અમદાવાદ: ભારત પાકિસ્તાનની સરહદે કચ્છમાં દળદળવાળી સરહદ નજીક હરામીનાળામાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાતાં સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે ઘૂસણખોરો બોટ મૂકી નાસી છૂટ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગઈ કાલે મોડી સાંજે સીમા સુરક્ષા દળની ૪૬મી બટાલિયન કચ્છ દરિયામાં કિક વિસ્તાર નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હરામીનાળા નજીક બે શકમંદ બોટ નજરે ચઢતા ઓપરેશન હાથ ધરવામાં અાવ્યું હતું. સીમા સુરક્ષા દળના જવાનો બોટ તરફ અાવી રહ્યા હોવાની જાણ થતાં જ ઘૂસણખોરો બોટ મૂકી ફરાર થઈ ગયા હતા. સીમા સુરક્ષા દળોના જવાનોએ ઘૂસણખોરોનો પીછો કરતાં દરિયામાં ફિલ્મ જેવાં દ્રશ્યો સર્જાયાં હતાં.
સુરક્ષા દળે બંને પાકિસ્તાની બોટ કબજે કરી તલાસી લેતાં બોટમાંથી માછીમારીનો સરસામાન મળી અાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કસ્ટમના અધિકારીઓ પણ તાત્કાલીક પહોંચી ગયા હતા. પાકિસ્તાની બે બોટ હરામીનાળાથી ઝડપાતા સુરક્ષાતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને કચ્છની દરિયાઈ સરહદે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં અાવ્યું હતું અને દુરબીન તેમજ ટેલિસ્કોપથી દરિયામાં ચાંપતી નજર રાખવાનું શરૂ કરાયું હતું.
ફરાર થયેલા ઘૂસણખોરો બોટ મૂકી કેવી રીતે નાસી છૂટ્યા તે બાબત સુરક્ષાદળ માટે પણ પડકારરૂપ બની છે. કચ્છની દરિયાઈ સરહદે સઘન પેટ્રોલિંગ અને ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પાકિસ્તાની બોટ હરામીનાળા સુધી કેવી રીતે પહોંચી તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં અાવી છે.