીઓ જરૂરતના સમયે વગર હથિયારે પોતાનું રક્ષણ કરતાં તો શીખે જ છે સાથે આ આર્ટની રોજિંદી પ્રેક્ટિસથી તેમની આરોગ્ય સંબંધી અનેક ફરિયાદો દૂર થઇ શકે છે.”
http://sambhaavnews.com/

You might also like