જાધવ મામલે ભારત સખતઃ પાક. સાથેની તમામ વાટાઘાટ સ્થગિત

નવી દિલ્હી: ભારતીય નાગરિક અને નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાને જાસૂસ ગણાવીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ હવે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઊથલપાથલની શરૂઆત વચ્ચે ભારત તરફથી પાકિસ્તાન સાથે તમામ પ્રકારની દ્વિપક્ષીય વાટાઘાટ પર હંગામી ધોરણેે રોક લગાવી દેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એટલી હદે જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવને ન્યાય અપાવવા કેન્દ્ર સરકાર કોઇ પણ હદે જઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે તમામ પ્રકારની કાર્યવાહી કરીશું અને ન્યાય માટે અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ.

ભારત સરકારે દરિયાઇ સુરક્ષાને લઇને પાકિસ્તાન સાથે ૧૭ એપ્રિલે યોજાનારી વાટાઘાટ પણ રદ કરી દીધી છે. આ સાથે જ ભારતે પાકિસ્તાનને સીધું પરખાવી દીધું છે કે તે પાકિસ્તાન મેરીટાઇમ સિકયોરિટી એજન્સીના પ્રતિનિધિમંડળની મેજબાની કરવા કયારેય તૈયાર થશે નહીં. આ પ્રતિનિધિમંડળ રવિવારે ભારત આવવાનું છે.

શુક્રવારે પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશનરે પાકિસ્તાની વિદેશ સચિવની મુલાકાત લીધી હતી. તેમણે પાકિસ્તાનને અપીલ કરી છે કે તેઓ કુલભૂષણને ભારતીય રાજદૂતને મળવાની મંજૂરી આપે, પરંતુ પાકિસ્તાને આ અપીલ ફગાવી દીધી છે.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાની હાઇ કમિશને વિદેશ મંત્રાલયને જણાવ્યું હતું કે ૧૭ એપ્રિલે દિલ્હીમાં યોજાનારી એમએસએ-આઇસીજી મિટિંગને સ્થગિત કરી દેવામાં આવી છે. આ અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી પર બે વિવાદી પવનચક્કી પ્રોજેકટના સંદર્ભમાં થનારી વાટાઘાટ પણ સ્થગિત કરી દીધી હતી. આ વાટાઘાટ અમેરિકામાં ૧૧-૧૩ એપ્રિલ દરમિયાન યોજાનાર હતી.
http://sambhaavnews.com/

You might also like