કચ્છમાં વર્ષે ૪૦૦થી વધુ મોત

ર૦૦૧ના ભૂકંપ પછી કચ્છમાં ઔદ્યોગિકીકરણની સાથે લોકોની આવક અને વાહનોની સંખ્યા પણ વધી છે. જેથી રોડ અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. એક અંદાજ મુજબ કચ્છમાં એક વર્ષમાં અંદાજે ૪૦૦ લોકો રોડ અકસ્માતોમાં જાન ગુમાવે છે. રોજબરોજ અકસ્માતોની હારમાળા સર્જાતી હોવાથી કચ્છના મોટાભાગના નેશનલ અને સ્ટેટ હાઇવે તથા આંતરિક માર્ગોને અકસ્માત ઝોન ગણી શકાય તેવી હાલત છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં ભૂજથી નખત્રાણા હાઇવે, મુન્દ્રા નજીકનો પાંચેક કિલોમીટરનો વિસ્તાર, મુન્દ્રા- અંજાર, મુન્દ્રા- માંડવીના રસ્તાઓ, ભૂજ- અંજાર અને ભૂજ- ભચાઉના રસ્તાઓ તથા તો પૂર્વ કચ્છમાં અંજારના મકલેશ્વર મહાદેવથી મેઘપર બોરીચી માર્ગ, યોગેશ્વર ચોકડીથી નાગલપુર બસસ્ટેશન  અને નાની ચિરઇ પાસેના નેશનલ હાઇવે પર સૌથી વધુ જીવલેણ અકસ્માત થતા હોઈ આ માર્ગોને અકસ્માત ઝોન કે બ્લેક સ્પોટ ગણી શકાય.

કચ્છમાં ભારે માલ ભરેલી ટ્રક, ટ્રેલર જેવાં વાહનોની અવરજવર થતી હોવાથી તે નાનાં વાહનો અને તેના ચાલકો કે મુસાફરો માટે ખૂબ જ જોખમી પુરવાર થાય છે. કચ્છના રસ્તા પ્રમાણમાં સારા હોવાથી વાહનોની ગતિ વધુ હોય છે, તેમાં વાહનચાલકનું મોબાઇલનું વળગણ વધુ આફત નોતરે છે.

પશ્ચિમ કચ્છ ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. વી.કે.ગઢવીના જણાવ્યા મુજબ, “પશ્ચિમ કચ્છમાં ૨૦૧૪માં ૫૭૨ અને ૨૦૧૫માં ૫૫૭ અકસ્માતો થયા છે. ગત વર્ષે ૧૯૧ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા હતા. અકસ્માતો નિવારવા ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ સામે કેસ કરાય છે અને દંડ પણ વસૂલાય છતાં લોકો બેદરકારીભરી રીતે વાહન હંકારીને પોતાનો તથા અન્યોના જીવ જોખમમાં મૂકે છે.” પૂર્વ કચ્છ ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. એમ.ડી.ચંદ્રવાડિયા કહે છે, “વાહનોનો ટ્રાફિક, આડેધડ ડ્રાઇવિંગ, ખોટી રીતે ઓવરટેક કે રોંગસાઇડમાં વાહન હંકારવાં જેવાં કારણોથી પૂર્વ કચ્છમાં વધુ અકસ્માત થાય છે. ૨૦૧૪માં ૧૬૮ અકસ્માતોમાં ૧૮૮ અને ૨૦૧૫માં ૧૫૮ અકસ્માતોમાં ૧૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇફકોનું દબાણ હજુ કેટલાનો ભોગ લેશે?

ગાંધીધામ- આદિપુરને જોડતા ટાગોર રોડ પરની ઇફકોની રેસિડેન્સિયલ કોલોની દ્વારા સર્વિસ રોડ પર કરાયેલા દબાણને કારણે  રોજીંદા અકસ્માતો થાય છે. હાલમાં આ માર્ગ પર હિટ એન્ડ રનના કેસમાં ત્રણ લોકોનાં મૃત્યુ અને અન્ય ૬ વ્યક્તિઓને ઇજા થઇ છે. આ રસ્તા પર જ છેલ્લા થોડા સમયમાં ૨૫થી ૩૦ લોકોએ આખરી શ્વાસ લીધા છે. ટાગોર રોડ પરનાં ચારે ટ્રાફિક સિગ્નલ મોટે ભાગે બંધ હોય છે અને ડિવાઇડર પર આડેધડ કટ મુકાયા છે. જેથી સોસાયટી વિસ્તારમાંથી આવતાં વાહનો મોટાં વાહનોની અડફેટે ચડી જાય છે.

ગાંધીધામ ખાતે આવેલી કંડલા પોર્ટ ટ્રસ્ટની વહીવટી કચેરીથી આદિપુર શહેર સુધીના ટાગોર રોડની બંને તરફ સર્વિસ રોડ બનાવાયો છે, પરંતુ ઇફકો કોલોની નજીક સર્વિસ રોડ નથી. સર્વિસ રોડની જગ્યા પર ઈફ્કોદ્વારા દબાણ કરીને કોલોનીનો ગેટ અને બાઉન્ડ્રી વૉલ બનાવી દેવાઈ છે. પરિણામે અભાવે નાનાં વાહનોએ ફરજિયાતપણે ટાગોર રોડ પર દોડવું પડે છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે.

ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મધુકાંત શાહ કહે છે, “ગત સપ્તાહે જ આર એન્ડ બીની ટીમ દ્વારા ઇફકોનું દબાણ હટાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ઇફકોએ દબાણ ન હટાવવા કોર્ટમાં અરજી કરી હોવાથી હવે આ મેટર સબજ્યુડિશિયસ બની ગઈ છે. અગાઉ ઇફકોએ દબાણ હટાવવા કોર્ટમાં બાંયધરી આપી હતી, પરંતુ હવે સામાજિક ક્ષેત્રે ઈફ્કો અનેક પ્રવૃત્તિ કરી રહી હોવાનું બહાનું આગળ ધરીને આ દબાણ ન હટાવવા અરજી કરવામાં આવી છે. દબાણના કારણે છેલ્લા એક વર્ષમાં ઈફ્કો ગેટ નજીક ૨૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.”
સુચિતા બોઘાણી કનર

You might also like