કોતરપુરમાં ચાલુ ચોમાસાની સિઝનનો સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ: ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં હજુ સુધી જોઇએ તેવી મેઘ મહેર થઇ નથી. અમદાવાદ જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે મ્યુનિસિપલ તંત્રને એલર્ટ કરાયું છે, જોકે શહેરમાં ગઇ કાલના સવારના છ વાગ્યાથી આજે સવારના છ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં નહીંવત્ વરસાદ નોંધાયો છે.

પાલડીના ટાગોર હોલ ખાતે સ્થિત મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલ રૂમનાં સૂત્રો વધુમાં જણાવે છે કે કોતરપુર બાદ ઓઢવમાં સાડા પાંચ ઇંચ, મણિનગરમાં પાંચ ઇંચ,નરોડામાં પોણા પાંચ ઇંચ, ચકુડિયા મહાદેવ ખાતે સાડા ચાર ઇંચ અને ખમાસા-દાણાપીઠ ખાતે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બોડકદેવમાં સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ઝોનવાઇઝ વરસાદની વિગત તપાસતાં ઉત્તર ઝોનમાં સાડા ચાર ઇંચ, પૂર્વ ઝોનમાં સાડા ચાર ઇંચ, દક્ષિણ ઝોનમાં સવા ચાર ઇંચ, મધ્ય ઝોનમાં ત્રણ ઇંચ, પશ્ચિમ ઝોનમાં અઢી ઇંચ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો બે ઇંચ વરસાદ મ્યુનિસિપલ તંત્રના ચોપડે નોંધાયો છે, જ્યારે ચાલુ ચોમાસાની સિઝનમાં શહેરમાં સરેરાશ પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

દરમિયાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગઇ કાલે રાત્રે શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે ઇજનેરી વિભાગના ઉચ્ચ અધિકારી સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં વરસાદી પાણી ભરાવાને લઇને કડક ચેતવણી આપતાં નવા કમિશનર નહેરા એ જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઇન સાફ થઇ હોય તેવા વિસ્તારમાં પાણી ભરાશે તો અધિકારી અને કોન્ટાકટર સામે કડક પગલાં લેવાશે.

You might also like