જ્ઞાન કેમ થતું નથી?

સંસારમાંં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્ઞાનમાર્ગમાં દેહ, ધનવૈભવ, માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકમાંથી આસક્તિ છોડવી પડે છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે ગયા જન્મમાં માતા-પિતા, સ્ત્રી પુત્રાદિકને જેમ તમે અજ્ઞાને કરીને વિસરી ગયો છો તેવી જ રીતે આ જન્મનાં માતા-પિતા, સ્ત્રી પુત્રાદિકને જ્ઞાને કરીને વિસરી જાઓ.
ગયા અનેક જન્મનાં માતા-પિતા, સ્ત્રી, પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો તે તમારી ઉપર ભાગવાનની અત્યંત કૃપા ગણાય. જો તમે ના હોત અને જો તમે તમારાં ગત જન્મોનાં સગાંઓને હાલમાં પણ જાણતા હોત અને ઓળખતા હોત તો રસ્તામાં જતું ગધેડું હોય તેને પણ તમે ગળે વળગી પડત અને કહેતા હોત કે ‘આ તો મારો કાકા છે’, ‘આ તો મારો મામો છે.’ગયા જન્મની તમારી સ્ત્રી હાલમાં કૂતરી કે ગધેેડાના અવતારમાં હોત તેને તમે ચાલુ ઘરમાં ઘાલી દો તો મહાઉપાધિ થાય. પરંતું ભગવાનની અત્યંત કૃપા છે કે તમે તમારા ગયા જન્મનાં સગાંને ભલે અજ્ઞાને કરીને પણ ભૂલી ગયા છો. તે ઘણું સારું થયું છે. તો જેવી રીતે તમે તમારા આગળના જન્મનાં માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિકને અજ્ઞાને કરીને ભૂલી ગયા છો તેવી જ રીતે આ જન્મનાં માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિકને પણ જ્ઞાને કરીને વિસરી જાઓ. સંસારમાંથી આસક્તિ તમે જેમ જેમ હટાવતા જાઓ અને વિરક્તિ પ્રાપ્ત કરતા જાઓ તમે તેમ જ્ઞાનનો પ્રકાશ પડવા લાગશે.
સંસારમાં તમે આસક્ત છો કે વિરક્ત છો તે જાણવાનું તમારી પાસે જ બેરોમીટર છે. તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તેનું નામ વિરકિત. આ બેરોમીટરથી તમે તમારું માપ કાઢી લઇ શકો કે તમે જ્ઞાનમાર્ગમાં જવા અધિકારી છો કે નહિ.
તમે કોઇ દિવસ જ્ઞાન લેવા ગયા છો?
આપણે ખરા અર્થમાં જ્ઞાન લેવા જતા જ નથી. ડોંગરે મહારાજની કે કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કે શંભુ મહારાજની ભાગવત સપ્તાહમાં અનેકવાર ગયા હોઇશું. અગર સંન્યાસ આશ્રમમાં દરરોજ ધક્કા ખાતા હોઇશું. પરંતુ ત્યાં કદાપિ ખરેખર જ્ઞાન લેવા આપણે જતા જ નથી. માત્ર દેખાવ કરવા જ અગર તો જાણે કે મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોઇએ છીએ-જીવ તો ઘરમાં સ્ત્રી, પુત્રાદિકના કાથાકબાલામાં જ ભરાઇ રહેલો હોય છે, પછી જ્ઞાન કેવી રીતે મળે?•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like