કુબેરનગરમાં પથ્થર-પાઈપથી યુવકની હત્યા કરી ત્રણ શખસોનો અાતંક

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ કુબેરનગરમાં મોડી રાતે ત્રણ શખસોએ એક વ્યક્તિની જાહેરમાં લોખંડની પાઇપ અને પથ્થર મારીને હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. હુમલાખોરોએ હત્યા કર્યા બાદ ઘટનાસ્થળ પર આવેલી દુકાનોમાં તોડફોડ કરી લૂંટ કરવાની કોશિશ કરતાં સ્થાનિકોએ તેમને પકડીને ઢોર માર મારી અધમુઅા કરી દીધા હતા.

સરદારનગરમાં આવેલ નહેરુનગરના એફ વોર્ડમાં રહેતા પૂનમભાઇ ચુનીલાલ સોલંકીએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં મૂકેશ ઉર્ફે ટેક્સી, કિશન ચમનભાઇ પરમાર અને અજય મોતીભાઇ બાવરી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ગઇ કાલે રાત્રે ફરિયાદીના સંબંધી દેવેન્દ્રભાઇ ઉર્ફે દેવકુમાર શાંતિલાલ સોલંકી (રહે. એફ વોર્ડ, નહેરુનગર) કુબેરનગર ખાતે આવેલ દેવલાલી બજારના આઝાદ ચોક પાસે મહાદેવ ટી સ્ટોલ પાસે ઊભા હતા. તે સમયે મૂકેશ, કિશન અને અજય તેની પાસે આવ્યા હતા અને મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.

દરમિયાનમાં ત્રણેય આરોપીઓએ દેવેન્દ્રભાઇ પર લોખંડની પાઇપ અને પથ્થર વડે હુમલો શરૂ કરી દીધો હતો. દેવેન્દ્રભાઇની હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓએ તે જ વિસ્તારમાં આવેલી દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને એક મોબાઇલની દુકાનમાં ચપ્પુ બતાવી લૂંટ કરવાની કોશિશ કરી હતી. ત્રણેય આરોપીઓએ વિસ્તારમાં મચાવેલા આતંક બાદ લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાંઽ જેમાં ત્રણ આરોપી પૈકી એક આરોપી અજય ભાગી ગયો હતો. તે સમયે ફરિયાદી પૂનમભાઇ ત્યાંથી પસાર થતા હતા ત્યારે દેવેન્દ્રને લોહીથી લથપથ હાલતમાં જોયો હતો. પૂનમભાઇએ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવીને દેવેન્દ્રને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્રભાઇની પત્ની મીના અને અન્ય ત્રણ-ચાર મહિલાઓ ચાર-પાંચ દિવસ પહેલાં રસોડાના કામ માટે મોડી રાતે રિક્ષામાં જઇ રહ્યાં હતાં તે સમયે આરોપી મૂકેશ અને અન્ય શખસોએ તેમની સાથે બીભત્સ વર્તન કર્યું હતું અને મીનાબહેનને લાકડીથી ફટકાર્યાં હતા. આ મામલે મીનાબહેને સરદારનગર પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખી દેવેન્દ્રભાઇની હત્યા કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.

સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.ઝાલાએ જણાવ્યું છેકે આરોપી મૂકેશ ઉર્ફે ટેક્સી વિરુદ્ધમાં દેવેન્દ્રની પત્નીએ ફરિયાદ કરી હતી. હાલ મૂકેશ અને કિશનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. દેવેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હત્યા કરવા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like