VIDEO: કુંવરજી બાવળિયાએ મંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રનાં સિનિયર નેતા અને જસદણનાં ધારાસભ્ય એવા કુંવરજી બાવળિયાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેઓ ભાજપમાં જોડાઇ ગયાં છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ભારે મોટો ફટકો પડ્યો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્યપદેથી રાજીનામું સુપરત કર્યું હતું. જો કે હવે કુંવરજી બાવળિયાએ મંત્રીપદનાં શપથ ગ્રહણ કર્યા છે.

તેઓની શપથવિધિમાં સીએમ રૂપાણી અને ડે.સીએમ સહિતનાં તમામ ટોચનાં નેતાઓ હાજર રહ્યાં છે. કુંવરજી બાવળિયાએ આજે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેનાં શપથ લઇ લીધાં છે.

સરકારનાં અધિકારીઓ પણ શપથવિધિમાં હાજર રહ્યાં છે. કુંવરજી ભાજપમાં જોડાતા તેઓને કોળી સમાજ તરફથી પણ સારૂ એવું સમર્થન મળી રહ્યું છે. મહત્વનું છે કે તેઓને શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ તેમજ વાહન-વ્યવહાર વિભાગ સોંપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કુંવરજી બાવળિયાને પૂર્વમંત્રી શંકર ચૌધરીની કેબિન ફાળવવામાં આવી છે. આવતી કાલે કેબિનેટમાં ખાતાની ફાળવણી કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

એક તરફ કોંગ્રેસ લોકસભાની બેઠકદીઠ વિશ્લેષણ કરવા માટે આજથી અમદાવાદમાં ત્રણ દિવસીય કવાયત આરંભવાની છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં આ ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરાયું છે. સિનિયર નેતાઓના અસંતોષને ઠારવા પ્રદેશ પ્રભારીએ ગુજરાતના પ્રવાસ વધાર્યા છે. બીજી તરફ પક્ષના સિનિયર નેતા કુંવરજી બાવળિયાએ ભાજપમાં પ્રવેશ કરતાં કોંગ્રેસની છાવણીમાં સન્નાટો ફેલાઇ ગયો છે.

કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા પક્ષની ધુરા અમિત ચાવડાને સોંપાતાં કુંવરજી બાવળિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જગદીશ ઠાકોર સહિતના કેટલાક સિનિયર નેતાઓ નારાજ થયા હતા. અગાઉ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી પણ પરેશ ધાનાણીને સોંપીને દિલ્હી હાઇકમાન્ડ દ્વારા યુવા નેતાઓને જ વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું હોવાની લાગણી પક્ષના સિનિયર નેતાઓમાં ફેલાઇ હતી.

છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે સમતુલા જાળવવા માટે પ્રયાસો આદર્યા હતાં, જો કે કુંવરજી બાવળિયાનું રાજીનામું એ બાબત પુરવાર કરે છે કે તેમને પક્ષમાં સમતુલા જાળવવામાં નિષ્ફળતા સાંપડી છે.

જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાને મનાવવાનો પણ છેક ઉપલા સ્તરેથી પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓ આજે પોતાની જસદણની બેઠક પરથી ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા છે. કુંવરજીભાઇએ તેમનું રાજીનામું ઇ-મેલ દ્વારા રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભીખુભાઇ દલસા‌ણિયા સાથે કુંવરજી બાવળિયાએ ભાજપમાં જોડાતાં અગાઉ મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. તેઓએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પહોંચી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.

કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભાજપના પ્રદેશ મહામંત્રી ભિખુભાઇ દલસાણીયા સહિત અગ્રણીઓએ તેમને આવકાર્યા હતાં.

કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કુંવરજી બાવળિયા મજબૂત નેતા છે તેઓ ભાજપમાં દરેક ક્ષેત્રે કામ કરશે. ઘણા સમયથી તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ હતા. આ દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ કહે છે કે, ભાજપ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને પોતાના આગેવાનો અને કાર્યકરો પર વિશ્વાસ ન હોઇ કોંગ્રેસના આગેવાનોને ફોડી રહી છે.

You might also like