ત્રણ મેચના હિરો ચહલ-કુલદીપ છેલ્લી મેચ બાદ ‘વિલન’ બની ગયા

જોહાનિસબર્ગઃ
ચોથી વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે પરાજયથી ભારતના કરોડો ક્રિકેટ પ્રેમી નારાજ થયા છે. આ હારમાં સૌથી મોટા વિલન બન્યા છેલ્લી ત્રણ મેચના હીરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ. એમાંય યુઝવેન્દ્ર ચહલે તો એવી ભૂલો કરી, જે અંગે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. બધું મળીને આ બંને સ્પિનર્સ માટે જોહાનિસબર્ગ વન ડે એક ખરાબ સપના જેવી સાબિત થઈ.

શરૂઆતની ત્રણ મેચની વાત કરવામાં આવે તો આ બંને ભારતીય સ્પિનરે યજમાન બેટ્સમેનોની હાલત ખરાબ કરી નાખી હતી. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો કુલદીપની ગૂગલી સામે નૃત્ય કરતા જોવા મળ્યા હતા. અહીં નજર કરીએ આ બંને સ્પિનરની શરૂઆતની ત્રણ મેચની કમાણી પરઃ
પ્રથમ વન ડેઃ ૨૦-૦-૭૯-૫
(ઇકોનોમી રેટ ૩.૯૫)
બીજી વન ડેઃ ૧૪.૨-૨-૪૨-૮
(ઇકોનોમી રેટ ૨.૯૩)
ત્રીજી વન ડેઃ ૧૮-૧-૬૯-૮
(ઇકોનોમી રેટ ૩.૮૩)

બધું મળીને શરૂઆતની ત્રણ વન ડે મેચમાં ૩૦માંથી ૨૧ વિકેટ ઝડપીને આ બંનેએ યજમાન બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા. પરિસ્થિતિ એવી હતી કે આ બંને- ખાસ કરીને કુલદીપ યાદવ બોલિંગ આવતાં જ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોના મનમાં ભય છવાઈ જતો હતો, પરંતુ ચોથી વન ડેમાં જ્યારે કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા હતા કે આ બંને સ્પિનર ભારતને ૪-૦થી વિજયી સરસાઈ અપાવશે ત્યારે તેમણે પોતાની ત્રણ મેચની કમાણી એક જ મેચમાં ગુમાવી દીધી.

ચોથી વન ડેમાં આ બંનેએ મળીને ૧૧.૩ ઓવર ફેંકી, જેમાં ૧૧૯ રન ખર્ચી કાઢ્યા અને ફક્ત ત્રણ જ વિકેટ ઝડપી અને ઇકોનોમી રેટ રહ્યો ૧૦.૫૩નો. જોકે આ બંને પ્રતિભાશાળી સ્પિનરમાં જોરદાર વાપસી કરવાની ક્ષમતા છે અને બાકીની બંને વન ડેમાં તે સાબિત પણ કરી શકે તેમ છે. ક્રિકેટની રમતમાં એક ખરાબ દિવસ બધાં સમીકરણ બગાડી નાખે છે તેનું આ બંને સ્પિનર ઉદાહરણ છે.

પાંચમી વન ડે માટે પોર્ટ એલિઝાબેથ પહોંચી ટીમ ઇન્ડિયા
પોર્ટ એલિઝાબેથઃ ચોથી વન ડે પાંચ વિકેટે હાર્યા બાદ આગામી મેચ માટે ટીમ ઇન્ડિયા પોર્ટ એલિઝાબેથ પહોંચી ચૂકી છે. ભારતીય ટીમ હાલ છ મેચની વન ડે શ્રેણીમાં ૩-૧થી આગળ ચાલી રહી છે. પાંચમી વન ડે આવતી કાલે પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ વાગ્યાથી રમાશે. ટીમ ઇન્ડિયા અહીં પહોંચી ત્યારે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બધા ખેલાડી આ સ્વાગતને માણીને ખુશ થયા હતા. ઘણા ખેલાડીઓએ આ પળને પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.

You might also like