સો ટચનું સોનું છે કુલદીપ યાદવ

નવી દિલ્હીઃ કુલદીપ યાદવ એક એવું નામ છે, જેમાં અભૂતપૂર્વ પ્રતિભા ભરેલી પડી છે, તેને ફક્ત તકની શોધ રહે છે અને જેવી તેને તક મળી છે, તે ખુદને સાબિત કરી દે છે.

૨૦૦૪-૦૫માં કાનપુરના ઊબડ-ખાબડ મેદાનથી ક્રિકેટની સફર શરૂ કરનારાે નાનો બાળક હવે ૨૨ વર્ષની ઉંમરે ભારતની વન ડે ટીમનો સભ્ય બની ગયો છે. ઉત્તર પ્રદેશ અંડર-૧૯ ટીમ, ભારતીય અંડર-૧૯ ટીમ, ઉત્તર પ્રદેશ રણજી ટીમ, મધ્ય ઝોન, મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયા બાદ આ વર્ષે કુલદીપને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ટેસ્ટ કેપ મળી હતી, જેમાં તેણે પહેલી ઇનિંગ્સમાં જ ચાર વિકેટ ઝડપીને ખુદને સાબિત કરી દીધો હતો. ધર્મશાલા ટેસ્ટમાં જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે ૧૪૪ રન હતો ત્યારે કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા અજિંક્ય રહાણે બોલ કુલદીપને સોંપ્યો અને તેણે ચાર વિકેટ ઝડપીને મેચનું પાસું પાલટી નાખ્યું હતું.

કુલદીપ આવી તક મળે તેની વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ અશ્વિન, જાડેજા ઉપરાંત અક્ષર પટેલ, જયંત યાદવ અને અમિત મિશ્રાને પણ ટીમ ઇન્ડિયામાં સામેલ થવાની તક મળતી હતી. ભારતને ઓસી. સામેની એ શ્રેણી જીતવા માટે ધર્મશાલા ટેસ્ટ જીતવી જરૂરી હતી. આથી જ કુલદીપને સરપ્રાઇઝ પેકેજ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને તેની સામે રમવાનો અનુભવ નહોતો અને થયું પણ એવું જ, ભારતે એ શ્રેણી જીતી લીધી.

જોકે બાદમાં કુલદીપને વન ડે અને ટી-૨૦માં તક મળી નહીં. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેની પસંદગી થઈ નહીં. વિન્ડીઝ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો. પ્રથમ વન ડે વરસાદને કારણે તે બોલિંગ કરી શક્યો નહીં. બીજી વન ડેમાં કુલદીપે નવ ઓવરમાં ૫૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી. ત્યાર બાદ કેપ્ટન કોહલીએ કુલદીપની ભરપૂર પ્રશંસા કરી. કુલદીપે સાબિત કરી આપ્યું છે કે જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે કેપ્ટનને નિરાશ નહીં કરે. નિશ્ચિત રીતે જ હવે ભારતીય ટીમ મેનેજમેન્ટને ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ માટે આ ચાઇનામેન બોલરને પોતાની યોજનામાં સામેલ કરી લેવો જોઈએ, કારણ કે તે ટીમ માટે સો ટચનું સોનું છે અને દરેક પરિસ્થિતિમાં બોલને સ્પિન કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like