શપથગ્રહણ અગાઉ કુમારસ્વામી દિલ્હીની મુલાકાતે, રાહુલ-સોનિયા ગાંધી સાથે મુલાકાત

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉઠકપટક હવે પુરી થઇ ગઇ હોય તેવી લાગી રહ્યું છે. ભાજપની યેદિયુરપ્પાની સરકાર પડી ગયા બાદ હવે કોંગ્રેસ-જેડીએસની નવી સરકાર શપથગ્રહણ કરવાની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે જેડીએસના નેતા મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામી આજે દિલ્હીની મુલાકાતે છે. કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે.

દિલ્હીની મુલાકાત અગાઉ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેઓ મુલાકાત કરશે અને સરકારના પાંચ વર્ષના કાર્યકાળ માટે આશીર્વાદ લેશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે બેઠકમાં કેબિનેટના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

જો કે કુમારસ્વામીએ જણાવ્યું હતું કે હજી સુધી કોને કઇ ખાતુ સોંપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી બુધવારે 23 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.

દિલ્હીની મુલાકાત પહેલા કુમારસ્વામી બેંગલુરૂમાં અનેક મંદિરોમાં દર્શન કરશે. કુમારસ્વામી દિલ્હીની મુલાકાત પૂર્વે લક્ષ્મીનરસિમ્હા મંદિર, હરદનહલી શિવ મંદિર, રંગનાથ મંદિર, યલિમલકા મંદિરમાં દર્શન કરશે.

કુમારસ્વામી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને શપથગ્રહણમાં સામેલ થવા નિમંત્રણ પાઠવશે. કુમારસ્વામીએ પોતે જ કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત બંને નેતાઓને બેંગલુરૂમાં સરકારના શપથગ્રહણમાં ભાગ લેવા આમંત્રણ આપશે.

કુમારસ્વામી સિવાય કર્ણાટક કોંગ્રેસના નેતાઓ પણ સોમવારે દિલ્હીમાં હશે. કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વરાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડી. કે. શિવકુમારની સાથે દિલ્હી જઇને સરકાર ગઢન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે વાતચીત કરશે. કુમારસ્વામી દિલ્હી ખાતેની મુલાકાત પૂર્ણ કરી સાંજે બેંગલુરૂ જવા રવાના થઇ જશે.

You might also like