રાજદ્રોહ આરોપી કનૈયા કુમારના જામીન ઉપર સુનાવણી થશે

નવીદિલ્હી : રાજદ્રોહના કેસમાં આરોપોનો સામનો કરી રહેલા જેએનયુ લીડર કનૈયા કુમારે કહ્યું છે કે, તિહાર જેલમાં તેની જાન સામે ખતરો રહેલો છે. કનૈયા કુમાર સુપ્રીમ કોર્ટમાં જામીન માટેની અરજી કરી દીધી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. બુધવારના દિવસે કોર્ટ સંકુલમાં કનૈયાને લાવવામાં આવ્યો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

જેએનયુમાં એક કાર્યક્રમના સંદર્ભમાં રાષ્ટ્રદ્રોહના આરોપ મામલામાં કનૈયાને દિલ્હી પોલીસે ૧૨મી ફેબ્રુઆરીના દિવસે પકડી પાડ્યો હતો. બીજી માર્ચ સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે લોકોને કહ્યું હતું કે, કનૈયા કુમારની દેશદ્રોહના આરોપોમાં થયેલી અટકાયતના પ્રકરણ પર નિવેદન કરતી વેળા સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે.

ન્યાયાધીશ જે ચેલમેશ્વરના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, તે પટિયાલા હાઉસ કોર્ટ સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહી છે. કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વકીલ આરપી લુથરાએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હી પોલીસ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે તે જેલમાં રહેલા વિદ્યાર્થી લીડર કનૈયાની જામીન અરજીનો વિરોધ કરવામાં ન આવે.

બીજી બાજુ આજે પણ આક્ષેપોનો દોર જારી રહ્યો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં થયેલા હોબાળાને લઇને આજે જાદવપુર યુનિવર્સિટીમાં રેલી કાઢવામાં આવી હતી. આ વિવાદ હજુ શાંત નહીં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વિવાદ શાંત થાય તે પહેલા જ અલગતાવાદી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિષ્ઠાજનક જાદવપુર યુનિવર્સિટીમાં એક રેલી યોજવામાં આવી હતી. આજના ઘટનાક્રમને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મંગળવારના દિવસે આ યુનિવર્સિટીમાં એક રેલી કાઢવામાં આવી હતી જેમાં અફઝલ ગુરુની તરફેણમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. કનૈયા કુમારની ધરપકડ સામેના વિરોધમાં જેએનયુના સમકક્ષોએ દેખાવો કર્યા હતા.

આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા જાદવપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુરંજન દાસે કહ્યું છે કે, આ પ્રકારના સૂત્રોચ્ચાર અને ગતિવિધિમાં કેટલાક દેશદ્રોહી તત્વો રહેલા છે જેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના લીડર કનૈયા કુમારને બીજી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં દિલ્હી કોર્ટે આદેશ કર્યો હતો.

અગાઉ દિવસમાં પટિયાલા હાઉસ કોર્ટની બહાર હાઈડ્રામાની સ્થિતિ સર્જાઈ હતી. વકીલોના એક ટોળાએ પત્રકારો ઉપર હુમલો કરી દીધો હતો. કનૈયા કુમારને પણ કોર્ટ સંકુલમાં માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. કોર્ટ રૂમની બહાર વકીલો દ્વારા કનૈયા કુમાર સાથે પણ ધક્કામુક્કી કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમને લઇને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

You might also like