ખોટા નિવેદન કરશો તો લોકસભામાં કોંગ્રેસનું વહાણ ડુબાડીશઃ બાવળિયા

ગાંધીનગરઃ આજે મંત્રી પદનાં શપથ લીધા બાદ કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ નિવેદન આપતાં જણાવ્યું કે, હું ક્યારેય કોંગ્રેસનાં સિમ્બોલ પર જીત્યો નથી. બાવળિયાએ કોંગ્રેસને ચીમકી આપતાં કહ્યું કે મારા વિરુદ્વ ખોટા નિવેદનો કરવાનું કોંગ્રેસ બંધ કરે. જો ખોટા નિવેદન કરશો તો લોકસભામાં કોંગ્રેસનું વહાણ ડુબાડીશ.

હું આવતી કાલે કેબિનેટ બેઠકમાં ભાગ લઇશ. તેમજ મને જે પણ વિભાગ સોંપાશે તેમાં હું રસપૂર્વક કામ કરીશ. મહત્વનું છે કે શિક્ષણ અને સિંચાઇ એ મારા રસનાં વિષય છે. હું ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છું પરંતુ હવે ત્યાં કામ કરવાની તક મળતી નથી. PM મોદી અને અમિત શાહ પક્ષને તેમજ દેશને આગળ લઈ જઈ રહ્યાં છે અને એમની સાથે ખેડૂતોનાં, ગરીબોનાં કામ કરવાની મને આ ઉત્તમ તક મળી છે તો મેં આ તક ઝડપી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનાં સિનિયર નેતા અને જસદણનાં ધારાસભ્ય એવા કુંવરજી બાવળિયાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેઓ ભાજપમાં જોડાઇ ગયાં છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ભારે મોટો ફટકો પડ્યો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપરત કર્યું હતું. જો કે હવે કુંવરજી બાવળિયાએ મંત્રીપદનાં શપથ ગ્રહણ કર્યા છે.

તેઓની શપથવિધિમાં સીએમ રૂપાણી અને ડે.સીએમ સહિતનાં તમામ ટોચનાં નેતાઓ હાજર રહ્યાં છે. કુંવરજી બાવળિયાએ આજે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેનાં શપથ લઇ લીધાં છે. સરકારનાં અધિકારીઓ પણ શપથવિધિમાં હાજર રહ્યાં છે.

કુંવરજી ભાજપમાં જોડાતા તેઓને કોળી સમાજ તરફથી પણ સારૂ એવું સમર્થન મળી રહ્યું છે. મહત્વનું છે કે તેઓને શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ તેમજ વાહન-વ્યવહાર વિભાગ સોંપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કુંવરજી બાવળિયાને પૂર્વમંત્રી શંકર ચૌધરીની કેબિન ફાળવવામાં આવી છે. આવતી કાલે કેબિનેટમાં ખાતાની ફાળવણી કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

You might also like