Categories: Dharm

જાણો…રતિએ બ્રહ્માજીને કેમ આપ્યો શ્રાપ…?

સર્વત્ર તારકાસુરની આણ વરતાતી હતી, અને એના નામ માત્રથી દેવોનાં બાળકો ધ્રૂજતાં હતાં. તારકાસુરે દેવો પાસેથી સારાસારા રસાળ મુલકો પડાવીને પોતાના રાક્ષસોને તેમાં ખેતી કરવા મૂક્યા હતા.રાક્ષસો માટે હિમાલયની વિશાળ પર્વતમાળા ફરવાનાં મેદાન જેવી બની રહી હતી. દેવો પરાધીન બન્યા હતા.

ઊંડા ચિતંનમાં હોય તેમ બ્રહ્મદેવ આંખો મીંચીને એક ગુફામાં બેઠા હતા. આજે ઈન્દ્રનું વિમાન તારકાસુરે મંગાવ્યું હતું. અપ્સરાઓને પોતાને ત્યાં નૃત્ય કરવા બોલાવી હતી અને આવતી કાલથી દેવોનાં બાળકો તારકાસુરને પગે લાગવા જવાનાં હતાં.

બ્રહ્મદેવ તારકાસુરને હણે તેવું સર્જન કરાવવા માટે ઊંડું ચિંતન કરી રહ્યા હતા અને અચાનક તેમના મનમાં શંકરનું નામ ઊગી નીકળ્યું. સતી જો ફરી સચેતન થાય અને શંકર જો પ્રેમ સમાધિમાંથી જાગે, તો આ એક તો શું પણ દશ હજાર તારકાસુરને હણે તેવો નરપુંગવ દેવજાતિમાં જન્મે. સતી તો સચેતન થાય. પણ શંકરને એની પ્રેમસમાધિમાંથી કોણ જગાડે?

તેમને એક અત્યંત સુખી યુગલ યાદ આવ્યું. જ્યારે જુઓ ત્યારે એ આનંદથી મલકાતું હોય, બીજા દેવોમાં નિત્યયૌવન હતું. પણ એ વિચાર આવ્યો ન આવ્યો અને તરત જ દેવજાતિના ઉદ્ધાર માટે નવા સર્જનની આશા રાખનાર વૃદ્ધ પુરુષના પગ પણ ઢીલા પડ્યા, ઉત્સાહ ઊડી ગયો.

અત્યંત દુઃખથી માથે હાથ દઈ તે બેસી ગયા. અને વેદનામાં ને વેદનામાં તેમનાથી બોલાઈ ગયું : ‘ઓ દેવજાતિ! તારા ઉદ્ધાર માટે આવો મોંઘો બલિ દેવો પડશે. એક સુખી યુગલ હંમેશને માટે વિખૂટું પડશે.’

આડેઅવળે માર્ગે થઈને બ્રહ્માજી એક સુંદર વાડી પાસે આવીને ઊભા. સુંદર નાનું સરખું એ ઉદ્યાન હતું. એ સ્થળમાં જાણે અકાલે વસંત ખીલતી હોય તેમ ફૂલેફૂલમાં કળીએ કળીમાં,પાનેપાનમાં તાજગી ભરી હતી. કામદેવ અને રતિનું સુંદર અનુપમ યુગલ બ્રહ્મદેવ નિહાળી રહ્યા અને બેમાંથી એક હોમાશે ત્યારે જ દેવજાતિનો ઉદ્ધાર થશે. એ વિચાર આવતાં, વૃદ્ધ બ્રહ્મદેવની આંખમાંથી પણ આંસુ ખર્યાં.

કામદેવ પોતાના પિતાને આવતા નિહાળી સામે ચાલ્યો. રતિ તેની સાથે સાથે ચાલી. આવું સુંદર નિત્યયૌવનભર્યું સુખી યુગલ નિહાળીને બ્રહ્મદેવ દેવજાતિના ઉદ્ધારનું સ્વપ્ન વીસરી જવા લાગ્યા.

તે બોલ્યા, ‘તારો ખપ પડ્યો છે. સતી અચેતન થયાં છે, શંકર પ્રેમ સમાધિમાં પડ્યા છે, તારકાસુર દેવોને હણે છે અને દેવો તેને હણનાર એક નરપુંગવની રાહ જુએ છે અને આ હિમાલય જેવી દેવભૂમિ આજે અસુરોના હાથમાં જઈ પડી છે. દેવભૂમિ ભોગ માગે છે.’

‘કોનો?’ રતિએ અધીરતાથી પૂછયું.

બ્રહ્મદેવે વેદના દબાવી. મંદ સ્વરે જવાબ વાળ્યો: ‘કામદેવનો!’ એક તીક્ષ્ણ ચીસ પાડીને રતિ નીચે ઢળી પડી. રતિએ થોડી વારમાં નેણ ઉઘાડ્યાં, અને કામદેવના રૂપને પીવા લાગી, નિષ્પનદ નેણે કામદેવને નિહાળી રહી!

બ્રહ્મદેવ ફરી સ્થિર થયા : ‘જુઓ, શંકરની પ્રેમ સમાધિ છોડાવવા કામદેવ, તારે પોતાને જ જવું પડશે અને જ્યારે ત્યાં ઠરી ગયેલી સૃષ્ટિ તારા પ્રભાવથી જરાક હાલવા માંડશે. જ્યારે બધે ગતિ થશે, જ્યારે કળીમાંથી ફૂલ ખીલવા માંડશે. પક્ષીઓ સંચાર કરશે ત્યારે સૃષ્ટિમાં આ પ્રાણ સંચાર ક્યાંથી થયો તે જોવા માટે શંકરનું ત્રીજું નેત્ર ખૂલશે. અને…..’

‘અને શું?’

‘અને તું એ અગ્નિમાં ભસ્મ થશે! તારી ભસ્મમાંથી જન્મેલું નવું જીવન દેવજાતિનો ઉદ્ધાર કરશે!’

કામદેવે રતિના સુંદર હોઠને અમૃતબિંદુથી ભીંજવ્યા અને પોતાના ખોળામાં તેના રૂપના સાગર જેવી મૂર્તિ બેઠી કરી! રતિ બેઠી થઈને બોલી, ‘મારા કામદેવને લઈ લેવો હોય તો મને પણ લઈ જાઓ. અરે કામદેવ વિનાના જીવનને હું શું કરું?’
અને બ્રહ્મદેવ વધુ બોલે તે પહેલાં જેમ માનસરોવરની હંસી ઢળી પડે તેમ રતિ ઢળી પડી હતી.

પણ અત્યંત દૃઢ સ્વરે કામદેવે બોલ્યા: ‘પિતા! સર્વશ્રેષ્ઠ બલિદાન તરીકે મને સ્વીકારીને મારો કોમળ દેહને તમે વજ્ર જેવા અભેદ્ય અને અખંડ કરી દીધો. આ બલિદાનથી દેવજાતિનો ઉદ્ધાર થાઓ!’

અને તે ત્યાંથી ચાલી નીકળ્યો… તદ્દન ધીમે પગલે, પણ દૃઢતાથી, અને બ્રહ્મદેવને નમીને. રતિના સોનેરી વાળથી તેનાં પોપચાં ઢાંકી અને સંધ્યાના રંગોમાંથી વિશ્વકર્માએ ઘડેલી એક પ્યાલીમાં અમૃતરસ મૂકીને તે પોતે પણ મંદ પગલે ચાલી નીકળ્યા.

અત્યંત શોકભારથી જર્જરિત થયેલા તે પોતાની ગુફામાં એકલા પાછા ફર્યા, પણ હણાવા માટે આગળ વધતો કામદેવ તેમની કલ્પના સામે ખડો થઈને તેમને તીવ્ર વેદનાથી વીંધી નાખવા લાગ્યો.

અને… જ્યારે બરફના ડુંગરા સળગી ઊઠે તેવો ભયંકર અગ્નિ શિવજીના નેત્રમાંથી પ્રગટ્યો, જ્યારે આકાશ ને પૃથ્વી તેજથી લીંપાઈ ગયાં, અને જ્યારે ‘આ શંકરના ત્રીજા નેત્રનો અગ્નિ છે,’ એમ બોલતા દેવો, ઉપર વિમાનોમાંથી ધ્રૂજવા લાગ્યા, ત્યારે રતિ બેબાકળી બેઠી થઈ ગઈ, ગાંડાની જેમ જે દિશામાં અગ્નિ દેખાતો હતો તે તરફ દોડી : ‘કામદેવ! કામદેવ!’

પણ થોડેક દૂર ગઈ ન ગઈ, ત્યાં ઉપર વિમાનોમાં ગંધર્વોને ‘અનંગ ભસ્મ’ની પ્રશસ્તિ ગાતા તેણે સાંભળ્યા, તે એકદમ સ્થિર થઈ ગઈ. બરફના સળગતા ડુંગરાઓ જોઈ રહી, અને જાણે પોતાનું જિગર કાઢી નાખતી હોય તેમ અત્યંત વેદનાથી બોલી ઊઠી: ‘બ્રહ્મદેવ ! રતિનો શાપ છે કે તું કલ્પનાની – રસની – કલાની સર્જનની મૂર્તિ ઘડનારો, દેવ જેવો મનુષ્ય એક હજાર વર્ષે માંડ એક આપી શકશે.

તારી ગરીબીથી હંમેશાં તું શરમાયા કરજે અને જો, તેં નવા સર્જન માટે કામદેવને બાળ્યો છે, માટે હવે પછી નવાં સર્જન કામદેવ જ કરશે, તને તો કોઈ ઓળખશે પણ નહિ, અને મને કોઈ જાણશે નહિ! સૌ કામદેવને જ ભજશે, અમારું યુગલ તેં ખંડિત કર્યું છે, માટે હવે સર્જન માત્ર અકસ્માતથી જ થશે અને શ્રેષ્ઠ સર્જનની પળ હજાર બે હજાર વર્ષે ક્યારેક જ આવશે!’
નિઃસત્વ સર્જનોથી જાણે પોતાની ગુફા રૂંધાતી હોય તેમ જણાતાં બ્રહ્મદેવે અચાનક આંખ ઉઘાડી. રતિનો મૂર્તિમંત શાપ નિહાળીને તે થંભી ગયા.•

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago