કૃષ્ણનગર-નવા નરોડા-બાપુનગરમાં છ રાઉન્ડ ફાયરિંગઃ યુવાન ઘાયલ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ૧૮ કલાકમાં માથાભારે તત્ત્વો અને સિક્યોરિટી ગાર્ડના પરિવારજનોઅે છ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઈ હતી. ફાયરિંગ ઉપરાંત તલવારથી પણ હુમલો કરાતાં ચાર જણા ઘાયલ થયા હતા. જ્યારે ફાયરિંગમાં એક યુવાનને ગંભીર ઇજા થઈ હતી.

શહેરના કૃષ્ણનગર અને બાપુનગરમાં કુખ્યાત ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરીતોએ સિક્યોરિટી ગાર્ડ ભગીરથસિંહ અને અન્ય એક યુવક પર રિવોલ્વર વડે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં બાપુનગરનાે ઇશ્વર ઠાકોર ગંભીર રીતે ઘવાતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગઇ કાલે મોડી રાત્રે સમાધાન માટે ભેગા થયેલા ભ‌ગીરથસિંહના બે પુત્રોએ નિવૃત્ત આર્મીમેન સહિત ચાર વ્યક્તિઓ પર તલવાર વડે હુમલો કરીને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

કૃષ્ણનગરમાં આવેલ રામેશ્વર બંગલોમાં રહેતા ભગીરથસિંહ રાજપૂતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રવિવારે વહેલી પરોઢે ભગીરથસિંહ તેમના પરિવાર સાથે ધાબા પર સુતા હતા તે સમયે વ્હાઇટ કલરની કાર લઇને ધર્મેન્દ્ર બારડ તેના સાગરીતો સાથે આવ્યો હતો અને ભગીરથસિંહને ઉઠાડ્યા હતા. ભગીરથસિંહ ધાબાની પાળી પાસે આવતાં ધર્મેન્દ્ર બારડ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ભગીરથસિંહનો આબાદ બચાવ થયો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિત કૃષ્ણનગરની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

ફાયરિંગ કરીને ફરાર થઇ ગયેલા ધર્મેન્દ્ર બારડ અને તેના સાગરીતો બાપુનગર વિસ્તારમાં આવેલી અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવલી આશાપુરાની ચાલીના ગેટ પાસે પહોંચ્યા હતા. ચાલીમાં રહેતા મયૂરધ્વજસિંહ વાઘેલા અને ઇશ્વર ઠાકોરે તેમને ઊભેલા જોઇને કારમાંથી અમિત ધીરુભાઇ ઝાલા, બિલ્લો, સૌમિલ ઉર્ફે સીટુ ક્રિશ્ચિયન, તથા બાલી ધીરુભાઇ ઝાલા કારમાંથી ઊતર્યા હતા. મયૂરધ્વજસિંહ પાસે જઇને અમિત અને સીટુએ માર મારવાનું શરૂ કર્યું હતું. ઇશ્વરે ભાગવાની કોશિશ કરતાં સૌમિલ ઉર્ફે સીટુએ રિવોલ્વરથી તેના પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ચાલીમાં બુમાબુમ થઇ જતાં આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા ત્યારે ઇજાગ્રસ્ત ઇશ્વરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાપુનગર પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ગઇ કાલે મોડી રાતે પણ ભગીરથસિંહના બે પુત્રોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. ભગીરથસિંહ પર થયેલા ફાયરિંગ કેસમાં સમાધાન માટે નવા નરોડા વિસ્તારમાં આવેલ શીરોમણિ સોસાયટીમાં નિવૃત આર્મીમેન અખિલેશ ઉદયસિંહ તોમરના મકાનમાં ભેગા થયા હતા. સમાધાન દરમિયાન મામલો ગંભીર બનતાં ભગીરથસિંહના બે પુત્ર રાજુ અને મંદિપે અખિલેશ, શિવસિંહ, અમિત અને સીમા પર તલવાર વડે હુમલો કર્યો હતો અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં તમામ વ્યકિતઓને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે મોડી રાતે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર બારડ, સૌમિલ ઉર્ફે સીટુ, પ્રેમ તોમર, બિલ્લા અને રાજ ગુર્જરે બાપા સીતારામ ચોક પાસે આવેલી બોમ્બે ફેશનમાંથી રાજેશ સિકરવાર નામના યુવકનું અપહરણ કરીને દાસ્તાન ફાર્મ સર્કલ પાસે લઇ જઇને ઢોર માર માર્યો હતો. રાજેશના કાકા ભગીરથસિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે કૃષ્ણનગરના સરદારચોક પાસે ધર્મેન્દ્ર બારડે તેમનું બાઇક રોક્યું હતું. ભગીરથસિંહ બોલે તે પહેલાં ધર્મેન્દ્રએ તેમની પર ઉપરા છાપરી ત્રણ ખંજરના ધા ઝીંકી દીધા હતા અને તેમની 32 બોરની લોડેડ રિવોલ્વર લુંટીને ફરાર થઇ ગયા હતા

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રએ લૂંટેલી રિવોલ્વર વડે ભગીરથસિંહ પર ત્રણ રાઉન્ડ તેમજ બાપુનગરમાં ઇશ્વર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. કૃષ્ણનગર અને બાપુનગર વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં સતત આતંક મચાવનાર ધર્મેન્દ્ર, બિલ્લો, સૌમિલ, બાલી, રાજ ગુર્જરને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. રવિવારે વહેલી પરોઢે આ ટોળકીએ ફાયરિંગ સિવાય અનેક નાની માેટી બબાલો પણ કરી હોવાનું સામે આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like