કૃષ્ણનગરમાં મોડી રાતે બે જૂથ બાખડ્યાંઃ બેને ગંભીર ઈજા

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ચેહરનગરમાં એક મકાન પાસે ગાય-ભેંસ રાખવા બાબતે મોડી રાતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાતાં મામલો બીચક્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે બે જૂથ વચ્ચે સામસામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ચહેરનગરમાં રહેતા દેવાંગ પ્રધાન તેમજ તેના પાડોશમાં રહેતા ઇશ્વરભાઇ દેસાઇ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મકાનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. દેવાંગના મકાન પાસે ઇશ્વરભાઇએ ગાય-ભેંસ બાંધતાં અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.

ગઇ કાલે દેવાંગના મકાનનું કોર્ટ કમિશન કરવા માટે અધિકારીઓ આવ્યા હતા. તે સમયે ઇશ્વરભાઇ અને દેવાંગ વચ્ચે બોલાચાલી થઇ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે ઇશ્વરભાઇ તેમના પુત્ર દેવરાજ અને રબારી સમાજના અન્ય લોકોએ દેવાંગના મકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ચાર વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે દેવાંગ તથા તેના ભાઇ યોગેશ પ્રધાને પણ હુમલો કર્યો હતો. સામસામે એકબીજા પર પથ્થરમારો કરતાં ઇશ્વરભાઇ તેમજ યોગેશને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાંઓને વેરવિખેર કર્યાં હતાં. કૃષ્ણનગર પોલીસે ઇશ્વરભાઇ તેમજ યોગેશની સામસામે ફરિયાદ લઇ તપાસ શરૂ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like