ભગવાન છે તો કેમ દેખાતા નથી?

શું આ બ્રહ્માંડમાં ભગવાન કે કોઇ સુપર પાવર છે? આ પ્રશ્ન ઘણાને મૂંઝવતો હોય છે. આવા જિજ્ઞાસુના મનમાં જ્યારે આ પ્રશ્ન આવે છે ત્યારે તે તેનો જવાબ મેળવવા પોતે જેને ઉત્તમ પુરુષ કે ઉત્તમ ગુરુ ગણી પૂજતો હોય તેને આ પ્રશ્ન પૂછે છે. તેને કેવો જવાબ મળે છે તે આપણે નથી જાણતા, પરંતુ આ પ્રશ્નના જવાબમાં આપણે અહીં કેટલાક મુદ્દા જોઇ તે સમજવાની કોશિશ કરીએ, જેથી આપણને ઉપરના પ્રશ્નનો જવાબ મળે અથવા તેનું યોગ્ય સમાધાન તો થઇ જ શકે.
જો કોઇ જિજ્ઞાસુ આ પ્રશ્ન પંડિતોને પૂછે તો લગભગ દરેક પંડિત તેનો જુદો જુદો જવાબ આપતા હોય છે. ઘણા લોકો પૂછતા હોય છે કે, “કોઈ વસ્તુનું અસ્તિત્વ હોય તો આપણને કમ સે કમ દેખાવું તો જોઇએને?” આજે આપણને ભગવાનનાં દર્શન નરી આંખે થઇ શકતાં નથી. જ્યારે વેદો કહે છે કે, ‘બ્રહ્મ એટલે શું?’ સર્વ ખલુ ઇદં બ્રહ્મ. અર્થાત્ દરેક વસ્તુમાં બ્રહ્મ વ્યાપ્ત છે. બ્રહ્મ એને જ કહી શકાય કે જે કણ કણમાં વ્યાપ્ત હોય. ભગવાન આપણને કેમ દેખાતા નતી તેનો જવાબ આપણે શ્રીમદ્ ભગવદ્ગીતાના સંદર્ભમાં જોઇએ.
પહેલી વાત એ કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે માયાનું બહુ મોટું આવરણ છે. આ માયાના આવરણને લીધે ભગવાન હોવા છતાં આપણને દેખાતા નથી. શ્રીમદ્ ભગવદ્ગીતા આપણને એવી દિવ્ય દૃષ્ટિ આપે છે કે જેનાથી આપણને ભગવાનનાં દર્શન થાય. હું દરેકને વિનંતી કરીશ કે ઘરના વડીલોએ આપણામાં સદ્સંસ્કાર આવે તે માટે શ્રીમદ્ ભાગવત વસાવ્યું હોય તો તે કબાટમાંથી કાઢી શાંત ચિત્તે એક વખત અવશ્ય વાંચવું જ રહ્યું, જેતી તમારા આ જન્મનું જ નહીં, પરંતુ આવતા સાત જન્મનું કલ્યાણ થઇ જશે.
બીજું, કોઇ પણ વસ્તુને જોવા માટે ઓછામાં ઓછો પ્રકાશ તો જોઇએ જ. બાકી સાવ અંધકારમાં તો ઘુવડ અથવા કોઇ નિશાચરને જ દેખાય. માનવના જીવનમાં અજ્ઞાનતા મોટામાં મોટો અંધકાર છે. પછી તેને ક્યાંથી આટલા અંધકારમાં ભગવાન દેખાય? જો શ્રીમદ્ ભાગવત વાંચ્યું હશે તો તમારા કોઇ જન્મમાં તમારાં પુણ્ય પાકતાં તમને ભગવાન જરૂર દેખાશે જ.
ત્રીજું, જ્યારે કોઇ વસ્તુ આપણી સામે મૂકેલી છે, પરંતુ આપણે જ તેના તરફ પીઠ ફેરવીને બેસી ગયા હોઇએ તો આપણને તે વસ્તુ ક્યાંથી દેખાય? આંખ સામેનું દૃશ્ય આપણને દેખાય છે, પણ આંખ પાછળનું દૃશ્ય આપણને કેમ કરીને દેખાય? આજે આપણે પરમાત્માથી વિમુખ થયા છીએ. તેથી આપણને ભગવાન દેખાતા નથી. જો તમારે ભગવાનનાં દર્શન કરવાં હોય તો દરેકને સુખી કરજો.
કોઇનીય હાય કે બદદુવા લેશો નહીં. જીવનમાં થોડો સમય કાઢીને ભાગવત કે અન્ય કોઇ પણ ધર્મગ્રંથ જરૂર વાંચજો.
ચોથું, આપણને ભગવાન હોવા છતાં દેખાતા નથી, કારણ કે આપણા હૃદયમાં છ શત્રુ છુપાઇને બેઠા છે, જેથી આપણને કાંઇ જ દેખાતું નથી. જો તમારે ભગવાનનાં દર્શન કરવા જ હોય તો સૌપ્રથમ તમે સરળ બનો. આવાં તો હજાર કારણ છે કે જેને કારણે આપણને ભગવાન હોવા છતાં દેખાતા નથી.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like