ક્રિકેટર પુત્રનો ઉત્સાહ વધારવા પત્ની સાથે મેદાનમાં પહોંચ્યા કુમાર મંગલમ્ બિરલા

ઇન્દોરઃ દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ કુમાર મંગલમ્ બિરલા અને તેમની પત્ની નીરજા પોતાના પુત્ર આર્યમાન વિક્રમ બિરલાને પ્રથમ શ્રેણી ક્રિકેટરમાં પદાર્પણ કરતો જોવા માટે ઇન્દોર પહોંચ્યાં. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હોલકર સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ અને પોતાના પુત્રને પ્રોત્સાહિત કર્યો. ઉલ્લેખનીય છે કે કુમાર મંગલમ્ની પત્ની નીરજા મૂળ ઇન્દોરની રહેવાસી છે.

ભારતીય ધનવાનોની યાદીમાં નવમું સ્થાન ધરાવતા બિરલા જૂથના કર્તાધર્તા અને ૧૨.૫ બિલિયન ડોલર (૮૦,૬૮૮ કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક કુમાર મંગલમ્ મેચના પ્રથમ દિવસે આખો દિવસ સ્ટેડિયમમાં હાજર રહ્યા. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા હતી અને ૨૫ સુરક્ષાકર્મી તેમની સાથે હાજર હતા. તેઓ સ્ટેડિયમના પેવેલિયન છેડાના પી-૬ બ્લોકમાં બેઠા હતા, જે ડ્રેસિંગ રૂમની બરોબર ઉપર છે. જે જગ્યાએ તેઓ બેઠા હતા, તે તરફ કોઈને પણ જવાની મંજૂરી નહોતી.

અંડર-૨૩ ટૂર્નામેન્ટમાં એક બેવડી સદી સહિત ૬૩૭ રન બનાવનારો આર્યમાન પદાર્પણ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને પહેલી ઇનિંગ્સમાં ૧૬ રન અને બીજી ઇનિંગ્સમાં માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયો. બોલિંગમાં તેને ફક્ત બે ઓવર ફેંકવાની તક મળી હતી. આ મેચ મધ્ય પ્રદેશ અને ઓડિશા વચ્ચે રમાઈ હતી. આર્યમાને મધ્ય પ્રદેશની ટીમ તરફથી પદાર્પણ મેચ રમી. મધ્ય પ્રદેશે આ મેચ જીતી લઈને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

You might also like