કુલપતિએ યુનિવર્સિટીમાં વોચ ડોગની નવી પોસ્ટ ઊભી કરી!

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં એકસાથે ર૮ કર્મચારીઅો નિવૃત્ત થયા બાદ કુલ ૩૪ કર્મચારીઅોની એકસાથે બદલી કરવામાં અાવી છે. અા બદલીમાં કુલપતિએ એક નવી વધારાની પોસ્ટ ઊભી કરીને તેને વોચ ડોગનું નામ અાપ્યું છે. અા અંગે નવનિયુક્ત રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે હું હાજર થયાે તે પહેલાં કુલપતિના અાદેશથી અા બદલીઅો કરવામાં અાવી છે. અાથી વિશેષ હું જાણતો નથી.
ગુજરાત યુનિવર્સિટીમાં ગત તા.૧૪ જૂનના રોજ એકસાથે વિવિધ વિભાગના કુલ ર૮ કર્મચારીઅો નિવૃત્ત થયા છે, જેના અંતર્ગત કુલપતિના અાદેશ મુજબ બે દિવસ પહેલાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. એન. કે. જૈને એકસાથે વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અને વિવિધ કેડરના ૩૪ કર્મચારીઅોની બદલીના અોર્ડર કર્યા હતા, જેમાં સૌથી ખાસ અને મહત્ત્વની બાબત એ હતી કે લાઈફ સાયન્સ વિભાગમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમારને એક વધારાની જગ્યાનો હવાલો અપાયો છે. અા વધારાની જવાબદારીમાં તેમણે વોચ ડોગ તરીકેની ફરજ બજાવવાની રહેશે. અા વોચ ડોગની સોંપાયેલી જવાબદારી યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બની છે.
અા અંગે નવનિયુક્ત ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે અા અોર્ડર મારા હાજર થયાના અાગલા દિવસે અગાઉના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.એન. કે. જૈને કુલપતિના અાદેશ મુજબ કર્યો છે, તેથી અા મામલે મને વધુ જાણકારી નથી, પરંતુ હું માનું છું ત્યાં સુધી અા વોચ ડોગની જવાબદારી એટલે કે યુનિવર્સિટી કેમ્પસમાં અાવેલા તમામ વિભાગોમાં ચાલતી કાર્યવાહી ઉપર દેખરેખ રાખવાની હોઇ શકે છે.

You might also like