કચ્છના અક્ષરદેહને સાચવશે ‘કચ્છ કોર્નર’

કચ્છી ભાષા સચવાઇ રહે અને કચ્છમાં કોઇ પણ વિષય પર સંશોધન કરતાં સંશોધકોને કચ્છ અંગેની વિગતો હાથવગી મળી રહે તેવા હેતુસર કચ્છ યુનિવર્સિટીમાં ‘કચ્છ કોર્નર’ શરૂ કરાયો છે. આ કોર્નરમાં કચ્છના લેખકો અને સર્જકોની કૃતિઓ, કચ્છ બહારના સર્જકોની કચ્છને લગતી

કૃતિઓ સચવાશે. કચ્છના સર્જકોએ સાંસ્કૃતિક, આર્થિક,વૈજ્ઞાનિક, ભાતિગળ માહિતીઓને પોતાના સર્જનમાં વણી લીધી છે. આવી સામગ્રી એક જ જગ્યાએ ઉપલબ્ધ થવાથી સંશોધકોને અહીંતહીં ભટકવું નહીં પડે.

‘કચ્છ કોર્નર’ જેનું માનસ સંતાન છે તેવા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. બી. જાડેજા કહે છે, “કચ્છમાં ઘણા સાહિત્યકારો, લેખકો અને કવિઓ છે, પરંતુ તેમનું તમામ સાહિત્ય એક જ જગ્યાએ મળતું નથી. ભૂતકાળમાં પણ કચ્છમાં અનેક ઊંચા ગજાના સર્જકો થઇ ગયા પરંતુ આજે કાં તો તેમનું સાહિત્ય ઉપલબ્ધ નથી અથવા બહુ જૂજ જગ્યાએ તે જોવા મળે છે. કચ્છના સાહિત્યકારોએ કચ્છી સિવાયની અંગ્રેજી, ગુજરાતી, હિંદી જેવી ભાષાઓમાં કરેલું સર્જન પણ વિપુલ માત્રામાં છે. કચ્છ વિશે સંશોધન કરતા સંશોધકોને આવું સાહિત્ય શોધવું ભારે અઘરું પડે છે. જો કચ્છી સર્જકોએ સર્જેલું અને કચ્છ બહારના સર્જકોએ કચ્છ વિશે સર્જેલું સાહિત્ય એક જગ્યાએ ઉપલબ્ધ હોય તો તે ઘણું ઉપયોગી થઇ શકે તેમ છે. ઇતિહાસ, વિજ્ઞાન, કુદરત, વનસ્પતિ, ભૂરચના વગેરે વિષયોનું વિપુલ સાહિત્ય હોવા છતાં આજે તે શોધવામાં ભારે મુશ્કેલી પડે છે. આથી જ કચ્છી સાહિત્યના જાણકારો, ઇતિહાસના મરમીઓનાં સલાહસૂચનથી કચ્છ કોર્નર શરૂ કરાયો છે.”

હાલમાં જ આ કોર્નર માટે ૨૭૫ જેટલાં પુસ્તકો અને ૧૩ જેટલાં અપ્રાપ્ય પુસ્તકોની સોફ્ટ કોપી ૩૪ સાહિત્યકારોએ અર્પણ કરી હતી. કચ્છ કોર્નરને સમૃદ્ધ બનાવવા માટે યુનિવર્સિટી લેખકો અને પ્રકાશકો પાસેથી પુસ્તકો મેળવવા પ્રયત્નશીલ છે. તેમ જ કોઇ ઇતિહાસકાર કે કોઇ લાઇબ્રેરી પાસે જે દુર્લભ સાહિત્ય, ગેઝેટ્સ, હસ્તપ્રત હશે તો નકલ કે ઝેરોક્સ કરાવીને તે મેળવાશે. આ કોર્નરમાં પ્રાચીનથી અર્વાચીન અને વર્તમાન યુગનું સાહિત્ય પણ એકઠું કરાશે. જરૂર લાગશે તે પુસ્તકોની ઓડિયો બુક કે ઇ- બુક પણ બનાવાશે. કચ્છનાં ગામડાંની લાઇબ્રેરીઓ, ધર્મસ્થાનો પાસેથી પણ અલભ્ય  પુસ્તકો મેળવવા પ્રયત્ન કરાશે. અહીં વર્ષો જૂનાં અખબારો, કચ્છમાંથી બહાર પડનારાં કે કચ્છીઓ દ્વારા બહાર પડનારાં સામયિકોના દિવાળી અંકો પણ કચ્છ કોર્નરમાં મુકાશે. ઉપરાંત લોકબોલીમાં જે સાહિત્ય સચવાયેલું પડ્યું છે તે  રેકૉર્ડ કરીને કાયમ માટે સંગ્રહાશે.

એક વખત વિવિધ વિષયોવાળાં પુસ્તકો મળી જાય પછી તેનું વિષયવાર વિભાજન કરીને કચ્છ કોર્નર ગોઠવાશે. આ માટે અલગ હૉલ, બેસીને વાંચન કે અભ્યાસ કરી શકાય તે માટેની સુવિધા પણ ઊભી કરાશે. આ કોર્નર તમામ સંશોધકો કે અભ્યાસુઓ માટે ખુલ્લો રખાશે. અહીં આવીને તમામ પુસ્તકો જોઇને, વાંચીને તેેનો અભ્યાસ કરી શકાશે. ઇ- પુસ્તકો ઓનલાઇન મુકાશે. કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તે દુનિયાના ગમે તે ખૂણે વાંચી શકાશે.

અમુક સાહિત્યપ્રેમીઓના મતાનુસાર કચ્છી સાહિત્ય અકાદમીએ કરવા જેવું કાર્ય હાલમાં કચ્છ યુનિવર્સિટીએ હાથ ધર્યું છે. આ કામથી કચ્છી ભાષાનું જતન તો થશે જ સાથે સાથે કચ્છ વિશે સંશોધન કરનારાઓને પણ મદદરૂપ થશે.

કચ્છ કોર્નર વ્યવસ્થિત રીતે શરૂ થયા પછી કારાણી સાહિત્ય કેન્દ્ર ઊભું કરવાની નેમ ડૉ. જાડેજાએ વ્યક્ત કરી હતી. આ સાહિત્ય કેન્દ્ર થકી સર્જકોને નવાજવા, સાહિત્યિક કાર્યક્રમો કરાશે. જેનાથી કચ્છી સાહિત્યકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય.

You might also like