શાહઆલમમાં ચરસનો નશો કરી રહેલા યુવકની છરી મારી હત્યા

અમદાવાદ: શહેરના શાહઆલમ વિસ્તાર પાસે આવેલા ચંડોળા તળાવ નજીક ગઇકાલે મોડી રાતે એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બે દિવસ પહેલા નશો કરવા બાબતે મિત્રો વચ્ચે થયેલી તકરારની અદાવત રાખીને ગઇ કાલે બે યુવકોએ ભેગા મળીને તેના મિત્રની ઘાતકી હત્યા કરી નાખી છે. ઇસનપુર પોલીસે હત્યામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહઆલમ વિસ્તાર પાસે આવેલા ચંડોળા તળાવ નજીક મોડી રાતે મીરજાપુર વિસ્તારમાં રહેતા અબ્દુલ હસન અબ્દુલ રઇશ શેખની તેનાજ બે મિત્રોએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અબ્દુલ હસન તથા તેના બે મિત્ર બશીર અહેમદ વાહિદ અહેમદ શેખ ( રહે નવાબનગરનાં છાપરાં શાહઆલમ) તથા ઇમરાન બાબુભાઇ શેખ (રહે ચંડોળા તળાવ, શાહઆલમ) ચરસનો નશો કરવાની ટેવ ધરાવે છે.

બે દિવસ પહેલાં અબ્દુલ હસન, વાહિદ તથા ઇમરાન ચરસનો નશો કરવા બેઠા હતા તે સમયે હસન અને ઇમરાન વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને હસને ઇમરાનને છરી મારી દીધી હતી. ઇમરાનને સામાન્ય ઇજા થઇ હતી ત્યાર બાદ બન્ને વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ગઇ કાલે મોડી રાતે ત્રણેય જણા નશો કરવા બેઠા હતા તે સમયે ઇમરાન તથા વાહિદે અબ્દુલ હસનને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાની જાણ ઇસનપુર પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને હત્યામાં સંડોવાયેલા અબ્દુલ વાહિદ તથા ઇમરાનને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like