કચ્છનો ટિમ્બર ઉદ્યોગ મુશ્કેલ સ્થિતિમાં

728_90

કંડલા-ગાંધીધામમાં ધમધમતી ટિમ્બર ઈન્ડસ્ટ્રીઝ એશિયાની સૌથી મોટી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ છે. આધુનિક જમાનાની માગ પ્રમાણે અને આયાતી લાકડાં આધારિત આ ઇન્ડસ્ટ્રીને વધુ વિકસિત કરવા રિએક્સપોર્ટ ઇકોનોમી વિકસાવવાની આવશ્યકતા છે. જે માટે આયાતી લાકડાંમાંથી કંડલા બંદર આસપાસના વિસ્તારમાં જ ફર્નિચર બને અને ત્યાંથી જ તેની વિદેશમાં નિકાસ થાય તો દેશને ખૂબ મોટા પાયે વિદેશી હૂંડિયામણ મળે, અનેક ઉદ્યોગોને નવજીવન મળે અને વિપુલ પ્રમાણમાં રોજગારીનું નિર્માણ પણ થઇ શકે.

કંડલા વિસ્તારમાં ૬૫ જેટલી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રીઝ અને ૨૦૦૦ જેટલી સૉ મિલો હજારો કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે, પરંતુ વેટનું ભારણ, વૈશ્વિક મંદી, ડૉલરના વધતા ભાવના કારણે આ ઉદ્યોગ હાલમાં મંદીમાં સપડાયો છે. તેમ જ ફર્નિચર ઝોન માટે જમીન કે જંગલખાતાનું ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) સહેલાઇથી મળતું ન હોવાથી નજીકના ભવિષ્યમાં આવી સવલતો આપનારા અન્ય રાજ્યમાં આ ઉદ્યોગ ખસી જાય તેવી ભીતી સેવાઈ રહી છે.

વર્ષે ૪૦ લાખ ઘનમીટર લાકડાની આયાત
૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે જ્યારે ટિમ્બર ઉદ્યોગના લાઇસન્સ પર પ્રતિબંધ લાદ્યો ત્યારપછી વિદેશથી લાકડું મગાવવાનું શરૂ થયું. ત્યાં સુધી ભારતનાં અન્ય રાજ્યો આસામ, ઓડિશા, મધ્યપ્રદેશમાંથી લાકડું આવતું હતું. ત્યારે ગાંધીધામના બદલે અંજારની ટિમ્બર માર્કેટની જાહોજલાલી હતી, પરંતુ ૨૦૦૬માં સરકારે સ્પેશિયલ ઇમ્પોર્ટેડ ટિમ્બર કન્વર્ઝન ઝોન, કંડલાને મંજૂરી આપી અને ત્યાર પછી ગાંધીધામ, અંજાર, ભચાઉ અને મુન્દ્રામાં લાકડાંની ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો. કચ્છમાં એક લાખ લોકોને રોજગારી પૂરી પાડનારો આ ઉદ્યોગ સરેરાશ વર્ષે અંદાજે ૪૦ લાખ ઘન મીટર લાકડું વિદેશથી મગાવે છે, પરંતુ આ વર્ષે આયાત પર માઠી અસર પડી છે. આયાતમાં લગભગ ૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૦ ટકાનો વધારો થાય છે પણ હાલમાં વધારાના બદલે ઘટાડો થતાં કુલ ૨૧ ટકાનો ઘટાડો આ વર્ષે થયો છે.

આમ, અંદાજે ૬ હજાર કરોડના આ ઉદ્યોગને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૯ લાખ ઘનમીટર લાકડું આયાત થયું હતું. આ વર્ષે આ આંકડો ઘટીને ૩૫ લાખ ઘન મીટરે પહોંચ્યો છે. ૨૦૦૮થી ૧૩નાં વર્ષો આ ઉદ્યોગ માટે સૌથી સારાં રહ્યાં હતાં. આજે તેના ટર્નઓવરમાં પણ ૫૦૦ કરોડનો ઘટાડો થયો છે.

ગુજરાતનો વેટ ત્રણ ગણો વધારે છે
ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યોમાં આયાતી લાકડાં પરનો વેટ પાંચ ટકા છે. જ્યારે ગુજરાતમાં ૧૫ ટકા છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની સરખામણીએ ગુજરાતનો વેટ ત્રણ ગણો વધારે છે. સરકારે સેલ્સટેક્સના બદલે વેટને અમલમાં મૂક્યો ત્યારે દેશભરમાં સરખો વેટ રાખવાનું વચન આપ્યું હોવા છતાં આજે ગુજરાતના ઉદ્યોગપતિઓને વધુ વેટ ચૂકવવો પડે છે.

વેટના ઊંચા દરના કારણે રોકાણકારો આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉત્પાદન કરીને ચીન જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય હરીફાઇ કરવા માટે મૉડર્ન મશીનરી, સાધનો વસાવવાં ઇચ્છુક રહેતા નથી. હાલમાં સરકારને વેટની સેંકડો ને કરોડ રૂપિયાની આવક છે. વેટ ઘટતા આ આવક ઘટશે નહીં પણ ઉદ્યોગો વધશે અને તેના કારણે રાજ્યની આવક પણ વધશે. આ ઉપરાંત ૨૫થી ૩૦ હજાર વધારાના લોકોને રોજગારી મળશે. હાલમાં આ ઉદ્યોગ થકી એક લાખ લોકોને ડાયરેક્ટ રોજગારી તો મળે જ છે. તેમજ આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રનો પણ ખૂબ વિકાસ થયો છે. તેના કારણે બીજા હજારો લોકોને આડકતરી રોજગારી મળે છે.

કંડલા ટિમ્બર એસોસિયેશનના પ્રમુખ ટીનુભાઇ ગાંધી કહે છે, “રૂપિયાની કિંમત ઘટતા ઉદ્યાગોનો ખર્ચ વધે છે તેથી આયાતકારોને આર્થિક માર પડે છે. ૨૦૦૮થી ૧૩ સુધીનો ગાળો આ ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો ગાળો હતો. તે સમયે અહીં વધુમાં વધુ લાકડું આયાત થતું હતું પણ વેટના અને વૈશ્વિક મંદીના મારના કારણે તેનો વિકાસ રૃંધાયો છે. આ વર્ષે આયાત ૨૧ ટકા જેટલી ઘટી છે. ”

અહીં મલેશિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકન, લેટિન અમેરિકન અને કેનેડા સહિતના દેશોમાંથી ટિકવૂડ, મોહગની, સાગ,એશવૂડ, મેપલવૂડ જેવું ઇમારતી અને જંગલી લાકડું આવે છે. આ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે કે દુનિયાભરના વેપારીઓ અહીં આવે છે. અહીં આવેલું આયાતી લાકડું બેન્સામાં સાઇઝ મુજબ વહેરાઇને દિલ્હી, પંજાબ, ગોવા, મહારાષ્ટ્ર સહિતનાં દેશભરનાં રાજ્યોમાં પહોંચાડાય છે.

ટિમ્બર ઉદ્યોગની મુશ્કેલી અંગે વાત કરતાં ટીનુભાઈ કહે છે, “વેટ ઘટાડવાની અમારી લાંબા સમયની માગણી છે. દેશનાં અન્ય રાજ્યોમાં ૫ ટકા જ વેટ છે જ્યારે અહીં ૧૫ ટકા. વેટ ઘટાડવા અંગે સરકારનું વલણ નકારાત્મક છે. તેની અસર ઇન્ડસ્ટ્રી પર પડે છે. આ ઉપરાંત જો આ ઉદ્યોગનો વિકાસ કરવો હોય તો કંડલા પોર્ટની આજુબાજુ ફર્નિચર પાર્ક માટે સરકારે જમીન વાજબી ભાવે આપવી જોઇએ.

ટિમ્બર ઉદ્યોગ અહીં વિકસ્યા પછી જમીનના ભાવ આભને આંબ્યા છે. તેનો ફાયદો સ્થાનિક લોકોને જરૂર થયો છે, પરંતુ ફર્નિચર પાર્ક બનાવવા ઘણી વધુ જમીન જોઇએ. સરકાર આ માટે વાજબી ભાવે જમીન આપે તે જરૂરી છે. ઉપરાંત જંગલ ખાતાની વિવિધ પરવાનગીઓ, એન.ઓ.સી. મેળવવામાં તકલીફ ન પડે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવી જોઇએ. તેમ જ ‘એગ્રો ફોરેસ્ટરી’ને પરવાનગી આપવી જોઇએ. જેથી ઉદ્યોગપતિઓ પોતે જ વૃક્ષોનું વાવેતર કરે ને તે પોતે જ કાપી શકે. તો પણ આ ઉદ્યોગને આગળ વધવા મદદ મળી શકે.”

ફર્નિચર પાર્ક માટે તેઓ કહે છે, “આપણે લાકડું આયાત કરીએ છીએ. જો ફર્નિચર પાર્ક બને તો રિએક્સપોર્ટ ઇકોનોમી વિકસી શકે. આયાતી લાકડાંમાંથી ફર્નિચર બનાવીને તેની નિકાસ થાય તો આ ઉદ્યોગનું આર્થિક કદ ખૂબ જ મોટું થાય અને સાથેસાથે ખૂબ વધુ રોજગારીનું નિર્માણ પણ થઇ શકે. ચીન જેવા દેશમાં આવા પાર્ક માટે નિઃશુલ્ક જમીન મળે છે, તેથી જ ત્યાંથી મોટાપાયે ફર્નિચરની નિકાસ થાય છે.

હાલમાં આપણા દેશમાં ચીનનું ફર્નિચર આવે છે તેના બદલે અહીંના ફર્નિચર પાર્કમાં બનતું ફર્નિચર મેઇક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવાં સૂત્રોને સાર્થક કરી શકે છે. તેલંગણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશના આવા ફર્નિચર પાર્ક છે. ત્યાંની સરકાર કચ્છના ટિમ્બરના ઉદ્યોગપતિઓને બોલાવે છે ને તમામ સવલત આપવાની ખાતરી આપે છે. વિશાખાપટ્ટનમના ફર્નિચર પાર્કની દરખાસ્તમાં ઘણા ઉદ્યોગપતિઓએ રસ બતાવ્યો છે, જમીન માટે માગણી પણ કરી છે.”

થોડા સમય પહેલાં કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી કંડલા આવ્યા ત્યારે તેમણે ફર્નિચર ક્લસ્ટર વિકસાવવાની વાત કરી હતી. તેના પગલે સ્વિડનની એક કંપનીએ કંડલા પોર્ટ ટ્રસ્ટ પાસે ૪૫૦ એકર જમીનની માગણી કરી છે. આ બાબતને એક હકારાત્મક ગણતા ટિમ્બર એસોસિયેશનના પ્રમુખ કહે છે, “નવી, મોટી કંપનીઓ આવે તે વાત તો સારી છે. તેનાથી ફાયદો થઇ શકે તેમ છે, પરંતુ જો પાયાની સમસ્યા હલ નહીં થાય તો આ ઉદ્યોગનો વિકાસ થવો અઘરો છે.”

આમ, હાલ મંદીનો માર ઝીલતા ટિમ્બર ઉદ્યોગને ફરી ઝડપથી વિકાસના પંથે દોડતો કરવા માટે ફર્નિચર પાર્ક, વેટમાં રાહત, જંગલખાતાની એન.ઓ.સી., વાજબી ભાવે જમીન વગેરે સવલતો પૂરી પાડવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. મંદીનો માર ભોગવી રહેલો આ ઉદ્યોગ સુવિધાઓના અભાવે કચ્છનો ખૂબ મોટો ઉદ્યોગ અન્ય રાજ્યો ભણી વળી જાય તો નવાઇ નહીં.

અંજારની લાકડાં બજારનાં વળતાં પાણી
જ્યારે ભારતનાં અન્ય રાજ્યોમાંથી લાકડું કચ્છમાં આવતું અને તે બેન્સામાં વહેરાઇને અન્યત્ર પહોંચતું ત્યારે અંજારની લાકડાં બજારના સુવર્ણ દિવસો હતા. પણ પછી દેશના લાકડાં પર પ્રતિબંધ મુકાયો અને આખી ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ આયાતી લાકડાં આધારિત થઇ ગઇ. તેના કારણે અંજારની વર્ષોજૂની બજાર ગાંધીધામ અને કંડલા બાજુ ખસી ગઇ અને અંજારની બજારનાં વળતાં પાણી થયાં.

હજુ પણ ૨૫-૩૦ કે થોડી વધુ પેઢીઓ ટિમ્બરના વ્યવસાયમાં છે પણ અત્યારે ૨૫ ટકા પણ વેપાર રહ્યો નથી. તેમાં પણ વૈશ્વિક મંદીની અસર આ વ્યવસાયને થઇ છે, તેથી વધુ મુશ્કેલી પડે છે. ગાંધીધામની માર્કેટના ઉજળા દિવસો ચાલી રહ્યા છે. આખો ઉદ્યોગ હવે આયાત પર આધારિત બન્યો છે. તેના કારણે અંજારની માર્કેટના ઉજળા દિવસો પાછા આવે તેવા કોઇ સંજોગો દેખાતા ન હોવાની વાત અંજાર ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઇ સંઘવી કહે છે.

સુચિતા બોઘાણી કનર

You might also like
728_90