ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં કોહલી પાસેથી ‘વિરાટ’ ચમત્કારની આશા

બર્મિંગહમઃ વિદેશી ધરતી પર આસાન લક્ષ્ય સામે પત્તાંના મહેલની માફક તૂટી પડવાની ટીમ ઇન્ડિયાની જૂની-પુરાણી આદત છે. તેની આ આદત ઈંગ્લેન્ડ સામે બર્મિંગહમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં જોવા મળી. મેચના ત્રીજા દિવસે ૧૯૪ રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે ૭૮ રનના સ્કોર પર અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ચૂકી હતી, પરંતુ ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ફરીથી મોરચો સંભાળ્યો.

તેને સાથ આપ્યો દિનેશ કાર્તિકે અને આ બંનેએ ત્રીજા દિવસની રમત પૂરી ત્યાં સુધી વધુ કોઈ નુકસાન થવા દીધું નહીં અને સ્કોર ૧૧૦ રન પર પહોંચાડી દીધો. ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટ જીતવા માટે ૮૪ રનની જરૂર છે, મેચમાં હજુ બે દિવસની રમત બાકી છે.

ઈંગ્લેન્ડને જીતવા માટે ફક્ત પાંચ વિકેટની જરૂર છે. ગઈ કાલની રમત પૂરી થઈ ત્યારે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી (૧૪૯ રન) ફટકારનારો કોહલી ૭૬ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે ૪૩ રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે દિનેશ કાર્તિક ૪૪ બોલમાં બે ચોગ્ગા સાથે ૧૮ રને રમી રહ્યો છે. આમ, હવે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ભારતીય ચાહકોને કેપ્ટન વિરાટ પાસેથી એક ચમત્કારિક ઇનિંગ્સની આશા છે.

ભારતીય ઓપનર્સનો ફ્લોપ શો
લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત બહુ જ નિરાશાજનક રહી હતી. ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં જ મુરલી વિજય (૬)ને બ્રોડે એલબી આઉટ કરી દીધો હતો. તેનો જોડીદાર શિખર ધવન (૧૩) પણ બ્રોડની પછીની જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આ ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનર્સનો સંપૂર્ણપણે ફ્લોપ શો રહ્યો છે. બંને ઇનિંગ્સમાં ધવન-વિજયનું બેટ શાંત જ રહ્યું છે. આ ઉપરાંત શિખર ધવને તો મેચમાં કુલ ચાર કેચ ટપકાવ્યા છે.

ભારતના સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને બલિનો બકરો બનાવીને તેની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવેલાે કે. એલ. રાહુલ પણ બંને ઇનિંગ્સમાં અંગ્રેજ બોલર્સ સામે ટકી શક્યો નથી. આ ઉપરાંત ટીમના વાઇસ કેપ્ટન રહાણેએ પણ ભારતીય ચાહકોને નિરાશ કર્યા હતા.

આ બધું મળીને હવે ભારતીય પ્રશંસકો અને ટીમ ઇન્ડિયાની નજર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટકેલી છે. આજે મેચના ચોથા દિવસે ભારતીય ટીમને જીત અપાવવા માટે કોહલીએ એક ચમત્કારિક ઇનિંગ્સ રમવી પડશે.

You might also like