પાકિસ્તાનમાં પહેલી હિંદુ મહિલા બનશે સીનેટર, 3માર્ચે થશે ચૂંટણી

સત્તારૂઢ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીએ કહ્યું છે કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારથી કૃષ્ણાકુમારી કોલ્હી મુસ્લિમ બહુલ દેશમાં પહેલી હિંદુ મહિલા સિનેટર હશે. પાકિસ્તાનના ચૂંટણી આયોગે 39 વર્ષીય કોલ્હીનું નામાંકન પત્ર મંજૂર કરી લીધું છે.

પીપીપી પાર્ટીએ લઘુમતીની સીનેટની જગ્યા પર કોલ્હીનું નામાંકન પત્ર ભર્યું છે. ચૂંટણી 3 માર્ચે થશે. પીપીપીના એક પ્રવક્તાએ કહ્યું છે કે, ‘કોલ્હી પાકિસ્તાનમાં સીનેટર બનનારી પહેલી દલિત મહિલા હશે.’ ઉલ્લેખનીય છે કે કોલ્હીની જાતિનો ઉલ્લેખ પાકિસ્તાની અનુસૂચિત જાતિ અધ્યાદેશ 1957માં છે.

પહેલા બિન મુસ્લિમ સીનેટરને નામિત કરવાનો શ્રેય પણ પીપીપી પાર્ટીના માથે જ છે, જેણે 2009માં એક દલિત ડૉ. ખાટુમલ જીવનને સામાન્ય સીટથી સીનેટર તરીકે પસંદ કર્યા હતા. 2015માં સીનેટર ચૂંટાયેલા એન્જિનીયર જ્ઞાનીચંદ બીજા દલિત હતા.

બિલાવલ ભુટ્ટો જરદારીના નેતૃત્વવાળી પીપીપીએ 2012માં સિંધથી બિનમુસ્લિમ માટે આરક્ષિત સીટ પર સીનેટર તરીકે હરીરામ કિશોરીલાલને નામાંકિત કર્યા હતા. કૃષ્ણાકુમારી કોલ્હી સિંધ રાજ્યના થારના નગરપારકર જિલ્લાના એક ગામની રહેવાસી છે.

સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવતી કૃષ્ણાકુમારી કોલ્હી જો નગરપારકર જિલ્લામાંથી ચૂંટણી જીતી જશે તો તે મુસ્લિમ દેશમાં પહેલી મહિલા હિંદુ સીનેટર બનશે. કોલ્હી એક સ્વતંત્રતા સેનાની તરીકે પીપીપી પાર્ટીમાં સામેલ થઈ હતી. બાદમાં તેમને બેરેનોથી યુનિયન કાઉન્સિલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

You might also like