ટીમ ઇન્ડિયા વચ્ચે ટ્રોફી હાથમાં લીધેલા આ જનાબને તમે ઓળખો છો ખરા?

સિડનીઃ ભારતીય ટીમે કાંગારુંઓને હરાવીને ટી-૨૦ શ્રેણી જીતી લીધી. જ્યારે ટ્રોફી ઉઠાવવાનો વારો આવ્યો તો મંચ પર આખી ટીમ અને સપોર્ટ સ્ટાફ પણ પહોંચી ગયો. આ સમયે અચાનક ફોટો સેશન દરમિયાન ટ્રોફી એક દૂબળા-પાતળા છોકરાના હાથમાં આપી દેવામાં આવી, જે ટીમની વચ્ચે બેસીને ફોટોગ્રાફર્સ અને ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો. કોણ છે આ જનાબ, તમારે જાણવું છે? અસલમાં આ છે રાઘવીન્દ્ર, જેને ભારતીય ક્રિકેટમાં પ્રેમથી રઘુના નામથી બોલાવાય છે.

રઘુ ભારતીય ટીમની સાથે એક ખાસ ઉદ્દેશથી જોડાયો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન એ રઘુ જ છે, જે થ્રો ડાઉનની જવાબદારી નિભાવે છે. એટલે કે નેટ્સમાં બેટ્સમેનોને બોલ ફેંકે છે. નેટ્સમાં બોલર હોય કે ના હોય, રઘુ સતત કલાકો સુધી બોલ ફેંકતો રહે છે અને ભારતીય બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવતો રહે છે. રઘુ સચીન, દ્રવિડ, ધોની, કોહલી જેવા કેટલાય દિગ્ગજોને પ્રેક્ટિસ કરાવી ચૂક્યો છે.

કર્ણાટકના એક જિલ્લાનો રહેવાસી રઘુ ઘણાં વર્ષો પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ ક્રિકેટર બનવાના પોતાના સાથે મુંબઈ આવ્યો હતો. થોડાં વર્ષ મુંબઈમાં પ્રેક્ટિસ કર્યા પછી જ્યારે કોઈ ફાયદો ના થયો ત્યારે તે હુબલી ચાલ્યો હતો. વર્ષ ૨૦૦૮માં છેવટે રઘુને નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં નોકરી મળી ગઈ અને થોડા જ સમયમાં તે ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ ગયો. આજે ભારતીય ટીમનો દરેક ખેલાડી રઘુને પોતાનો ભાઈ માને છે અને રઘુ પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવવામાં કોઈ કસર છોડતો નથી.

You might also like