ધંધુકા સીટ માટે કોળી સમાજમાં ભાજપ સામે રોષ, આવતીકાલે સંમેલન રખાયું

ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી જ કેટલાય ઉમેદવારો નારાજ જોવા મળી રહ્યા છે. કેટલીય સીટો પર કોઈ પુત્ર માટે ટિકીટ માંગી રહ્યું છે, તો કેટલીય સીટ પર જાતિવાદના આધારે ટિકીટ માંગવામાં આવી રહી છે.

ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે અને હવે માત્ર 37 ઉમેદવારોના નામ બાકી છે, પરંતુ ઉમેદવારોમાં નારાજગીનો દોર સતત જોવા મળી રહ્યો છે. ધંધુકામાં પણ ટિકીટ વહેંચણીને લઈને કોળીસમાજમાં ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે.

રાણપુરના કોળી સમાજમાં ઉમેદવાર પસંદગીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રાણપુર ખાતે ભાજપના કોળી કાર્યકરોનું સંમેલન રાખવામાં આવ્યું છે. ધંધુકા બેઠક પરથી ભાજપે મૂળે બગોદરાના કાળુભાઈ ડાભીને ઉભા રાખ્યા છે. જો કે કોળી સમાજ તેમનો વિરોધ કરી રહ્યું છે. નારાજગીના પગલે કોળી સમાજના આગેવાનો અપક્ષમાં પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.

ધંધુકા સીટ પરથી ભાજપમાં ચંદુભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. ચંદુભાઈ અમદાવાદ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય છે. ચંદુભાઈની ટિકીટ કપાતા કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

You might also like