લારીમાંથી પાણીપૂરી લેવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો

અમદાવાદ: કોઇ પણ વ્યક્તિ જ્યારે પાણીપૂરી ખાવા માટે જાય છે ત્યારે પાણીપૂરીની લારીમાંથી તે જાતે જ પકોડી લઇને ખાતી હોય છે, પરંતુ શહેરના નારોલ રોડ પર આવેલા શાહવાડી વિસ્તારમાં ગઇ કાલે પાણીપૂરીની લારીમાંથી ગ્રાહક પકોડી લેવા જતાં મામલો ‌બીચક્યો હતો. પાણીપૂરીની લારી ચલાવનાર વ્યકિતએ ગ્રાહકને પકોડી લેવાની ના પાડતાં છરી વડે હુમલો કરવાની ઘટના ઘટી છે. વટવા પોલીસે ગ્રાહક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ છે.

નારોલ રોડ પર આવેલા શાહવાડી પાસેના જનતાનગરમાં રહેતા બ્રિજેશ પુરણભાઇ પ્રજાપતિ પર સગીર યુવકે છરી વડે હુમલો કર્યો છે. બ્રિજેશભાઇ તેમના ઘર પાસે પાણીપૂરીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ એક સગીર યુવક બ્રિજેશભાઇની લારી પર પાણીપૂરી ખાવા માટે ગયો હતો. પાણીપૂરી ખાતાં ખાતાંં યુવક બ્રિજેશભાઇની લારીમાં હાથ નાખીને પકોડી લેવા ગયો હતો. યુવક લારીમાંથી પકોડી લે તે પહેલાં તેને બ્રિજેશભાઇએ રોક્યો હતો અને પકોડી લેવાની ના પાડી હતી.

અન્ય ગ્રાહકોની સામે એક પકોડી લેવા બાબતે અપમાન થતાં તે યુવક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે બીભત્સ ગાળો તથા અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. બ્રિજેશભાઇએ ગાળો બોલવાની ના પાડતાં યુવક છરીના બે ઘા તેમની છાતી પર ઝીંકી દઇ ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બ્રિજેશભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like