કુંબલેનો હુકમઃ ઈજાગ્રસ્ત ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં દમ દેખાડવો પડશે

રાજકોટ: ભારતના મુખ્ય કોચ અનિલ કુંબલેએ એક નવો ‘કાયદો’ બનાવ્યો છે. આ કાયદા મુજબ ઈજામાંથી બહાર આવનાર ખેલાડીએ રાષ્ટ્રીય ટીમમાં પુન: પ્રવેશ કરવા માટે ઘરેલુ ક્રિકેટમાં રમવું જરૂરી છે. ભૂતકાળમાં એવાં ઘણાં ઉદાહરણ રહ્યાં છે કે જ્યારે ટીમમાં પુનઃ પ્રવેશ મેળવવા ખેલાડી ગંભીર ઈજામાંથી વહેલો ‘સાજા’ થવાનો ડોળ કરે છે અને પછી વધારે ગંભીર ઈજામાં સપડાઈ જાય છે.
રોહિત શર્મા (સાથળ), કે. એલ. રાહુલ (પગના સ્નાયુ), શિખર ધવન (હાથનો અંગૂઠો) અને ભુવનેશ્વરકુમાર (કમર) ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ છે.

કુંબલેએ કહ્યું હતું કે પોતે ક્રિકેટ રમી ચૂક્યો હોવાથી સારી રીતે સમજે છે કે ટીમમાં કોઈ ખેલાડીના સ્થાને બીજો કોઈ ખેલાડી રમે તો તેના મનમાં કેવી અસર થતી હોય છે. શારીરિક રીતે સુસજ્જ બનવાનો પ્રયત્ન કરવાને બદલે શારીરિક રીતે બિલકુલ ફિટ હોવાનું મહત્ત્વ કુંબલેએ સમજાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ખેલાડીએ ઈજામાંથી ૧૦૦ ટકા સાજા થયા પહેલાં રમવાની ઉતાવળ કરવી ન જોઈએ, કારણ કે તેમાં ક્યારેક એ ખેલાડીને તથા ટીમને સહન કરવું પડતું હોય છે. ઈજા ખેલાડીના જીવનનો હિસ્સો છે એમ પણ તેણે કહ્યું હતું.
કુંબલેએ જણાવ્યું, ”એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કે. એલ. રાહુલ કે જે અત્યાર સુધી ઘણું જ સારું રમ્યો છે, પરંતુ હાલ તે રમી શકતો નથી. આ જ રીતે ભુવી, શિખર, રોહિત માટે પણ ઈજા એક મોટા ઝટકા સમાન છે. રોહિત માટે હું બહુ જ દુઃખી છું, કારણ કે તે ટેસ્ટ ફોર્મેટમાં સુંદર પ્રદર્શન કરી રહ્યો હતો.”

કોચ અનિલ કુંબલે માટે ટીમની પસંદગી કોયડારૂપ બની ગઈ છે. પાંચમા બૉલર તરીકે હાર્દિક પંડ્યા કે પછી છઠ્ઠા બેટ્સમેન તરીકે કરુણ નાયરમાંથી કોને પહેલી ટેસ્ટમાં રમાડવો એ બાબતે ખુદ કોચ ગૂંચવાઈ ગયો છે. કુંબલેએ અગાઉ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંભવિતપણે પાંચમાં બૉલર તરીકે પોતાને પુરવાર કરવા હાર્દિકને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે બધી છૂટ અપાશે તથા નાયરને જો રમવાની તક મળશે તો તેને પણ બધી રીતે પ્રોત્સાહિત કરાશે.

હાર્દિક અંગે પૂછવામાં આવતાં કુંબલેએ કહ્યું હતું કે તેની પાસે ક્રિકેટની ઘણી સમજ છે અને તેણેે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારો દેખાવ કર્યો છે. કુંબલેએ કહ્યું હતું કે હાર્દિક પાસે ત્રણેય ફોર્મેટ ક્રિકેટમાં રમવાની સારી આવડત છે. કુંબલેએ કહ્યું હતું કે જે કોઈ ૧૪૦ કિલોમીટરની ઝડપે બૉલિંગ કરી શકે અને નીચલા ક્રમની બૅટિંગમાં ફાળો આપી શકે તેવા ખેલાડીની ટીમને ઘણી જરૂર હોય છે.
નાયર અંગે કુંબલેએ કહ્યું હતું કે તેણે ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવી સતત સારો દેખાવ કર્યો છે અને ઈજાના કારણે રોહિત શર્મા રમી શકે તેમ ન હોવાથી તેના માટે પણ દરવાજા ખુલ્લા થયા છે.

You might also like