૫૦૦મી ટેસ્ટ બાદ કોલકાતા વધુ એક ઐતિહાસિક પળની રાહ જોઈ રહ્યું છે

નવી દિલ્હીઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ કોલકાતામાં રમાવાની છે. કાનપુર ટેસ્ટની એ મેચ પણ ઐતિહાસિક બની રહેશે. ૩૦ સપ્ટેમ્બરથી ઈડન ગાર્ડન્સ પર રમાનારી એ ટેસ્ટ ટીમ ઇન્ડિયાની ભારતની ધરતી પર ૨૫૦મી ટેસ્ટ હશે. ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (સીએબી) આ મેચને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. ભારત ભલે સૌથી વધુ ટેસ્ટ રમવાના મામલે ચોથા નંબર પર હોય, પરંતુ તે પોતાના ઘરઆંગણે ટેસ્ટ મેચ રમવાના મામલે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ ત્રીજા નંબર પર છે.

ભારત માટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ શ્રેણી ઐતિહાસિક મહત્ત્વવાળી છે. આ બંને ટીમ વચ્ચે કાનપુરમાં પહેલી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ છે, જે ભારતની ૫૦૦મી ટેસ્ટ છે. બીસીસીઆઇ આનો જશ્ન મનાવી ચૂકી છે અને કોલાકાતમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ ભારતની ધરતી પરની ૨૫૦ ટેસ્ટ મેચ હશે. આ ટેસ્ટ પણ ઐતિહાસિક બની રહેશે.આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તથા ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે બંગાળ ક્રિકેટ એસોસિયેશન ઘણાં પગલાં ભરશે. આ અંતર્ગત ગરીબ બાળકોને મેચ જોવાથી માંડીને સ્કૂલ્સ અને ક્લબ્સને નિઃશુક્લ પાસ અપાશે.

બંગાળ ક્રિકેટ એસોસિયેશન ૩૦ સપ્ટેમ્બરે ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમને સન્માનિત કરવાની યોજના બનાવી રહ્યું છે. બંગાળના બે ખેલાડી (મહંમદ શામી અને રિદ્ધિમાન સાહા) હાલ ભારતીય ટીમમાં સામેલ છે. સીએબી દ્વારા તેમને મેચના બીજા દિવસે અલગથી સન્માનિત કરાશે. સીએબી આ મેચ માટે લાયન્સ ક્લબ સાથે મળીને રાજ્યનાં ૪૦૦૦ ગરીબ બાળકોને મફતમાં આ ટેસ્ટ મેચ દેખાડશે. સીએબી દ્વારા સ્કૂલ્સ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકેલી ૪૪ સ્કૂલને નિઃશુક્લ પાસનું વિતરણ કરશે.

You might also like