કચ્છની ધરતી દાણચોરો માટે સ્વર્ગસમાન

દાણચોરી એટલે રણમાં ઊંટ પર આવતા, મોઢે બુકાની બાંધેલા ગુંડા કે ડાકુ જેવા લોકો દ્વારા લવાતાં સોનાનાં બિસ્કિટો કે ઢગલાબંધ વિદેશી બનાવટની ઘડિયાળ, એવું ચિત્ર સામાન્ય લોકોનાં મનમાં અંકિત હોય છે, પરંતુ આજે દાણચોરી તો શિક્ષિત અને ઉજળા દેખાતા લોકોનો ‘વ્યવસાય’ થઇ ગયો છે. કચ્છ પહેલેથી દાણચોરોનું માનીતું સ્થાન રહ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો જિલ્લો, પાડોશી શત્રુ દેશને અડીને આવેલી દરિયાઇ અને રણની સરહદ, દાણચોરી રોકનારાં તંત્રો કસ્ટમ, ડી.આર.આઇ. કે પોલીસનો સંખ્યાબળમાં ઓછો પણ ભ્રષ્ટ સ્ટાફ જેવાં અનેક કારણસર આજે કચ્છ દાણચોરો માટે સ્વર્ગસમાન જ છે. પહેલાં અહીંથી સોનું, નશીલા પદાર્થો અને શસ્ત્રોની દાણચોરી મોટાપાયે થતી, પરંતુ આજે આ વસ્તુઓ ઉપરાંત ડ્યૂટીમાં લાભ થાય તેવી તમામ વસ્તુઓ દાણચોરીથી આવે છે કે દેશ બહાર જાય છે. કપડાં, સિગારેટ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ટાઇલ્સ કે રક્તચંદનનાં લાકડાં જેવી વસ્તુઓની ધૂમ દાણચોરી થાય છે.

સ્વતંત્રતા પહેલાંના પશ્ચિમ ભારતના કરાંચી બંદરની ખોટ પૂરી કરવા કંડલા બંદરને વિકસાવાયું. આ બંદરના વિકાસની સાથે દાણચોરી જેવા દૂષણનો જન્મ થયો અને વર્ષો પછી જ્યારે મુન્દ્રા પોર્ટનો અદાણીએ વિકાસ કર્યો ત્યારે પણ આ દૂષણે માથું ઊંચક્યું છે પણ જ્યાં વાડ જ ચીભડાં ગળે ત્યાં તે અટકાવી કેવી રીતે શકાય?

સરહદી વિસ્તારનો લાભ
કચ્છ સરહદી વિસ્તાર છે. અહીં રાપર તાલુકાના બેલાથી અબડાસા-લખપત સુધીની ૩૧૮ કિમી.ની ભૂમિ સરહદ છે જેનો મોટો ભાગ રણમાં છે અને કંડલાથી જખૌ સુધી ૨૩૮ કિમી.ની દરિયાઇ સરહદ છે. જમીન અને દરિયાઇ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાન સાથે આ વિસ્તારના લોકોનો નજીકનો સંબંધ છે. અહીં કંડલા અને મુન્દ્રા બે ધીકતાં મહાબંદરો છે. આ સ્થિતિ દાણચોરો માટે સાનુકૂળ છે. બંદરો પર કસ્ટમના અધિકારીઓ સાથેની મિલીભગતથી દાણચોરી કરવી સહેલી બનતી હોવા છતાં સમયાંતરે અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. જેમાં કરોડોની દાણચોરીના આંકડા આ દૂષણ કેટલું મોટું છે તેનો સહેજ ખ્યાલ આપે છે.

અહીં વિદેશી હૂંડિયામણ માટે મોટા પાયે છેતરપિંડી થાય છે. ડ્રો બેક સ્કીમનો ખોટો ફાયદો ઉઠાવવા પણ અનેક વખત માલની ખોટી જાહેરાત કરી મિસડિક્લેરેશન કરાય છે. અમુક વખત ટ્રાન્સફર ઓફ રેસિડેન્ટ સ્કીમનો લાભ લઇને નવી ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ ડ્યૂટી ભર્યા વગર ઘુસાડાય છે. આ સ્કીમ હેઠળ વિદેશમાં વસવાટ કરનારી વ્યક્તિ સ્વદેશ પાછી ફરે ત્યારે તે ત્યાં વસાવેલો અમુક સામાન લઇ આવી શકે છે.

આ બંદરો પરથી સિગારેટ, કેમિકલ્સ, સોનું, રમકડાં, ખાદ્ય વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ગેરકાયદેસર રીતે વિદેશથી આવે છે તો ખાતર, લાલ ચંદન, ફ્લોર-વૉલ ટાઇલ્સ, નશીલા પદાર્થો જેવી વસ્તુઓની ગેરકાયદે નિકાસ થાય છે. પાકિસ્તાન, યુરોપના અનેક દેશો સહિત વિશ્વભરના દેશોમાંથી કચ્છના સાગરકાંઠે ગેરકાયદે માલ આવે છે અને અહીંથી જાય પણ છે.

આયાત-નિકાસના નામે ગોટાળો
કંડલા અને મુન્દ્રા બંદરો આયાત અને નિકાસ ક્ષેત્રે દેશભરનાં અન્ય બંદરો કરતાં આગળ ધપી રહ્યાં છે ત્યારે વિદેશી જહાજોનું આવાગમન મોટા પાયે થાય છે. કાયદેસરના માલસામાનની સાથેસાથે અહીં ગેરકાયદેસર રીતે આવતા માલનું પ્રમાણ પણ વધ્યું છે. કંડલા કસ્ટમના સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ સુધીનાં પાંચ વર્ષમાં દાણચોરી, મિસડિક્લેરેશનના ૨૩૨ કેસ ચોપડે નોંધાયા છે. જેની ડ્યૂટીની કુલ કિંમત ૩૦૩૧૯ લાખ જેટલી થવા જાય છે. જ્યારે ૧૫ ઓક્ટોબર,૨૦૧૪થી શરૂ થયેલા મુન્દ્રા કસ્ટમમાં નવેમ્બર ૨૦૧૫ એટલે કે ૧૧ મહિનામાં જ ૩૧ કેસ નોંધાયા છે. જેની ડ્યૂટીની કિંમત ૧૯૪૬.૯૨ લાખ થવા જાય છે. જો સત્તાવાર આંકડો આટલો મોટો હોય તો કસ્ટમની નજરમાંથી કે તેની મીઠી નજરના કારણે સાંગોપાંગ બહાર નીકળેલા માલનો જથ્થો અને તેની ડ્યૂટી કેટલા લાખની હશે તેની કલ્પના કરવી પણ અઘરી છે.

અહીં વિદેશથી મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો આવે છે. જેની ચકાસણી સરકારમાન્ય સંસ્થા ફસાઇ(એફ.એસ.એસ.એ.આઇ.)નથી કરતી. તેથી જનઆરોગ્ય સાથે ગંભીર ચેડાં થાય છે. ચોકલેટ, પીપર, એનર્જી ડ્રિંક, ખજૂર, કેક, દાળ, તેલ, બેકરીની વસ્તુઓ અન્ય દેશોમાંથી આયાત થાય છે પરંતુ તેની ચકાસણી માટે યોગ્ય સંસ્થાના અભાવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર જ પ્રાથમિક હેલ્થ ઓફિસર તરીકે ચકાસણી કરીને તે બરાબર હોવાનું સર્ટિફિકેટ બનાવી દેતા હોય છે. ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલવાનાં હોય છે, પરંતુ તે મોકલ્યા વગર જ સર્ટિફિકેટ મળી જાય છે અને અનેક વખત ઊતરતી ગુણવત્તાવાળી વસ્તુઓ બજારમાં પહોંચી જાય છે.

આવી જ રીતે ડ્રો-બૅક સ્કીમનો લાભ લેવા માટે પણ અનેક વખત મિસડિક્લેરેશન કરાય છે. સરકાર અમુક વસ્તુઓની નિકાસ પર અગાઉ ભરાયેલી ડ્યૂટી પરત કરે છે. તેનો લાભ લેવા માટે જે વસ્તુઓને આ સ્કીમનો લાભ મળી શકે તેમ હોય તેની આડમાં બીજી જ વસ્તુઓ દેશબહાર મોકલાય છે. સરકાર જે ડ્યૂટી પરત કરે છે તે તમામ વ્હાઇટ મની હોવાથી અનેક લોકો આ સ્કીમનો લાભ લેવા લલચાય છે.

કરોડોનું કૌભાંડ
વિદેશમાંથી ખાતર મગાવવા પર સરકાર પ્રોત્સાહન આપે છે તેની ડ્યૂટી બાદ થાય છે. ખેડૂતોને સરકાર આ ખાતર પર સબસિડી આપે છે. કચ્છનાં બંદરો પર ઊતરેલું ખાતર ગુજરાતના અલગઅલગ વિસ્તારમાં મોકલવાનું હોય છે, પરંતુ આયાતકારો તેને ખેડૂતો સુધી પહોંચાડવાના બદલે મુન્દ્રા અને કંડલાની આસપાસનાં ગોડાઉનમાં રાખીને થોડા સમય પછી ફ્રી ફ્લો સૉલ્ટ કે અન્ય કોઇ નામે તેની નિકાસ કરે છે. ખાતર નિકાસ પર પ્રતિબંધ હોવાથી ખોટા નામે તેને બહાર મોકલાય છે. આવા કિસ્સાઓમાં કસ્ટમની મિલીભગતથી જ આયાતકારોને જરૂરી સર્ટિફિકેટ મળી જતાં હોવાનું પણ જાણકાર વર્તુળો કહે છે. વર્ષો પહેલાં આવા જ કિસ્સામાં ટોચના રાજકારણી બલરામ જાખડના નામે ૮ કરોડનું કૌભાંડ ચડ્યું હતું.

જો આયાતકાર- નિકાસકાર અને કસ્ટમ અધિકારીઓ વચ્ચેની કોઇ કડી તૂટે અને સત્તાવાર માહિતી મળે તો કરોડોનું ખાતર પકડાય છે. આવા જ એક કિસ્સામાં ડીસાની કોઇ પાર્ટીએ ડોલોમાઇટ(મઘમાટી) પાઉડરના નામે આયાત કરાયેલું ખાતર ફરી વિદેશ મોકલવાનો કારસો કર્યો હતો, પરંતુ શંકાના આધારે તપાસ થતાં આખું કન્સાઇનમેન્ટ પકડાયું હતું અને ૧૦ કરોડનો દંડ થયો હતો.

ક્યારેક કોઇ પાર્ટી ખોટા ડોક્યુમેન્ટના આધારે આયાત કરેલો માલ બહાર કાઢી જાય છે. થોડા સમય પહેલાં જ બેબી ડાયપર અને લેડીઝ સ્કાર્ફના નામે આયાત કરેલા પ્રતિબંધિત સિગારેટ, કોસ્મેટિક્સ ભરેલાં ૪ કન્ટેનરો મુન્દ્રા કસ્ટમે પકડ્યાં હતાં.જેમાં કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનને બિલ ઓફ એન્ટ્રી કે શિપિંગના બધા ડોક્યુમેન્ટ ખોટા બતાવીને કન્ટેનર બારોબાર કાઢી જવાયાં હતાં અને ડ્યૂટી ભરાઇ ન હતી. કસ્ટમને માહિતી મળતાં તપાસ હાથ ધરતાં મુંબઇના ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા.

જો કે આયાતકારનું નામ- સરનામું પણ ખોટું બતાવાયું હતું. માલની કિંમત ૬૦૦ લાખ હતી. મુન્દ્રાથી આખું કન્સાઇનમેન્ટ છેક સુરત પહોંચ્યા પછી કસ્ટમવિભાગ જાગ્યો હતો અને તે પરત લવાયું હતું. લાલ-રક્તચંદનની નિકાસ પર પ્રતિબંધ છે, પરંતુ અવારનવાર રક્તચંદન એક યા બીજા નામે વિદેશ મોકલવાની પેરવી ચાલતી જ રહે છે. ચીનમાં તેની ખૂબ ડિમાન્ડ છે, પરંતુ તે સીધું ચીન મોકલવાના બદલે વાયા દુબઇ કે અન્ય કોઇ જગ્યાએ મોકલીને ત્યાંથી ચીન રવાના કરાય છે.

અનેક વખત કસ્ટમ અધિકારીઓ આયાતકાર-નિકાસકારોએ બિલ ઓફ એન્ટ્રીમાં જે જાહેર કર્યું હોય તે જ માલનું શિપમેન્ટ થતું હોવાનું માની લે છે. જોકે તેમાં પણ તેમનો સ્વાર્થ હોવાનું જાણકારોમાં ચર્ચાય છે. તેઓ ચેક કર્યા વગર જ માલ જહાજમાં ચડવા કે ઊતરવા દેતા હોવાના કારણે અનેક વખત તેમાં ઘાલમેલ થાય છે. ખાસ બાતમી હોય તો જ ચેકિંગ થાય છે અને રેન્ડમ ચેકિંગ તો ભાગ્યે જ ક્યારેક થાય છે.

કેમ વધી દાણચોરી?
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કંડલા અને મુન્દ્રા બંદરે પહેલાં પણ દાણચોરી થતી હતી, પરંતુ મુન્દ્રા બંદર અદાણી હસ્તક આવ્યા પછી આ પ્રવૃત્તિ ઘણી વધી છે. જો કે કાગળ પર આ આંકડા મળતા નથી, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. મુન્દ્રા- અદાણી પોર્ટે લોડિંગ- અનલોડિંગ સહિતના અનેક વિક્રમો સ્થાપ્યા છે. અહીં કસ્ટમની આવક પણ અધધ… કહેવાય તેટલી છે છતાં દાણચોરીનું પ્રમાણ પણ ખૂબ વધુ છે. અમુક જાણકારો તો એટલે સુધી કહે છે કે, કસ્ટમ જ દાણચોરી કરાવે છે.

અહીં દાણચોરી વધુ થવાનું એક કારણ છે અહીં બલ્ક કાર્ગો ઉપરાંત કન્ટેનરમાં મોટાપાયે માલ આવે છે. કન્ટેનરમાં શું છે તે ખોલ્યા વગર ચકાસવું જરૂરી એવું સ્કેનર મુન્દ્રા બંદરે નથી. દરેક કન્ટેનર ખોલીને તમામ વસ્તુ ચેક કરવી એ મુશ્કેલ કામ છે. અહીં ક્યારેક રેન્ડમ ચેકિંગ કરાય છે. જ્યારે કંડલા બંદર પર મોટાભાગે બલ્ક કાર્ગો આવે છે. કન્ટેનરમાં આવતી વસ્તુઓનું ચેકિંગ કરવું હોય તો સ્કેનર અનિવાર્ય છે, પરંતુ અહીં તે લગાવાયું નથી. અમુક વખત કેન્દ્ર સરકારે પણ આ સુવિધા ઊભી કરવા સૂચના આપી છે તેમજ કસ્ટમ હાઉસ એસોસિયેશને પણ સમયાંતરે આ બાબતે ધ્યાન દોર્યું છે છતાં તે પ્રત્યે દુર્લક્ષ સેવાય છે.

સામાન્ય રીતે નિયમાનુસારની કાર્યવાહી થતી હોય ત્યારે માલ પોર્ટ પર આવે તે સમયે કસ્ટમ ઇન્સ્પેક્ટર ચેક કરે કે જેના કાગળ કર્યા છે તે જ માલ ભરાયેલો છેને? તેના એક્ઝામિનેશન રિપોર્ટ પછી સુપરિન્ટેન્ડન્ટ ઓર્ડર આપે, માલ જહાજમાં ભરાય ત્યારે શિપમેન્ટ વખતે ફરી પ્રીવેન્ટિવ ઇન્સ્પેક્ટર માલનું ચેકિંગ કરે અને નિયત માલ જ જો ભરાતો હોય તો કમ્પ્લિશન સર્ટિફિકેટ આપે.પરંતુ સરકાર એજન્સીઓ પાસે પૂરતો સ્ટાફ નથી એ એક હકીકત હોવાથી દરેક વસ્તુનું ચેકિંગ કરવું અઘરું બને છે. આથી અનેક વખત વિશ્વાસે વહાણ હંકારાય છે અને તેમાં તેમનો પોતાનો સ્વાર્થ પણ હોય છે.

જે આયાત-નિકાસકારો પાસે સ્ટાર એક્સપોર્ટ્સનું સર્ટિફિકેટ હોય તેઓ પોતાના માલને જ સીલ કરી શકે છે. આ માલનું પછી ચેકિંગ થતું નથી. જો સ્કેનર હોય તો સેલ્ફ સીલિંગથી નિકાસ થતાં માલની પણ ચકાસણી થઇ શકે અને ખોટો માલ જતો અટકે.

કસ્ટમની ભૂંડી ભૂમિકાના કારણે ગયા વરસે જ સામૂહિક બદલી કરાઇ હતી. મોટા ભાગનો સ્ટાફ નવો આવ્યો હોવા છતાં પરિસ્થિતિમાં કોઇ ફરક પડ્યો નથી. ક્યારેક કસ્ટમ કેસ કરે, તપાસ થાય અને આરોપી પકડાય તો પણ તેને બહુ સહેલાઇથી જામીન મળી જાય છે અને દાણચોર સમાજમાં ઉજળા મોઢે ફરે છે.

સ્કેનર લાગે તો દાણચોરી ઘટે
કસ્ટમ હાઉસ એજન્ટ એસોસિયેશનના મંત્રી મનોજ કોટક કહે છે, “આજે જ્યારે એરપોર્ટ, શાળા, કૉલેજ, દવાખાનાં, સરકારી ખાતાં, ખાનગી ઓફિસો કે બેંકોમાં પણ સીસીટીવી કેમેરાથી બાજનજર રખાય ત્યારે મુન્દ્રા કસ્ટમમાં આ આધુનિક સગવડ નથી. જો હાઈ ડેફિનેશન સીસીટીવી. કેમેરા લગાવાય તો ભ્રષ્ટાચાર થતો જરૂર રોકી શકાય. તેનાં ફૂટેજ નિયમિત રીતે ચેક કરી તેનું મોનિટરિંગ કરાય, યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય પૂરી પારદર્શકતા જળવાય તો દાણચોરીનું દૂષણ ૯૦ ટકા ઘટી જાય.

આ ઉપરાંત સ્કેનર મુકાય તો ગેરકાયદે માલની અવરજવર થઈ જ ન શકે તેથી ભ્રષ્ટાચાર અટકી જાય. કસ્ટમના અધિકારીઓ પાસે ૧૦૮ના સમન્સની સત્તા છે. આ સત્તા હોવાથી તેઓ ગમે તે વ્યક્તિને તપાસના નામે બોલાવી શકે છે અને આ સત્તા જ ભ્રષ્ટાચાર પોસવામાં કારણભૂત છે તેથી આવી સત્તા મર્યાદિત અધિકારીઓને અપાય તે જરૂરી છે.”

મુન્દ્રા પોર્ટનો વહીવટ અદાણી હસ્તક ગયા પછી બંદરનો વિકાસ થયો છે તે હકીકત છે. અહીં ૩ મોટી કન્ટેનર જેટી છે. ચોથી બની રહી છે. અનેક નાની જેટી પણ છે. વિકાસની દ્રષ્ટિએ જે સારું લાગે છે તે જ બાબત દાણચોરીમાં મદદરૂપ થાય છે. અહીંની નાની જેટીઓ પર શું ઊતરે છે કે અહીંથી શું જાય છે તેની ચકાસણી થાય છે કે કેમ તેવો પ્રશ્ન જાણકારો ઉઠાવે છે. રાતના સમયે પણ ડ્યૂટી ભર્યા વગર કન્ટેનર રવાના થતાં હોવાના દાખલા બન્યા છે.

૨૦૧૪માં ગાંધીધામ પાસેના તુણા બંદરેથી ૪૬ કિલોથી વધુ સોનુ દેશી જહાજમાંથી પકડાયું હતું. આ નાનકડા બંદરે દેશી નાનાં વહાણોની જ અવરજવર હોય છે, પરંતુ અહીં દાણચોરી પકડી શકાય તે માટે ચેકિંગ થઇ શકે તેવી કોઇ વ્યવસ્થા નથી. થોડાં વર્ષો પહેલાં આ જ બંદરેથી ઘેટાં-બકરાં લઇને જતાં વહાણમાંથી નશીલા દ્રવ્યનો મોટો જથ્થો પકડાયો હતો. નાર્કોટિક્સ એક્ટ હેઠળ ડાયઝાપામની નિકાસ પ્રતિબંધિત છે. પરંતુ ઘેટાં- બકરાંની સાથે ૨૦ હજાર ગોળી આ પ્રતિબંધિત દવાની હતી. આ અંગેનો કેસ ચાલી જતાં ૨ શખ્સોને સજા થઇ હતી. ડાયઝાપામની જેમ જ કોકેન, ચરસ જેવી નશીલા દ્રવ્યો પણ ગેરકાયદે દેશબહાર મોકલાય છે, પરંતુ તે જવલ્લે જ પકડાય છે.

૧૯૯૯માં કારગિલ યુદ્ધ ચાલતું હતું ત્યારે દેશનાં મહાબંદરો પર દરેક રીતે સઘન ચેકિંગ હતું. તે સમયે ઉત્તર કોરિયાથી આવેલું એક જહાજ કંડલાના દરિયામાં લાંગર્યું. આ જહાજમાં ઉ. કોરિયાના નાપો બંદરેથી ત્યાંની સરકારી ટેલિકોમ કંપનીનો સામાન ભરાયો હતો. કસ્ટમને બાતમી આપી કે તેમાં મિસાઇલના ભાગો ને તેની ટેક્નોલોજી છે, જે પાકિસ્તાન જાય છે. કંડલા કસ્ટમે ચેકિંગ કરતાં વાત સાચી જણાઈ હતી. ખાંડના જથ્થામાં છુપાવેલા ૪૦૦ કરોડના ભૂમિ મિસાઇલના ભાગ, નકશા અને હાઇટેક ટેક્નોલોજી મળી આવ્યા હતા. આ કેસમાં બે વ્યક્તિ પકડાઇ હતી, પરંતુ તે સમયના સંજોગો જોતાં કેન્દ્ર સરકારે કેસ ન ચલાવવાનો નિર્ણય લીધો હતો.

અમુક વખતે દાણચોરી પકડાય તો કસ્ટમના અધિકારીઓ કેસ નબળો કરી નાખવાના આક્ષેપો પણ થાય છે. જવાબદાર પેઢી કે આયાત-નિકાસકારનું લાઇસન્સ પણ રદ કરાતું નથી. તેમજ કેટલા કેસ પકડાયા કે કેટલી કિંમતનાં કન્ટેનર પકડાયાં તેની વિગત જાહેર કરાતી નથી. તેમજ પંચનામા વખતે મીડિયાને જાણ કરાતી નથી કે સત્તાવાર પ્રેસનોટ પણ બહાર પડાતી નથી. આવા અનેક આક્ષેપોથી કસ્ટમની કામગીરી શંકાના દાયરામાં આવી જાય છે.

દાણચોરી અંગે અમને ખબર ન હોય
અદાણી ગ્રૂપના કન્સલટન્ટ નિરંજન એન્જિનિયર કહે છે, “પોર્ટ પર કસ્ટમ ઉપરાંત પોલીસ, ડી.આર.આઇ., આઇ.બી. જેવા વિભાગો છે. અહીં માલ આવે તે અમારે ચડાવવાનો કે ઉતારવાનો હોય. કસ્ટમનાં પેપર ક્લીયર હોય તો અમે માલ જવા દઈએ છીએ. કસ્ટમની સૌથી વધુ ડ્યૂટી અહીંથી ભરાય છે. દાણચોરી અંગેની જવાબદારી કસ્ટમની હોય છે.”

અમારી સામે ખોટા આક્ષેપો કરાય છે
મુન્દ્રાના કસ્ટમ કમિશનરેટના પ્રિન્સિપાલ કમિશનર અને કંડલાના ઇન્ચાર્જ કમિશનર, પી.આર.વી રેડ્ડી કહે છે, “આક્ષેપ કરવાવાળા બધા સામે સામાન્ય આક્ષેપો કરે છે, પરંતુ અધિકારીના નામ સાથે ફરિયાદ કરતાં નથી. અમારી પાસે દાણચોરી અંગે પુરાવા હોય તો અમે કાર્યવાહી જરૂર કરીએ. અહીં સ્કેનર નથી તે હકીકત છે, પરંતુ ટૂંક સમયમાં કંડલાથી મોબાઇલ સ્કેનર આવી જશે જેથી દાણચોરીનું દૂષણ હળવું બની શકશે. અહીં છેલ્લાં દોઢ-બે વર્ષથી સોનું કે શસ્ત્રોની દાણચોરી પકડાઈ નથી. નશાકારક દ્રવ્યોની દાણચોરી પણ કચ્છમાં ઓછી થાય છે.”

દાણચોરી અને દેશદ્રોહને સીધો સંબંધઃ ધોળકિયા
કસ્ટમના વકીલ રહી ચૂકેલા રત્નાકરભાઈ ધોળકિયા કહે છે, “દાણચોરી અટકાવવા કસ્ટમ, ડી.આર.આઇ અને પોલીસતંત્રની સાથે લોકોમાં પણ જાગરૂકતા જરૂરી છે. કચ્છમાં દરિયાઈ માર્ગે અને રણ રસ્તે મોટાપાયે દાણચોરી થાય છે. ઊતરેલો માલ સંગ્રહવા, તેને દેશભરમાં લઈ જવા માટે દાણચોરોને સ્થાનિક લોકોની મદદની જરૂર પડે છે. સરહદી વિસ્તારની પ્રજા જાગૃત બને તો આવા અનેક કિસ્સા ખુલ્લા પાડને દાણચોરી અટકાવી શકાય.

દાણચોરી અને દેશદ્રોહને સીધો સંબંધ છે. કારણ દાણચોરીમાં લગાવાતાં અને તેમાંથી આવતાં નાણાં ખોટી પ્રવૃત્તિમાં જ વપરાય છે. શસ્ત્રો અને નશાકારક દ્રવ્યોની દાણચોરીમાં તો દેશવિરોધી તત્ત્વો જ સંડોવાયેલાં હોય છે. તેથી પ્રજાએ જાગૃત થવાની ખાસ જરૂર છે. વર્ષો પહેલાં માત્ર અસામાજિક તત્ત્વો જ દાણચોરી કરતાં હતાં પણ આજે દેખાવે ઉજળા પરંતુ અંદરથી અસામાજિક કામ કરતાં લોકો જ આમાં જોડાય છે. તંત્ર પૈસાથી ખરીદી શકાય છે તેવી લોકોમાં છાપ છે તેથી જ કચ્છ દાણચોરો માટે સ્વર્ગ બની રહ્યું છે.”

ઈંટ-રેતીનું નહીં, આ ગાભા બિલ્ડિંગ છે
જામજોધપુરમાં એક મકાનનું નામ ગાભા બિલ્ડિંગ રખાયું છે. જે વ્યવસાય પરથી રખાયું છે. પોર્ટ પર કન્ટેનરમાં આવતાં જૂનાં કપડાં અને ગાભાનો વેપાર કરતાં ‘ગાભા બિલ્ડિંગ’ના માલિક પરષોત્તમભાઈ ડોડિયા કહે છે, “મારા પિતાએ ગાભા (યુઝ્ડ ગારમેન્ટ)નો ધંધો શરૂ કર્યો હતો. જે માટે તેમણે કાળી મજૂરી કરી છે. વ્યવસાય જામી ગયો અને પૈસાની બચત થઇ એટલે મકાન બનાવ્યું અને ‘ગાભા બિલ્ડિંગ’ નામ રાખી દીધું. જાણકારો કહે છે કે ગાભાનાં કન્ટેનરોમાં પણ મોટાપાયે દાણચોરી થતી હોય છે. જૂનાં કપડાં કે ગાભાનો વ્યાપાર કરતાં લોકોને ક્યારેક જૂનાં કપડાંમાંથી દરદાગીના કે કીમતી ચીજવસ્તુઓ પણ મળી જાય છે ત્યારે તેમનાં નસીબ ખૂલી જાય છે.”

કપડાંના નામે ચાલતો ખોટો વેપાર
વિદેશથી વપરાયેલાં કપડાંના નામે દાણચોરી કરીને નવાં, બ્રાન્ડેડ કપડાંની આયાત થાય છે. કંડલા સેઝમાં યુઝ્ડ કપડાંનો મોટો વેપાર છે. અહીં ૧૪ જેટલા યુનિટ યુઝ્ડ ક્લોથના છે. આયાતી કપડાંને પ્રદૂષણમુક્ત કરવાં પડે અને છતાં તે ફરી વાપરી ન શકાય તેવો કાયદો હોવા છતાં આવાં કપડાં ખૂબ છૂટથી બજારમાં પહોંચી જાય છે અને વેચાય છે. વપરાયેલાં કપડાંના નામે આ માલ અહીંથી નીકળીને સીધો મોટા શૉ-રૂમમાં પહોંચી જાય છે. આવાં કપડાં લઇ જતી ટ્રક પકડાય ત્યારે તોડ કરીને તેને છોડી મુકાતી હોવાનું પણ ચર્ચાય છે. જેથી સરકારની તિજોરીને અબજોનું નુકસાન સહન કરવું પડે છે.
સુચિતા બોઘાણી કનર

You might also like