પાંજરાપોળમાં ઝેરી ચારો ખાવાથી ૬૫ ગાયોનાં મોત થતાં અરેરાટી

અમદાવાદ: કચ્છના રાપરથી સાત કિલોમીટર અાવેલી એક પાંજરાપોળમાં ઝેરી ચારો ખાવાના કારણે ૬૫ ગાયોનાં મોત થતાં અા ઘટનાએ અરેરાટી જન્માવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે રાપરથી સાત કિલોમીટર અાવેલ જીવદયા મંડળ નામની પાંજરાપોળમાં ઝેરી ચારો ખાવાથી ૮૦ ગાયો અને વાછરડાઓ બેભાન થઈ ગયા હતા. ટ્રસ્ટીઓએ તાત્કાલીક પહોંચી જઈ ઈલાજ શરૂ કરાવ્યો હતો પરંતુ માત્ર ૩૦ ગાયોને જ બચાવી શકાઈ હતી. જ્યારે ૬૫ ગાયો અને વાછરડાના મોત થયાં હતાં.

ગાયોના પોસ્ટમોર્ટમ કરવામાં અાવતા લીલા બાજરાનો ચારો ખાધા બાદ સાઈનાઈડ ઝેરના કારણે પાણી પીધા બાદ અા પશુઓના મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જીવદયા મંડળ રાપરમાં ત્રણ પશુપાલન ગૃહ ચલાવે છે. અા સંસ્થામાં કુલ ૮ હજાર જેટલા પશુઓની દેખરેખ રાખવામાં અાવી રહી છે. કચ્છમાં પડેલા સતત વરસાદના કારણે ગાયોના મોત થયા હોવાની શરૂઅાતમાં ચર્ચા હતી પરંતુ ડોક્ટરોએ ગાયોના મોત વરસાદના કારણે ન થયા હોવાનો રિપોર્ટ અાપ્યો હતો. તેથી લીલો ચારો ખાધા બાદ જ ઝેરની અસરના કારણે અા ગાયોના મોત થયાં હોવાનું તારણ કાઢવામાં અાવ્યું છે. અા ચારો ક્યાંથી લાવવામાં અાવ્યો હતો તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં અાવી છે.

http://sambhaavnews.com/

You might also like