કુંવારપાઠાના છોડ આડશમાં છુપાવીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરો દ્વારા નિત નવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નશાબંધીનો કડક અમલ શરૂ થયો હોઇ હવે બુટલેગરો જુદી જુદી ચીજવસ્તુની આડશમાં સંતાડી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. ગઇ મોડી રાત્રે રતનપુર ચેકપોસ્ટ પરથી પોલીસે ટ્રકમાં ભરેલ કુંવારપાઠાના છોડની આડશમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે શખસોની ધરપકડ કરી હતી.

રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાથી બાતમી મળતા પોલીસે રતનપુર ચેકપોસ્ટથી માંડી અણસોલ સુધી કડક વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં મોડી રાત્રે રાજસ્થાન પાસિંગની એક ટ્રક પુરઝડપે પસાર થતાં પોલીસે તેને રોકી જડતી કરતાં તેમાં કુંવારપાઠાના છોડ હોવાનું જણાયું હતું પરંતુ પોલીસને વધુ શંકા જતા તાડપત્રી ખોલીને તપાસ કરતા તેમાંથી કુંવારપાઠાના છોડની આડશમાં છુપાવેલો વિદેશી દારૂની આશરે ૭૦૦ બોટલો મળી આવી હતી.

પોલીસે ટ્રક વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને રોકડ રકમ સાથે આશરે રૂ.૧પ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી જોધારામ જાટ અને મૂકેશ જાટ નામના રાજસ્થાનના બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like