કચ્છની સંસ્થા મશીનમાં ઘાસચારો ઉગાડશે

કચ્છમાં જોવાતાં ઘોરાડ પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમનું સફળ પ્રજનન થઇ શક્યું નથી. ત્યારે આ પક્ષીઓને બચાવવાનો પ્રયાસ કરતી સંસ્થા ‘કોર્બેટ ફાઉન્ડેશન’ દ્વારા તેના સંવર્ધન માટે એક વિશિષ્ટ પ્રયોગ હાથ ધરાયો છે.

ઘોરાડ પક્ષીઓ ચોમાસામાં વિશાળ મેદાનમાં સંવનન કરે છે. જોકે ત્યારે મેદાનમાં ઘાસ ઊગ્યું હોઈ માલધારીઓ પશુઓને ચરાવવા મેદાનોમાં લઇ આવે છે, જેથી પશુઓના પગતળે ઘોરાડનાં ઇંડાં ફૂટી જાય છે. ક્યારેક માલધારીઓ સાથે આવતાં કૂતરાં ઇંડાં સેવતી માદાનો શિકાર કરે છે. આમ, ઘોરાડની વસતી લુપ્ત થઈ રહી છે. આ સ્થિતિમાં માલધારીઓ પશુઓને મેદાનમાં ચરાવવા લઈ જાય અને ઘેરબેઠાં ઘાસચારો મળી રહે તે માટે કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા એક મશીનમાં પાણી અને વીજળીની મદદથી રોજનો ૨૦૦ કિલોથી બે ટન સુધીનો ઘાસચારો ઉત્પન્ન કરવાનો પ્રયોગ હાથ ધરાયો છે.

ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર દેવેશ ગઢવી કહે છે, “બોમ્બે ગૌરક્ષક ટ્રસ્ટના સહયોગથી ઇઝરાયેલની હાઇડ્રોપોનિક સિસ્ટમથી અબડાસા તાલુકામાં ઘોરાડ અભયારણ્ય વિસ્તારમાં ઘાસ ઉગાડવાનો પ્રયોગ હાથ ધરાયો છે. આ મશીનમાં મકાઈના દાણા નાખવાથી ૭ દિવસમાં એક ફૂટની મકાઇ ઊગે છે. જે ગામલોકો ઢોરને મેદાનમાં ચરાવવાને બદલે આ રીતે ઊગેલું ઘાસ ખવડાવવા તૈયાર થશે તે ગામમાં પાંચેક લાખની કિંમતનું આ મશીન લગાવાશે. હાલ તેરા ખાતે ૨૦૦ કિલોની ક્ષમતાનું મશીન લગાવાયું છે. અભયારણ્ય નજીકનાં ગામોમાં આ મશીન લગાવવાથી ઘોરાડના સંવનન-પ્રજનનને ખલેલ નહીં પહોંચે અને તેની સંખ્યા વધશે.”

You might also like