શહેર બન્યું કૃષ્ણમયઃ જન્માષ્ટમીની ઉજવણી ચારેકોર

અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસના શ્રાવણી પર્વ શૃંખલાની રવિવારથી શરૂઆત થઇ છે. ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યભરના લોકો કૃષ્ણમય બની ગયા છે. શહેરનાં સુપ્રસિદ્ધ મંદિરોમાં ગઇ કાલે શીતળા માતાની ભાવભેર પૂજા થઇ હતી. અનેક સ્થળોએ શ્રદ્ધાળુઓ ટાઢું ખાવાની પરંપરા સાથે શીતળા માતાના મંદિરે પૂજન અર્ચન કર્યું હતું. ત્યારે આજે શ્રાવણ માસના મોટા પર્વ એટલે જન્માષ્ટમીની ઉજવણી ઠેર ઠેર થઇ રહી છે.

શહેરનાં અનેક મંદિરમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યાં છે. વૈષ્ણવ મંદિરો-હવેલીમાં અભિષેક, હિંડોળા અને નંદ મહોત્સવની ભાવભેર ઉજવણી ચાલી રહી છે.

આજે  રાત્રે ૧રના વાગ્યે  લાખો ભક્તો કૃષ્ણભક્તિના રંગે રંગાશે. યાત્રાધામ ડાકોર ખાતે રાત્રે ૧રના ટકોર ભગવાને પંજરી ધરાવાશે અને ત્યારબાદ શ્રીજીને આભૂષણ-શણગાર સાથે રત્નજ‌િડત મુગટ ધારણ કરાવાશે.

તમામ મંદિર, વૈષ્ણવ હવેલી રાત્રે ૧ર કલાકે જય કનૈયા લાલ કીના નાંદ ગુંજી ઊઠશે. ઠાકોરજીને દૂધ-દહીં-મોરસ અને કેસરથી સ્નાન કરાવાશે. મિસરી, મગસ અને પંજરીનો પ્રસાદ ધરાવાશે. વર્ષોની પરંપરા અનુસાર  ડાકોર મંદિરમાં રાઇફલથી હવામાં ધડાકો કરી મંદિરની દીવાલો ઉપર કંકુના થાપા લગાવી કૃષ્ણજન્મને વધાવવામાં આવશે. કૃષ્ણને પારણે ઝુલાવી વહેલી સવારે મહાભોગની આરતી બાદ શ્રીજીને પોઠાડી દેવાશે.

રૂ. ૧૦૦થી ર૦,૦૦૦નાં પારણાં અને શણગારખરીદવા ભીડ
જન્માષ્ટમી અને કૃષ્ણજન્મની ઉજવણી નિમિત્તે ભગવાન કૃષ્ણના શણગાર અને ખાસ કરીને પારણાં ખરીદવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂ.૧૦૦થી શરૂ કરીને ર૦ હજાર સુધીનાં પારણાંની ખરીદી થઇ રહી છે તો ભગવાન માટે ફેશનેબલ વાઘામાં જરદોસી, મોરપીંછ, મોતી, અમેરિકન ડાયમંડવાળા વાઘાની ડિમાન્ડ વધી છે. આધુનિક રમકડાં, ગોપી-ગોવાળિયાના રાસ રમતાં રમકડાંની ખરીદી ધૂમ થઇ રહી છે.

જન્માષ્ટમી નિમિત્તે ડાકોર દર્શને જતા ભક્તો માટે ખાસ આણંદ-ડાકોર સ્પેશિયલ ટ્રેન આજે રાત્રે ૧.૦પ વાગે ઉપડશે, જે રાત્રે ૩.પપ કલાકે પરત થશે.

You might also like