કોડિયાવાડાઃ ‘વતન કે રખવાલો’નું વતન વિકાસ ઝંખે છે

ઓગસ્ટ મહિનાની એક વરસાદી સવારનો ચારેક વાગ્યાનો સમય. અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે વસેલા માંડ ૬૦૦ જેટલાં કુટુંબ ધરાવતા એક ગામનાં અનેક ઘરોમાં આટલા વહેલા વીજળીની બત્તી ચાલુ થઈ ગઈ છે. થોડા કોલાહલ બાદ એક પછી એક ઘરોમાંથી ૧૨-૧૫ વર્ષના કેટલાક કિશોરો દોડતાં દોડતાં ગામની શેરીઓ વચ્ચેથી પસાર થવા માંડે છે.

તેમની સાથે શેરીનાં કૂતરાં પણ હરીફાઈ આપતા હોય તેમ દોડે છે. મુખ્ય રસ્તા પર ત્રણેક કિલોમીટરનું અંતર કાપીને ટોળું પાછું વળે ત્યાં ગામના નિવૃત્ત આર્મીમેનો કિશોરટોળકીની રાહ જોતા ઊભા છે. હાથમાં રહેલી સ્ટોપવૉચ પરનો સમય બતાવી ફરીથી કડકાઈ સાથે કેટલાક કિશોરોને ફરીથી દોડાવવામાં આવે છે. અંતે બધા કિશોરો નિશ્ચિત સમય મર્યાદામાં દોડનો રાઉન્ડ પૂરો કરે ત્યારે જ તેમને શાંતિથી શ્વાસ લેવા દેવામાં આવે છે. દરરોજની આ પ્રેક્ટિસ અંતે રંગ લાવે છે અને થોડાક જ મહિનાઓમાં એ કિશોરોના હાથમાં દેશની આર્મીમાં જોડાવાનો આમંત્રણપત્ર અને દિલમાં પોતાના ગામનો વારસો જાળવી રાખ્યાનો અનેરો હરખ હોય છે.

વાત થઈ રહી છે ગુજરાત તરફથી દેશની આર્મીમાં ૭૦૦થી વધુ યુવાનોનું યોગદાન આપનાર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામની. અહીંનું નાનું બાળક પણ “મોટો થઈને શું બનીશ?” પ્રશ્નનો એક જ જવાબ આપે છે.- “આર્મીમાં જોડાઈને દેશની સેવા કરીશ.” ગુજરાતીઓની એક છાપ દાળભાતિયા પ્રજા તરીકેની છે. શરીરને કષ્ટ પડે તેવા એક પણ કામમાં ગુજરાતીઓ ન પડે તેવી માન્યતા છે. પણ કોડિયાવાડા આ માન્યતાને સદંતર ખોટી ઠેરવે છે, કારણ કે માંડ ૧૫૦૦ની વસતી ધરાવતા આ ગામના ૬૦૦ જેટલાં પરિવારો પૈકી ૮૦ ટકા પરિવારોમાં કોઈ ને કોઈ વ્યક્તિ દેશની આર્મી કે પેરા મિલિટરી ફોર્સમાં છે.

હાલ ૪પ૦ જેટલા ફરજ પર છે, તો છેલ્લાં ત્રણ જ વર્ષમાં રપ૦ જેટલાં જવાનો નિવૃત્ત થઈ ચૂક્યા છે. કેટલાક પરિવારોમાં તો એક જ સમયે ત્રણથી ચાર સભ્યો સેનામાં હોવાના દાખલા છે. ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કોડિયાવાડા ગુજરાત તરફથી સંભવિત સૌથી વધુ જવાનો દેશની આર્મીને આપનાર ગામ છે.

ગુજરાતમાંથી વિજયનગર તાલુકાએ દેશને સૌથી વધુ સૈનિકો આપ્યા છે. આ તાલુકાના અંદાજે ૬૫ ટકા યુવાનો દેશના સૈન્યમાં ફરજ બજાવે છે. અહીંના દઢવાવ, પાલ, ચિતરિયા, બાલેટા, દંતોડ, ચિઠોડા, ઈટાવડી, ખોખરા, ચંદવાસા સહિતનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો સૈન્યમાં જોડાયેલા છે. આ તો થઈ કોડિયાવાડા અને વિજયનગર તાલુકાની પ્રશંસા અને મહત્ત્વની વાત. બાકી અહીં આપણી ચર્ચાનો વિષય જુદો છે.

પ્રાથમિક સુવિધાઓનો અભાવ
૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, કારગિલ વિજય દિવસ જેવા એકલદોકલ દિવસોને બાદ કરતાં બાકીના સમયમાં આપણી દેશભક્તિ જાણે સુષુપ્તાવસ્થામાં સરી પડે છે. જેવા આ દિવસો આવે કે તરત વરસાદી દેડકાની માફક આપણી દેશભક્તિ પણ અચાનક કૂદીને બહાર આવી જાય છે. અને તે વીતતાની સાથે જ ફરી પાછી યથાસ્થિતિમાં ગોઠવાઈ જાય છે.

આવી કામચલાઉ દેશભક્તિનો રાજકારણીઓ અને નેતાઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે. જેનું સૌથી વરવું ઉદાહરણ કોડિયાવાડા છે. ગુજરાતમાંથી સૌથી વધુ કોડિયાવાડાના જવાનો સૈન્યમાં ફરજ બજાવે છે પણ તેમની આ વિશેષતાથી સરકારને જાણે કોઈ ફરક ન પડતો હોય તેમ અહીં વીજળી, પાણી, રસ્તાઓ, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. તાલુકા મથક વિજયનગરથી માંડ ૧૦ કિલોમીટર દૂર આવેલું હોવા છતાં કોડિયાવાડા અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે.

સરકારીતંત્રની બેદરકારી
કોડિયાવાડા ગામ આજે અહીંના યુવાનોના કારણે ગુજરાત આખામાં નામના મેળવી ચૂક્યું છે પણ તેનાથી સરકારીતંત્રને કોઈ ફરક પડતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે, કારણ કે આટલા બધા યુવાનો સૈન્યમાં જોડાયેલા હોવા છતાં અહીં નિયમિત પ્રેક્ટિસ કરી શકાય તેવી ચોક્કસ કોઈ જગ્યા નથી. સૈન્યમાં જોડાવા માગતા દરેક યુવકે જાતે જ તૈયારીઓ કરવી પડે છે. ગામના નિવૃત્ત આર્મીમેનો આ યુવાનોને જરૂરી માર્ગદર્શન આપે છે. આટલાં વર્ષોમાં આ જ રીતે આ ગામના યુવાનો જાતમહેનત કરીને જ આર્મીમાં જોડાયા છે. તેમની સફળતામાં સરકારીતંત્રનો લેશમાત્ર ફાળો નથી. સેનામાં ભરતી માટેનું યોગ્ય ટ્રેનિંગ સેન્ટર બનાવવાની ગામના નિવૃત્ત આર્મીમેનો અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ આવ્યો નથી.

કોડિયાવાડાના ઉપસરપંચ રમેશભાઈ પટેલ કહે છે, “૨૦૧૪માં અમારા ગામનો યુવાન જિજ્ઞેશ પટેલ માત્ર ૨૨ વર્ષની વયે છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતી વખતે શહીદ થયો હતો. તેની યાદમાં એક સ્મારક લાઇબ્રેરી બનાવવા અમે તત્કાલીન ગૃહમંત્રી રજની પટેલ, વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાળ, સાંસદ દીપસિંહ રાઠોડ સહિતના આગેવાનોને લેખિતમાં રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.”

ઈએમઈ બટાલિયન જોધપુર અને ઉધમપુરમાં ફરજ બજાવીને હાલ નિવૃત્ત જીવન ગાળી રહેલા બે મિત્રો આર્મીમેન બાબુભાઈ પટેલ અને રામજીભાઈ પટેલ તેમની વ્યથા ઠાલવતાં કહે છે,”અમારા ગામમાં ૮૦ ટકા પરિવારમાં કોઈ ને કોઈ વ્યક્તિ દેશની સેનામાં છે. અમારું ગામ ૭૦૦થી વધુ સૈનિકો દેશસેવામાં આપતું હોવા છતાં અહીં આર્મીની કેન્ટીન નથી. દસ વર્ષ અગાઉ વિજયનગરમાં દર મહિને આર્મી કેન્ટીન આવતી હતી. જે બંધ કરી દેવાતા આજે અમારા ગામના તમામ આર્મીમેનોએ જરૂરી વસ્તુઓ માટે દર મહિને ફરજિયાત અમદાવાદ આર્મીકેમ્પ અથવા નાના ચિલોડા સ્ટેશન હેડ ક્વાટર્સનો ધક્કો ખાવો પડે છે.

વિજયનગર તાલુકામાં ૬૫ ટકા જેટલા યુવાનો સેનામાં છે તેમ છતાં અહીં આર્મી કેન્ટીનની સુવિધા ન હોવાથી છેક રાજસ્થાન બોર્ડર પાસેના ખોખરા સહિતનાં ગામોના જવાનોએ પણ દર મહિને અમદાવાદ ધક્કો ખાવો પડે છે. આ મામલે ગૃહમંત્રી સુધી રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી. બીજું કે અમારા ગામના યુવાનો મહેનતુ છે. સૈન્યમાં જોડાવા માટે પૂરતી મહેનત કરે છે પણ ટ્રેનિંગ માટેની યોગ્ય સુવિધા ન હોવાથી રસ્તા પર દોડવું પડે છે, જે જોખમકારક છે. જો સરકાર અમને ટ્રેનિંગ સેન્ટર બનાવી આપે તો વધુ ને વધુ યુવાનો દેશસેવામાં જઈ શકે.”

એસવાયબીએમાં અભ્યાસ કરતો કિશન પટેલ કહે છે કે, “હું મારા મિત્રો સાથે સૈન્યમાં જોડાવા માટે મહેનત કરું છું. દરરોજ સવારે ચાર વાગ્યે જાગીને દોડની પ્રેક્ટિસ કરું છું. અમારા ગામના નિવૃત્ત આર્મીમેનો અમને સલાહ-સૂચનો આપતા રહે છે. ગામના ૭૦૦થી વધુ જવાનો દેશની સેવામાં લાગેલા હોવાની વાત અમને સતત એ અહેસાસ કરાવે છે કે તમારે પણ એ જ રસ્તે આગળ વધવાનું છે જ્યાં તમારા ગામના અન્ય યુવાનો ચાલ્યા છે.

હાલ તો અમારે ત્યાં પ્રેક્ટિસ માટે કોઈ મેદાન નથી. કસરત કરી શકાય તેવી જરૂરી સુવિધાઓના અભાવ વચ્ચે પણ અમે ધીરજ રાખીને મહેનત કરીએ છીએ. અત્યાર સુધી આ જ રીતે અમારા ગામના યુવાનો મહેનત કરતા આવ્યા છે. નિવૃત્ત જવાનો ટ્રેનિંગ સેન્ટર માટે અનેક વાર રજૂઆતો કરી ચૂક્યા છે પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. સૈનિકોએ કપરી પરિસ્થિતિ વચ્ચે જીવવાનું હોવાથી આવી અગવડોને પણ અમે ટ્રેનિંગનો એક ભાગ માનીને મન મનાવી લઈએ છીએ.”

આ તો થઈ આર્મીમેનોને પડતી સમસ્યાઓની વાત. આ સિવાય પણ કોડિયાવાડામાં અનેક સમસ્યાઓ જોવા મળી. જેનો પહેલો પરચો મોબાઈલ નેટવર્કના રૂપે મળ્યો. ભિલોડાથી કોડિયાવાડા તરફ આગળ વધતા જોયું તો મોબાઈલ ફોનનાં બંને સીમકાર્ડમાંથી નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. કોડિયાવાડા પહોંચ્યા બાદ આ બાબતે વિજયનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ સાથે ચર્ચા કરતા ખ્યાલ આવ્યો કે અહીં માત્ર બીએસએનએલનું સીમકાર્ડ જ કામ આપે છે. ખાનગી કંપનીઓનાં સીમકાર્ડ અહીં કોઈ કામનાં નથી.

જમાનો થ્રીજી અને હવે ફોર-જી ઈન્ટરનેટ સ્પીડે પહોંચી ગયો છે ત્યારે આવા જાણીતા ગામમાં સામાન્ય મોબાઈલ નેટવર્ક પણ ન પકડાય તે કેવું? આખું ગામ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે પણ ધીમી સ્પીડના કારણે અગત્યના કોઈ પણ કામ માટે વિજયનગર ધક્કો ખાવો પડે છે.

કોડિયાવાડા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, પટેલવાસ અને ડામોરવાસ. આ બંને વિસ્તારોને જોડતો રસ્તો ચોમાસામાં બંધ થઈ જાય છે. વરસાદી પાણી ભરાવાના કારણે ડામોરવાસનાં ૨૫૦ ઘરો સાથેનો સંપર્ક તૂટી જાય છે. પરિણામે આ વિસ્તારના ગામલોકોએ એક ખેતર વચ્ચેથી પસાર થતી નાનકડી પગદંડી પર ચાલવું પડે છે. જે હાઈવોલ્ટેજ વીજળીના થાંભલાની વચ્ચેથી પસાર થાય છે.

થાંભલા પર ગોઠવાયેલું ટીસી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જે તેવી સ્થિતિ છે. તેમ છતાં ગામલોકોએ નાછૂટકે, જીવ જોખમમાં મૂકીને વીજળીના થાંભલા વચ્ચેની કેડી પરથી પસાર થવું પડે છે. મહિલાઓ પાણીનાં બેડાં લઈને, પુરુષવર્ગ લીલા ઘાસના પૂળા ઉપાડીને અહીંથી પસાર થાય છે. સવાલ એ છે કે આટલી ગંભીર સમસ્યા છતાં જીઈબી દ્વારા કેમ કોઈ સમાધાનકારી પગલાં લેવાતાં નથી.

બીજી સૌથી ગંભીર સમસ્યા પીવાના પાણીની છે. અહીંનું પાણી ક્ષારવાળું હોવાથી ઘરદીઠ પથરીના દર્દીઓ છે. બે વર્ષ અગાઉ મિનરલ વૉટર પ્લાન્ટ નાખેલો હતો જે બગડી જતા રિપેરિંગની તસદી લેવાઈ નથી. ગામમાં પાણીની ટાંકી ન હોવાથી પૂરા ફોર્સથી પાણી પહોંચતું નથી. આથી પાણી ખેંચવા માટે ગામલોકોએ ફરજિયાત પાણીની નાની મોટર વસાવવી પડે છે.

સમસ્યાઓથી ગામની પ્રાથમિક શાળા પણ બચી શકી નથી. વરસતા વરસાદમાં જ્યારે ‘અભિયાન’ના પત્રકારે પ્રા.શાળાની મુલાકાત લીધી ત્યારે ગામથી શાળા સુધીનો મુખ્ય રસ્તો કાદવકીચડથી ભર્યો પડ્યો હતો. જે બાળકો માટે પસાર કરવો મુશ્કેલ હતો.

૧થી ૮ ધોરણમાં ૧૭૯ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી કોડિયાવાડા જૂથ પ્રા.શાળામાં ૮ ઓરડા પૈકી બેમાં વરસાદી પાણી ટપકતું હોવાથી બંને ક્લાસના વિદ્યાર્થીઓને અન્ય ક્લાસમાં શિફ્ટ કરી દેવાયા હતા. સૌથી મોટી સમસ્યા એ જોવા મળી કે આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ કૉમન ટૉઇલેટ હતું. એનો ઉપયોગ પણ જે તે વિદ્યાર્થી માત્ર ‘ઈમરજન્સી’માં જ કરી શકે તેવો નિયમ. પરિણામે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ખુલ્લામાં શૌચ માટે જવું પડે છે.

આ બાબતે શાળાનાં આચાર્યા ઈંદિરાબહેન પટેલ કહે છે કે, “૧૫ વર્ષ અગાઉ અહીં ત્રણ ટૉઇલેટ બનાવાયાં હતાં જે ભૂકંપમાં જર્જરિત થઈ જતા તાળાં મારી દેવા પડ્યાં છે. મધ્યાહ્ન ભોજન યોજના માટેનો શેડ પણ નથી. અતિ સાંકડા એક રૂમમાં મધ્યાહ્ન ભોજનના સામાનની સાથે રસોઈ બનાવવાનું કામ કરવામાં ભારે અડચણ પડે છે. વિદ્યાર્થીઓ બેસીને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં જ બાળકોને ભોજન પિરસાય છે.

પ્રાર્થના હૉલ ન હોવાથી સીઆરસી વિભાગનો રૂમ કામચલાઉ ધોરણે ફાળવાયો છે પણ તેમની મિટિંગ કે અન્ય કામ વખતે ખાલી કરી દેવો પડે છે. ઠંડી, તડકો અને વરસાદ એમ ત્રણેય સિઝનમાં બાળકો ખુલ્લામાં બેસીને જ પ્રાર્થના કરે છે. અમે વર્ષમાં બે વખત ઠરાવ પસાર કરીને કલેક્ટર સુધીના અધિકારીઓને રજૂઆતો કરીએ છીએ પણ કોઈ ઉકેલ આવતો નથી. દેશની સેનામાં ગુજરાતમાંથી સૌથી વધુ સૈનિકો અમારા ગામના છે. અમને આ બાબતનો ભારે ગર્વ છે પણ સરકારને તેની કોઈ પરવા નથી.”

કોડિયાવાડાની વાત અહીં કરવાનો મતલબ એટલો જ કે આટલી મોટી સંખ્યામાં સેનામાં જવાનો આપનાર જાગ્રત ગામમાં જો આવી સ્થિતિ હોય તો રાજ્યના છેવાડાનાં ગામો કે જ્યાં આજે પણ મોટાભાગના લોકો અભણ અને કારમી ગરીબીમાં જીવન વિતાવે છે ત્યાં કેવી દશા હશે ? દેશભક્તિની કિંમત જો રાજકારણીઓ અને નીંભર તંત્ર સમજી શકતું હોત તો કોડિયાવાડા ગુજરાત આખા માટે એક મિશાલ બની શકે તેમ છે. પણ કમનસીબે એવું શક્ય બન્યું નથી.

દેશસેવામાં કોડિયાવાડાનું યોગદાન
દેશની આર્મી અને પેરા મિલિટરી ફોર્સની મોટાભાગની બટાલિયનોમાં કોડિયાવાડાનો કોઈ ને કોઈ જવાન જોડાયેલો છે. આર્મી મેડિકલ કોપ, આર્મી સપ્લાય કોપ અને સિગ્નલ કોપમાં જ કોડિયાવાડાના ૭૬થી વધુ જવાનો છે. અહીંના સૌથી વધુ જવાનો આર્મીના તોપખાનામાં (૧૫૦) અને પેદલસેનામાં (૧૪૫)માં સેવા આપી રહ્યા છે.

મોટાભાગના જવાનોનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર, આસામ, નાગાલેન્ડ, લેહ-લદ્દાખ, રાજસ્થાન, પંજાબ અને હિમાચલપ્રદેશમાં છે. આર્મી સિવાય પેરા મિલિટરી ફોર્સમાં પણ અહીંના ૭૦ જેટલા જવાનો જોડાયેલા છે. જેમાં સીઆરપીએફમાં ૨૫, બીએસએફમાં ૨૫, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસમાં ૭, સીઆઈએસએફમાં ૧૦ અને એનએસજીમાં ૪ જવાનો ફરજ બજાવે છે. આમ, તમામ ફોર્સમાં મળીને અહીંના ૪૫૦થી વધુ જવાનો દેશની રક્ષામાં ફરજ બજાવે છે.
નરેશ મકવાણા

You might also like