કોલકાતાની વધુ એક સિદ્ધિઃ ગોબર ગેસથી ચાલી ભારતની પહેલી બસ 

કોલકાતા: ટ્રામ, હાથરિક્ષા, દેશમાં પહેલી મેટ્રો ટ્રેન સેવા, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પહેલાંથી જ કોલકાતાના નામે ઘણી સિદ્ધિઓ છે. ગઇ કાલે આ સિદ્ધિમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને તે છે ગોબર ગેસથી ચાલતી બસ. ભારતમાંં આ પ્રકારની પહેલી બસ કોલકાતામાં શરૂ થઇ છે.

આ બસમાં માત્ર એક રૂપિયામાં ઉલ્ટાડાંગાથી ગરિયા સુધી ૧૭.પ કિ.મી.ની સફર કરી શકાશે. આ દેશમાં સૌથી સસ્તી યાત્રી વાહનવ્યવહાર સેવા હશે. આ બસને વૈકલ્પિક ઊર્જા પ્રદાન કરનાર કંપની ફોનિકસ ઇન્ડિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગ્રૂપે લોન્ચ કરી છે.

ફોનિક્સના અધ્યક્ષ જ્યોતિ પ્રકાશ દાસે જણાવ્યું કે અમે ત્રણ વર્ષ પહેલાં અક્ષય ઊર્જા મંત્રાલયના સેન્ટ્રલ સબસિડી પ્લાન હેઠળ આ યોજના તૈયાર કરી હતી. આજે તે સાકાર થઇ છે. આ માત્ર ભારત જ નહીં, પરંતુ દ‌િક્ષણ-પૂર્વ એશિયામાં ગોબર ગેસથી ચાલનારી પહેલી બસ છે.

પ૪ સીટવાળી આ બસને અશોક લેલેન્ડે લગભગ ૧૩ લાખ રૂપિયાની કિંમતથી તૈયાર કરી છે. તેને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતો ગોબર ગેસ વીરભૂમ જિલ્લાના દુબરાજપુર સ્થિત પ્લાન્ટમાં તૈયાર થાય છે. પ્રતિકિલો ગોબર ગેસના ઉત્પાદનમાં રૂ.ર૦નો ખર્ચ થાય છે. બસમાં જર્મન ટેકનોલોજીવાળું એન્જિન લાગેલું છે. જ્યોતિ પ્રકાશે ભાવિ યોજનાઓ અંગે કહ્યું કે આ વર્ષે મહાનગરમાં વિવિધ રૂટ પર આ પ્રકારની વધુ ૧પ બસ ફરતી કરાશે.

પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં પણ જલદી બસ શરૂ કરાશે. હાલમાં કોલકાતામાં ડીઝલથી ચાલતી બસોનું ન્યૂનતમ ભાડું રૂ.૬ છે, જે ૧૭ કિ.મી. સુધી વધીને રૂ.૧ર થાય છે.

ગોબર ગેસને બાયો ગેસ પણ કહેવાય છે. તે પ્રાણીઓના મળ અને કચરામાંથી તૈયાર થાય છે, તેમાં મુખ્ય રીતે મિથેન હોય છે. આ એક બિનઝેરી જ્વલનશીલ ગેસ છે, જેનો ઉપયોગ વાહનોમાં ઇંધણના રૂપમાં, ભોજન બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે.
http://sambhaavnews.com/

You might also like