કોલ્લમ મંદિરની દુર્ઘટના બાદ ૪૧ પરિવારનું માનસિક સંતુલન ડામાડોળ

કોલ્લમ: કેરળના કોલ્લમ ખાતેના પુર્તિગલ મંદિરમાં આગ લાગતાં ૧૨૩ લોકોના મોત થયાં હતાં. ત્યારે આ ખોફનાક ઘટના બાદ ૪૧ જેટલા પરિવારના લોકો પાગલપણાનો ભોગ બની ગયા છે. આ પરિવારના લોકો ચૂલાની આગ જોઈને પણ તેમના ઘર બહાર ભાગવા લાગે છે.

મંદિરમાં આતશબાજી વખતે ફટાકડાના સ્ટોરમાં આગ લાગતાં ૧૨૩નાં મોત થયાં હતાં. તેમજ ૪૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ ઘટના બાદ આજે કેટલાક પરિવારના સભ્યો ઘરમાં વાસણ પડે તો તેના અવાજથી ચીસાચીસ કરી રડવા લાગે છે. તેમની આસપાસ જો ગાડીની લાઈટ પડે અથવા કોઈ અવાજ આવે તો ગભરાઈ જાય છે. આગથી ગભરાઈ ગયેલા આ પરિવારના સભ્યોની હાલત એટલી ગંભીર છે કે તેમના માટે સાઈકિયાટ્રીસ્ટની એક ટીમ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી છે. કોલ્લમ ડિસ્ટ્રિકના સાઈકિયાટ્રીસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ડો. રમેશ ચંદ્રન પાસે ૪૧ એવા પરિવારની યાદી છે કે જેમને સતત પાગલપણાની સારવારની કાઉન્સેલિંગ થઈ રહી છે.

ડો. ચંદ્રનના જણાવ્યા મુજબ જે લોકો ગંભીર રીતે આઘાતમાં છે તેવા લોકોની સમયસર સારવાર કરવામાં ન આવે તો તેમની પાગલપણાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હજુ પણ અનેક લોકો એવા છે કે તેઓમાં આ ઘટનાનો ખોફ જોવા મળે છે. ત્યારે જો 15 દિવસથી વધુ સમય તેમની હાલત આવી જ રહે તો તેઓ માનસિક રીતે બીમાર થઈ શકે છે.

આ અંગે કેમ્પમાં સારવાર આપતા ડો. સંધ્યાના જણાવ્યા અનુસાર કોલ્લમ મંદિરની ઘટના બાદ તેનાથી અસર પામેલા ૬,૦૦૦થી વધુ લોકોને સારવાર આપાવામાં આવી છે. જે લોકો બચી ગયા છે અથવા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો હજુ ડિપ્રેશનમાં છે. તેમના પરિવારના લોકો તેમને ડોકટર પાસે લઈ જઈ રહ્યા છે. તેમની મેડિકલ ટીમ દ્વારા સારવાર થઈ રહી છે. હાલ ટીમ ઘેરઘેર જઈને એવા લોકોની તપાસ કરી રહી છે. જે આ ઘટના બાદ વારંવાર અસામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

ડો. મહેશના જણાવ્યા અનુસાર અનેક લોકો એટલા ગભરાયેલા છે કે તેઓ ઘરમાં ચૂલો સળગે તો પણ બહાર ભાગવા લાગે છે. આવી ઘટનાની જાણ થતા જ મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય છે. અને કાઉન્સેલિંગ કરે છે.

You might also like