કુમારે કોન્ટ્રાક્ટ સાથે ચેડા કર્યા હતા : CBIનો દાવો

નવીદિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકારને મોટો ફટકો પડે તેવા એક ઘટનાક્રમમાં સીબીઆઈએ દાવો કર્યો છે કે, તપાસ અને દરોડા દરમિયાન કેજરીવાલના સેક્રેટરી રાજેન્દ્ર કુમારના ઇ-મેઇલ એકાઉન્ટમાંથી કબજે કરવામાં આવેલી પાંચ ઓડિયો રેકોર્ડિંગમાં કેટલીક ગેરરીતિ હોવાનું જાણવા મળ્યું છે. આમા એવું જાણવા મળ્યું છે કે, રાજેન્દ્ર કુમારે કોન્ટ્રાક્ટ સાથે ચેડા કર્યા હતા. સાથે સાથે કોન્ટ્રાક્ટ મામલામાં પોતાના પ્રભુત્વનો ઉપયોગ કર્યો હતો.

સીબીઆઈ દ્વારા કબજે કરવામાં આવેલી ઓડિયો રેકોર્ડિંગમાં ઉંડી તપાસ ચાલી રહી છે. તપાસ અધિકારીઓને શરૂઆતમાં પોતાના ઇ-મેઇલના પાસવર્ડ આપવાનો ઇન્કાર કરનાર કુમારે મોડેથી દબાણ લાવવામાં આવ્યા બાદ પાસવર્ડ આપી દીધા હતા. સીબીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, ઊંડી તપાસ ચાલી રહી છે. તેમના ઇ-મેઇલ એકાઉન્ટમાં ચાલી રહેલી ચકાસણીથી જાણવા મળ્યું છે કે, ટેન્ડર અને કોન્ટ્રાક્ટના મામલામાં ગેરરીતિ આચરવામાં આવી હતી.

કુમારના સેમ્પલ વોઇસ પણ લેવામાં આવ્યા છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરુપે આ સેમ્પલો લઇને ફોરેન્સિક રીતે મેચ કરવામાં આવી રહ્યા છે. એજીએમયુટી કેડરના ૧૯૮૯ની બેચના આઈએએસ ઓફિસર કુમાર દાવો કરી ચુક્યા છે કે, તેઓએ કોઇ ગેરરીતિ આચરી નથી. બીજી બાજુ વોઇસ સેમ્પલથી જાણવા મળે છે કે, વાતચીત બાદ કેટલાક વધુ લોકો સકંજામાં આવી શકે છે.

સીબીઆઈનું કહેવું છે કે, કુમાર અને અન્યો સામે કેસ નોંધવામાં આવી ચુક્યો છે. કુમાર સામે આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. થોડાક સમય પહેલા કુમારની ઓફિસ ઉપર વ્યાપક દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

You might also like