કચ્છના યુવાનોએ એક જ દિવસમાં સર કર્યા છ ડુંગરો

કચ્છના બે યુવાનોએ એક જ દિવસમાં છ ડુંગર ચડીને ઊતરીને એક અનોખું સાહસ કર્યું હતું. ભુજના આયુર્વેદિક તબીબ ડો. આલાપ અંતાણી અને બેંક કર્મચારી કુશાગ્ર રાવલે ‘સિક્સ હિલ્સ એ ડે’નો કાર્યક્રમ યોજ્યો હતો. ડો. આલાપ કહે છે, “અમારે કંઈક જુદું જ કરવું હતું. એવામાં એક જ દિવસમાં કચ્છના વધુમાં વધુ ડુંગરો ચડીને ઊતરવાનો વિચાર આવ્યો. સમયની ગણતરી કરીને તે મુજબ છ ડુંગરો નક્કી કર્યા. નખત્રાણા તાલુકાનો ધીણોધર, તેની નજીકનો સાંયરો (ભીખુ), નનામો, ભુજ તાલુકાનો આશાપુરા માતાજીનો ખાત્રોડ, ચંદ્રુઆ અને ભુજિયો ડુંગર ચડવાનું નક્કી કર્યું. નનામો અને ધીણોધર ડુંગરની કચ્છના સૌથી ઊંચા ડુંગરોમાં ગણતરી થાય છે. બંને ડુંગરો ૬૫૦-૭૦૦ ફૂટ ઊંચા છે, બીજા ડુંગરો નાના છે.”

બંને સાહસવીરો સવારના પાંચથી સાંજના ૫ાંચ એમ બાર કલાકમાં ૧૫૦૦ હજાર ફૂટ જેટલું ચડાણ કરીને તેટલું જ પાછું નીચે ઊતર્યા. તેમાં ૩૩ હજારથી વધુ પગથિયાં ચડ્યા અને ૨૧૦ કિમી. જેટલી મુસાફરી પણ કરી. તેમણે પોતાના અનોખા સાહસની ૨૪ મિનિટની એક મૂવી પણ બનાવી છે. જેને તેઓ યુટ્યુબ પર મૂકવાના છે.

ડો. અંતાણીના કહેવા મુજબ “શારીરિક થાક કરતાં માનસિક થાક વધુ લાગતો હતો. પરંતુ ડુંગરની ટોચે પહોંચીએ ત્યારે આધ્યાત્મિક શાંતિ મળતી હતી. કુદરતી દૃશ્યો વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતાં. આ પ્રકારના સાહસથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો.”

You might also like