‘બરેલી કી બર્ફી’નો ખૂબ ફાયદો થયોઃ ક્રીતિ સેનન

પહેલી જ ફિલ્મ ‘હીરોપંતી’ હિટ રહ્યા બાદ ક્રીતિ સેનનને સારી સારી ફિલ્મો મળવા લાગી. તેની આજ સુધીની બધી ફિલ્મો હિટ રહી છે. તેની ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ હિટ રહી તેનો પણ તેને ખૂબ જ ફાયદો થયો. તે કહે છે કે ‘બરેલી કી બર્ફી’ હિટ થયા બાદ પ્રખ્યાત ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે મને આગામી ફિલ્મ ‘છુરિયા’માં કાસ્ટ કરી.

રાજસ્થાનના બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મમાં બે બહેનોની કહાણી છે, જેમની વચ્ચે ખૂબ જ દુશ્મની છે. આ બંને હંમેશાં એકબીજાને ગાળો આપતી રહે છે. ક્યારેક ક્યારેક છરીથી એકબીજા પર વાર પણ કરી દે છે. આ ફિલ્મમાં ક્રીતિ નાની બહેનનું પાત્ર ભજવશે. મોટી બહેન માટે અભિનેત્રી હજુ ફાઇનલ નથી, પરંતુ શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહા, ભૂમિ પેડનેકર, વાણી કપૂર કે પરિણી‌િત ચોપરા હોઇ શકે છે.

નિર્દેશક મોહિત સૂરીની સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર સ્ટારર હિટ ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલમાં પણ ક્રીતિ કામ કરી શકે છે. સિદ્ધાર્થનું નામ ફાઇનલ થઇ ચૂક્યું છે, જોકે ક્રીતિ તરફથી હજુ ફાઇનલ જવાબની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત ક્રીતિ ડિરેક્ટર સૌરભ શુક્લાની નવી ફિલ્મ કરી રહી છે.

નિર્દેશક તરીકે ઘણાં વર્ષ બાદ પરત ફરનારા નિર્દેશકની ફિલ્મ એક સોશિયલ ડ્રામા હશે, જેમાં એક મજબૂત કહાણી સાથે ફુલ એન્ટરટેઇન્મેન્ટ હશે. ક્રીતિ કહે છે કે હું તે ફિલ્મનો ભાગ બનીને ગર્વ અનુભવી રહી છું. •

You might also like